વેપાર

આરબીડી પામોલિન અને સનફ્લાવરમાં નરમાઈ, વેપાર છૂટાછવાયા

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૭ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેનાં સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૭૫ સેન્ટનો ઘટાડો આવ્યા બાદ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૧૫ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિકમાં હાજર બજારમાં સન રિફાઈન્ડ અને સન ક્રૂડમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો અને આરબીડી પામોલિનમાં રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું.

વધુમાં આજે નિરસ માગ વચ્ચે દેશી તેલમાં સિંગતેલનાં ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મથકો પાછળ સરસવના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા. જોકે, આજે હાજરમાં વેપાર નિરસ હતા, જ્યારે ડાયરેક્ટ ડિલિવરી તથા સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર ગોઠવાયાના અહેવાલ હતા. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે એકમાત્ર અલાનાના આરબીડી પામોલિનના અંદાજે ૭૦૦ ટનના વેપાર થયા હતા, જેમાં મે ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ રૂ. ૮૯૦માં અને ૧થી ૧૫ જૂન ડિલિવરી શરતે રૂ. ૮૮૫માં થયા હતા. આ સિવાય સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૮૮૫થી ૮૮૭ના મથાળે થયા હતા. જોકે, આજે મોડી સાંજે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રિલાયન્સ રિટેલના રૂ. ૯૦૦, ગોલ્ડન એગ્રીના મેંગ્લોર અને જેએનપીટીથી ડિલિવરી શરતે અનુક્રમે રૂ. ૮૯૫ અને રૂ. ૯૦૦, અલાનાના રૂ. ૮૯૦ અને રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૮૯૮, સોયા રિફાઈન્ડના રૂ. ૯૩૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૪૦ તથા લિબર્ટીના સન રિફાઈન્ડના રૂ. ૯૨૦ ક્વૉટ થઈ રહ્યા હતા. કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસની પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. ૧થી ૧૫ મે સુધીના સમયગાળામાં મલયેશિયાની પામતેલની નિકાસ આગલા એપ્રિલ મહિનાના સમાનગાળાના ૬,૩૩,૬૮૦ ટન સામે ૫.૧૯ ટકા ઘટીને ૬,૦૦,૭૭૭ ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૮૭, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૨૦, સોયા ડિગમના રૂ. ૮૭૫, સન રિફાઈન્ડના રૂ. ૯૧૫, સન ક્રૂડના રૂ. ૮૬૦, સિંગતેલના રૂ. ૧૫૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૫ અને સરસવના રૂ. ૧૦૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫થી ૯૨૫માં અને રૂ. ૧૫૦૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦માં થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button