લોકસભા ચૂંટણીના કારણે આ દિવસે બાર અને વાઇન શૉપ બંધ…

મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20મી મેએ મુંબઈની છ બેઠક પર મતદાન યોજાવાનું છે તેને ધ્યાનમાં રાખીને શહેરમાં તમામ બાર અને વાઇન શૉપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશને પગલે શહેરમાં મતદાન યોજાય તે પહેલા બે દિવસ અને મતદાનના દિવસે એમ કુલ ત્રણ દિવસ બાર અને વાઇન શૉપ બંધ રહેશે. આ ઉપરાંત મત ગણતરીના દિવસે એટલે કે ચોથી જૂનના રોજ પણ શહેરમાં દારૂ પીરસતા બાર તેમ જ વાઇન શૉપ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: પાલઘર લોકસભા મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20 મેના રોજ મતદાન થશે.
રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશ અનુસાર 18મી મેએ સાંજે પાંચ વાગ્યાથી 20મી મેના રોજ મતદાનના દિવસે સાંજે છ વાગ્યા સુધી મુંબઈના બાર અને વાઇન શૉપ બંધ રહેશે.
18મી મેએ પાંચ વાગ્યાથી આ આદેશનું પાલન શરૂ કરવામાં આવશે જે 19મી મેએ આખો દિવસ પાળવામાં આવશે. જ્યાર બાદ 20મી મેના રોજ મતદાન પૂરું થાય ત્યાં સુધી એટલે કે સાંજે છ વાગ્યા સુધી શહેરના બાર અને વાઇન શૉપ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો: યામીની જાધવ સ્માર્ટ અને અભ્યાસુ ઉમેદવાર: એકનાથ શિંદે
ઉલ્લેખનીય છે કે પાંચમા તબક્કાના મતદાન બાદ 25મી મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન અને પહેલી જૂને છેલ્લું અને સાતમા તબક્કાનું મતદાન યોજવામાં આવશે. જોકે, એ દરમિયાન શહેરમાં મતદાન ન હોવાથી કોઇપણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે, મતગણતરીના દિવસે ચોથી જૂનના રોજ ફરીથી એક દિવસનો બંધ લાગુ કરવામાં આવશે.