ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

સ્લોવાકિયાના વડા પ્રધાન પર ઘાતક હુમલો, અગાઉ આ રાષ્ટ્ર પ્રમુખો પર જીવલેણ હુમલા થઇ ચુક્યા છે

ગઈ કાલે સ્લોવાકિયા(Slovakia)ના વડા પ્રધાન રોબર્ટ ફિકો(Robert Fico) પર જીવલેણ હુમલો થયો હતો. કેબિનેટ બેઠક બાદ જયારે તેઓ લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે વડાપ્રધાન પર અંધાધુંધ અનેક રાઉન્ડ ફાયરિંગ(Firing) કર્યું હતું. વડા પ્રધાન રોબર્ટ ફિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નજુક છે, સારવાર ચાલી રહી છે. આ હુમલાને કારણે દેશભરમાં આઘાતની લાગણી છે.

અહેવાલો મુજબ કે સ્લોવાકિયાના વડા પ્રધાન પર જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેની જેમ જ ગોળી મારવામાં આવી હતી, જોકે રોબર્ટ ફિકોની હાલત નાજુક છે.

રોબર્ટ ફિકો ગયા વર્ષે ઓક્ટોબરમાં ચોથી વખત સ્લોવાકિયાના વડાપ્રધાન બન્યા હતા. ફિકો 22.94 ટકા મતો સાથે જીત્યા હતા. સ્લોવાકિયાના હિતોને પ્રાથમિકતા આપવા અને યુક્રેનને સૈન્ય સહાય ઘટાડવાના વચન સાથે ફિકોએ ચોથી વખત પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રોબર્ટ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નજીક માનવામાં આવે છે

અગાઉ પણ ઘણા રાષ્ટ્રના વડા પર આ પ્રકારનો હુમલો કરવામાં થયો છે. આ પહેલા ભારતથી લઈને પાકિસ્તાન અને જાપાનથી લઈને અમેરિકા સુધી આવી ઘટનાઓ બની છે. જ્યારે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હુમલાખોરના નિશાના પર રહ્યા છે.

ઇન્દિરા ગાંધી:
ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પર પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના બે બોડી ગાર્ડસ(બીઅંત અને સતવંત સિંહ)એ ગોળી મારી તેમની હત્યા કરી હતી. આ હત્યાકાંડને અંજામ આપનારા હુમલાખોરો ઓપરેશન બ્લુ સ્ટારથી નારાજ હતા.

રાજીવ ગાંધી:
ઈન્દિરા ગાંધીના આવાસન બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. તેમનું પણ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ થયું. રાજીવ ગાંધીએ તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકામાં પીસકીપીંગ ફોર્સ મોકલી હતી. શ્રીલંકાના તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) તેનાથી નારાજ હતું. જ્યારે રાજીવ ગાંધી 21 મે 1991ના રોજ ચેન્નાઈના શ્રીપેરુમ્બુદુરમાં હતા, ત્યારે LTTEએ તેમના પર આત્મઘાતી હુમલો કર્યો, જેમાં તેમણે જીવ ગુમાવ્યો.

લિયાકત અલી ખાન:
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન લિયાકત અલી ખાનની 16 ઓક્ટોબર 1951ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેઓ રાવલપિંડીના કંપની બાગમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ હતી કે હુમલાખોરે જે જગ્યાએથી ગોળી ચલાવી હતી એ જગ્યા ગુપ્તચર અધિકારીઓ માટે અનામત હતી.

બેનઝીર ભુટ્ટો:
પાકિસ્તાનની પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પણ 27 ડિસેમ્બર 2007ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાવલપિંડીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. બેનઝીર એક ચૂંટણી રેલીને સંબોધીને ઘરે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન એક હુમલાખોર તેની કારની નજીક આવ્યો અને તેને ગોળી મારી દીધી, ત્યાર બાદ હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી.

શેખ મુજીબુર રહેમાન:
બાંગ્લાદેશની સ્થાપના (26 માર્ચ 1971) બાદ દેશમાં રાજકીય પરિસ્થિતિ ઉથલપાથલથી ભરેલી રહી હતી. બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ 15 ઓગસ્ટ 1975ના રોજ શેખની તેમના પરિવાર સાથે હત્યા કરી હતી. જો કે, તેમની બંને પુત્રીઓ તે સમયે બાંગ્લાદેશની બહાર હતી અને હુમલામાં બચી ગઈ હતી. બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીના મુજીબુર રહેમાનના પુત્રી છે.

શિન્ઝો આબે:
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું 8 જુલાઈ, 2022ના રોજ થયેલા હુમલાને કારણે મૃત્યુ થયું હતું. શિન્ઝો આબે જ્યારે નારા શહેરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરે તેના પર બે ગોળીઓ ચલાવી હતી. એક ગોળી તેની છાતીમાંથી આરપાર થઈ ગઈ, જ્યારે બીજી તેની ગરદનમાં વાગી હતી.

રણસિંહે પ્રેમદાસા:
શ્રીલંકાના ત્રીજા રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસાનું 1 મે 1993ના રોજ આત્મઘાતી હુમલામાં મોત થયું હતું. પ્રેમદાસાને LTTE દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે રણસિંઘે પ્રમદાસા કોલંબોમાં રેલી કરી રહ્યા હતા ત્યારે આત્મઘાતી હુમલામાં કરવામાં આવ્યો હતો.

જ્હોન એફ કેનેડી:
યુનાઈટેડ સ્ટેટ્સના 35મા રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીની 22 નવેમ્બર, 1963ના રોજ હત્યા કરવામાં આવી હતી. કેનેડી તેની ખુલ્લી કારમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન જ હુમલાખોરે તેમને ગોળી મારી દીધી હતી. બે દિવસ પછી કેનેડી સમર્થક દ્વારા હુમલાખોરની હત્યા કરવામાં આવી હતી.

અબ્રાહમ લિંકન:
યુનાઈટેડ સ્ટેટ્સના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની દુનિયાના મહાન ચરિત્રોમાં ગણના થાય છે. તેમની 14 એપ્રિલ, 1865 ના રોજ સાંજે હત્યા કરવામાં આવી હતી. “અવર અમેરિકન કઝીન” નાટકના શોમાં હાજરી આપતી વખતે, પ્રમુખ અબ્રાહમ લિંકનને ગોળી મારી દેવામાં આવી હતી. તે રાત્રે ફોર્ડના થિયેટરમાં તેમની સાથે તેમની પત્ની મેરી ટોડ લિંકન પણ હાજર હતા. નાટક ચાલી રહ્યું હતું તે દરમિયાન ડેરીંગર પિસ્તોલ સાથેની એક શખ્સ રાષ્ટ્રપતિ બેઠા હતા એ બોક્સમાં પ્રવેશ્યો અને ગોળીબાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button