બ્રેકિંગ: ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું, વીજળી પડતા 4 લોકોના મોત, 1 મહિલા ઘાયલ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની સાથે ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા. રાજ્યમાં 4 કલાકમાં જ 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી આંશીક રાહત મળી છે. જો કે કેટલાક ભાગોમાં વીજળી પડતા 4 લોકોના મોત તથા એક મહિલા ઘાયલ થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તથા મુળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા. ચોટીલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા આશાબેન મનસુખભાઈ (ઉં.વ.18 )નું તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા એક આધેડ સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર રબારી (ઉ.વ. 57 )નું મોત થયું હતું. બંનેની મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તે જ પ્રકારે પોરબંદરના ગ્રામ્ય પંથકના શીશલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા (ઉં.વ.60)નું તથા વડાળા ગામના બાલુભાઇ કારાભાઈ ઓડેદરા ( ઉ.વ.30)નું પણ ઘટનાસ્થળે મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અમરેલીના બાબરામાં એક મહિલા પર વીજળી પડતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. તે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતા.
તાજેતરમાંજ હળવદ તાલુકાના શિવપુર ગામે આવેલ રામજી મંદિરના શિવાલયના શિખર ઉપર વીજળી પડી હતી. આ વીજળી અર્થિંગના વાયર થકી જમીનમાં ઉતરી ગઈ હતી તો પણ મંદિરના અંદરના ભાગે ટાઇલ્સ તોડી નાખી હતી.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 18 મે સુધી કમોસમી વરસાદની રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં જાણે ચોમાસું જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મે મહિનામાં છૂટોછવાયો વરસાદ નહીં, પણ ઇંચમાં વરસાદ પડી રહ્યો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે.