સ્વાર્થ વિના બધું વ્યર્થ: માણસ નામે મતલબી
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: ટ્રાફિક અને ટેન્શમાં કંઇ જ ના સૂઝે (છેલવાણી)
એક કિવદંતી છે કે જ્યારે ઇશુ ખ્રિસ્તને શૂળી પર ચઢાવાઇ રહ્યા હતા ત્યારે એક માણસ પોતાના દાંતના દુ:ખાવા માટે ઈશ્ર્વરને કોસતો હતો! આ છે મતલબી હોવાની પરાકાષ્ઠા.
માન્યું કે ‘સ્વાર્થી હોવું’ અવગુણ છે, પણ જગતમાં સ્વાર્થી કોણ નથી? મતલબી હોવાનો એક ફાયદો એ છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ કે જે નજીકના છે એમની સાથે જ સ્વાર્થી બની શકાય એવું નથી, તમે કોઈની પણ સાથે સ્વાર્થી થઈ શકો છો. ઑફિસમાં પ્રમોશન મેળવવા કે ટ્રેનમાં વિન્ડો સીટ મેળવવા પણ સ્વાર્થી બનવું પડતું હોય છે. ઇન શોર્ટ, ‘કામ કઢાવવા સ્વાર્થી બનવું પડે તો બની જવાનું’-એવી ફિલોસોફી જગતમાં ૯૦% લોકો અપનાવે છે, બાકીના ૧૦% લોકો જન્મ્યા નથી.
એક માણસ ગર્લફ્રેન્ડને લઈને લગ્ન કરવા ચર્ચમાં જાય છે. ગર્લફ્રેન્ડે પૂછ્યું, ‘લગ્ન પહેલાં એટલું કહે કે તારી પહેલી પત્નીનું શું થયું?’
‘મેં એને મારી નાખી.’ પેલાએ ઠંડકથી કહ્યું.
‘વોટ? પણ કેમ?’
‘મને પૂરેપૂરો શક હતો કે એ બેવફાનું બીજે ક્યાંક લફરું ચાલી રહ્યું હતું?’
‘તો શું કાલે તને મારા પર શક જાય તો તું મને પણ મારી નાખશે?’
‘એટલે? વફાદારી જેવી કોઇ ચીજ જ નથી જગતમાં? બોલ, જવાબ દે?’ પેલાએ ભડકીને સ્રીનું ગળું ઝાલીને કહ્યું. છે ને કમાલનો માણસ? પણ આખી વાતના મૂળમાં એમ છે કે- ‘મારા સિવાય કોઇ નહીં’- એવો મતલબી વિચાર.
રોજબરોજની લાઇફમાં સ્વાર્થી બનવાની સૌથી નાજુક ઘડી છે: ‘ટ્રાફિક-જામ’ ટ્રાફિકમાં ગાડી ચલાવતી વખતે આપણે બધા ક્યાંક ને ક્યાંક સખત સ્વાર્થી બની જ જતા હોઈએ છીએ. ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે આજુબાજુની ગાડીઓવાળા પર અચૂક ભડકીએ’ કારણ કે આપણે જ્યાં પણ પહોંચ્યા હોઇએ છીએ એનાથી આપણે ક્યારેય ખુશ નથી હોતા. આપણને થાય કે હું જ સૌથી આગળ કેમ નહિ? ઘણા તો કાચ બંધ હોય તો પણ આગળવાળો ‘અંતર્યામિ’ હોય એમ બરાડા પાડે: ‘હટ્ બે …નીકળ!’ પણ એકવાર ટ્રાફિકમાંથી તમે નીકળી જાવ તો તમને ટ્રાફિક-જરાયે નહીં લાગે, કારણ કે ટ્રાફિકમાંથી સૌથી પહેલા નીકળી જવાનો સૌને જન્મજાત સ્વાર્થ હોય છે.
જ્યારે એમ્બ્યુલન્સને રસ્તો આપવાનો હોય ત્યારે આપણામાં અચાનક એકદમ માનવતા જાગી ઊઠે છે ને આપણે રસ્તો કરી આપીએ છીએ…પણ એમાં યે આપણામાંથી ઘણાં એમ્બ્યુલન્સને રસ્તો આપવાના બહાને એમ્બ્યુલંસની પાછળ પાછળ ફટાફટ નીકળી જવાના પેંતરા અજમાવે છે. આમાં સેવા ને સ્વાર્થનું કમીનું કોંબિનેશન હોય છે.
ઇંટરવલ:
લીડરોં કી ધૂમ હૈ ઔર ફોલોવર કો નહીં
સબ તો જનરલ હૈ, યહાં આખિર સિપાહી કૌન હૈ?
