શેર બજાર

એચડીએફસી બૅન્ક, રિલાયન્સ સહિતના હેવીવેઇટ શૅરોની વેચવાલીએ ત્રણ દિવસની આગેકૂચને મારી બ્રેક, સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિત વાતાવરણમાં એચડીએફસી બેન્ક, રિલાયન્સ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની વેચવાલીનેે કારણે બેન્ચમાર્કની ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ ૧૧૭ પોઇન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની સપાટી માંડ માંડ ટકાવી હતી.

મુંબઇ શેરબજારનો ત્રીસ શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૭.૫૮ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા ઘટીને ૭૨,૯૮૭.૦૩ પોઇન્ટના સ્તર પર સેટલ થયો છે. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૨૮૧.૯૫ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા ઘટીને ૭૨,૮૨૨.૬૬ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.

જ્યારે એનએસઇનો બૃહદ પાયો ધરાવતો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૭.૩૦ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૨૦૦.૫૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. સત્ર દરમિયાન આ ઇન્ડેક્સ ૨૨,૨૯૭.૫૫ પોઇન્ટની ઊંચી અને ૨૨,૧૫૧.૭૫ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે વચ્ચે ફંગોળાયો હતો.

સેેન્સેક્સ પેકમાંથી, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે અને ટાઇટન ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. આનાથી વિપરીત ભારતી એરટેલ, પાવર ગ્રીડ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ ગેઇર્સ શેરોની યાદીમાં હતાં.

બજારના નિષ્ણાત વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, બજારમાં દિવસભર સાઇડવે મુવમેન્ટ જોવા મળી હતી કારણ કે ઓછા મતદાનને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ચૂંટણીના પરિણામોને લગતી અટકળોથી પ્રભાવિત થયું છે. ઉપરાંત એફઆઇઆઇની વેચવાલી એકધારી ચાલું રહી છે. જો કે, સ્થાનિક રોકાણકારો મોટાભાગે સ્ટોક-સ્પેસિફિક લેવાલી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. જોવા જેવી વાત એ પણ છે કે, બ્રોડર માર્કેટમાં સ્મોલકેપ ગેજ ૦.૯૬ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૦.૬૦ ટકા વધ્યો હતો. સૂચકાંકોમાં એફએમસીજી ૦.૭૫ ટકા ઘટ્યો હતો. ઓટો (૦.૩૧ ટકા), બેન્કેક્સ (૦.૧૭ ટકા) અને નાણાકીય સેવાઓ (૦.૦૭ ટકા) પણ ઘટ્યા હતા. જોકે, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ૨.૧૩ ટકાનો વધારો થયો હતો, ત્યારબાદ યુટિલિટી (૧.૨૭ ટકા), રિયલ્ટી (૧.૧૧ ટકા), સેવાઓ (૧.૦૮ ટકા) અને એનર્જી (૦.૯૫ ટકા) ઇન્ડેક્સ જેટલો આગળ વધ્યો હતો.

એક અગ્રણી બ્રોકિંગ ફર્મના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ત્રણ દિવસના રિબાઉન્ડ પછી, બજારોએ વિરામ લીધો અને લગભગ યથાવત બંધ થયા. શરૂઆતમાં તેજી હતી, પરંતુ અમુક હેવીવેઇટ્સના દબાણે નિફ્ટીને નીચું ધકેલ્યો હતો. સત્રના અંત સુધી રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી હતી.

આગામી મહિને પોલિસી સમીક્ષામાં આરબીઆઈ વ્યાજદરને યથાવત્ રાખે તેવી અપેક્ષાઓ વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૧.૨૬ ટકાની ૧૩ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ટોચના મ્યુચ્યુઅલ ફંડના રિટેલ રિસર્ચ હેડે કહ્યું હતું કે, નિફ્ટીએ બુધવારે ત્રણ દિવસનો વિજયી સિલસિલો છીનવી લીધો, પ્રારંભિક સુારો દોવાઇ ગયો હતો અને બેન્ચમાર્ક નીચી સપાટીએ ગબડ્યા હતા. યુએસમાં ટેકનોલોજી શેરોની આગેવાની હેઠળની રેલી પછી વૈશ્ર્વિક ઇક્વિટી નવા વિક્રમ તરફ આગળ વધી હતી, વૈશ્ર્વિક હેજ ફંડોને એવી આશા છે કે બુધવારનો યુએસ કી ઇન્ફ્લેશનનો અહેવાલ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડા માટેના કેસને નબળો નહીં પાડશે.

એશિયન બજારોમાં, ટોક્ીઓ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયો હતો, જ્યારે શાંઘાઈ નીચા સ્તરે બંધ થયો હતો. દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજારો રજાઓ માટે બંધ હતા.યુરોપીયન બજારો મોટાભાગે ઊંચા સ્તરે ટ્રેડ થઇ રહ્યા હતા. વોલ સ્ટ્રીટના બજારોમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ગ્લોબલ ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકા વધીને ૮૨.૫૫ પ્રતિ ડોલર બેરલ સુધી પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. ૪,૦૬૫.૫૨ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button