(અકબર ઇલાહાબાદી)
વળી આપણે દાંતના ડૉક્ટર પાસે નર્વસાત્મક દશામાં દાંતનું ખોદકામ કરાવવા જતા હોઈએ ત્યારે તો સ્વાર્થનો ક્લાઇમેક્સ જ આવે છે. બરોબર ત્યારે જ સિગ્નલ પર આગળની ગાડીવાળો સિગ્નલ લીલું થાય તો પણ હલે નહીં ત્યારે હલતા દાંતને કચકચાવીને આપણે મનમાં કહેતા હોએ છીએ કે- ‘ચાલ, ચાલ, ફોન પર ધંધો પછી કરજે… પહેલાં ડ્રાઇવ કર ડફોળ!’ તમે એ માણસને ૧ સેકંડ અગાઉ જોયો પણ ના હોય છતાંયે એના પર તરત જ નફરત કરવા માંડશો. પછી એનાથી આગળ નીકળી જશો તો યે પાછળ વળીને એને ઘૂર્યા કરશો, કારણ કે એ અજનબી આપણાં સ્વાર્થ વચ્ચે આડો આવેલો.
કોઇ સ્વાર્થી માણસ જીદે ચઢીને જેમ તેમ ગાડી ચલાવતો હોય ત્યારે બાજુની સીટ પર બેઠેલાની હાલત કેદી જેવી હોય છે. એકવાર પતિ-પત્ની ગાડીમાં લોંગ ડ્રાઈવ પર ગયા ત્યારે પત્નીએ પતિને કહ્યું, ‘હું ગાડી ચલાવું?’
પતિએ કહ્યું, ‘ના,ના. મારી ગાડી તો હું જ ચલાવીશ.’
પત્નીએ કહ્યું, ‘પણ તું જે રીતે ચલાવે છે, એ જોતાં હું ગાંડી થઇ જઇશ.’
‘એક જ માણસ બે વખત પાગલ ના થાય!’ આવું ઇન્સલ્ટ કરીને પણ પેલા મતલબીએ પોતાની ગાડી તો પોતે જ ચલાવે રાખી!
દુનિયામાં ઘણાં તો વળી સ્વાર્થી હોવાની સાથોસાથ સ્વ-કેન્દ્રિત પણ હોય છે. સતત સ્વ-કેન્દ્રિત બનવું એ એક રંગીન ને ગમગીન રોગ છે. એક બહુ જ જાણિતા ગાયક બ્રિજબિહારી (નામ બદલ્યું છે.) ખૂબ સ્વકેંદ્રી હતા જેમને કાયમ પોતાનું નામ લઈને જ વાત કરવાની આદત હતી! પોતે જાણે કોઇ ત્રીજી જ વ્યક્તિ હોય એમ ‘બ્રિજબિહારીનો આજે મૂડ નથી’, ‘બ્રિજબિહારીને મીઠાઇ ના ભાવે’, ‘બ્રિજબિહારી આજે બિઝી છે’, એમ હંમેશાં પોતાનું નામ લઈને જ વાત કરે. એક વખત મિત્રો સાથે મુંબઇ રેડિયો પર કોઇ પ્રોગ્રામમાં ગાવા જઈ રહ્યા હતા. મુંબઇના પરાં અંધેરી સ્ટેશન પર એમની સાથે થોડા સાજિંદાઓ જોડાયા. પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન આવી જે ખચોખચ ભરેલી હતી એટલે એમણે કહ્યું, ‘બ્રિજબિહારી આમાં નહીં જાય.’ બીજી ટ્રેન પણ ભરેલી આવી તો એમણે ફરીથી કહ્યું, ‘બ્રિજબિહારી આમાં પણ નહીં જાય!’ સાથેના સાજિંદાઓમાંથી એક સાજિંદો બ્રિજબિહારીને ઓળખતો નહોતો એટલે જ્યારે ભીડભરી ત્રીજી ટ્રેન આવી ને જેવું બ્રિજબિહારીએ મના કરવા મોં ખોલ્યું કે પેલાએ તરત કહ્યું, ‘એ બ્રિજબિહારી ગયો તેલ લેવા! હું તો જઇશ.. નહીંતર પ્રોગ્રામમાં પહોંચાશે નહીં તો મને પૈસા કોણ બ્રિજબિહારીનો બાપ આપશે? ‘એ સમયે સેલ્ફ-સેંટર્ડ બ્રિજબિહારીનું મોં જોવા જેવું હતું. એમનો ચહેરો જોવાનું મન થાય તો ક્યારેક આયનો જોઇ લેજો.
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: મને ચાહે છે?
ઇવ: એ તો તારા જવાબ પર ડિપેન્ડ કરેને?