આ તે કેવા ન્યાય અન્યાય
આરોપી તરીકે જેલવાસ ભોગવતી કોઈ વ્યક્તિ પાછળથી નિર્દોષ પુરવાર થાય તો એને વળતર મળે ખરું..? કાયદા નિષ્ણાતો શું કહે છે…
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
પ્રોફેસર સાંઈબાબા
ન્યાયની દેવી…
આ શબ્દો કાને પડતાં તમારા મનમાં ને આંખ સમક્ષ કંઈક આવી એક તસવીર કે પછી રેખાચિત્ર તાદૃશ્ય થશે :
એક સુડોળ નારી છે. એના હાથમાં એક ત્રાજવું છે,જેનાંથી એ કોણ સાચું-ખોટું એનો ન્યાય તોળે છે. બીજા હાથમાં ધારદાર તલવાર છે, જે ન્યાય કેવો શક્તિશાળી છે એ દર્શાવે છે. એ ન્યાયની નારીની આંખો પર પાટો બાંધ્યો છે, જે સમજાવે છે કે એની નજરે રાજા-રંક બધા એકસરખા છે…
જગતભરનું ન્યાયશા કહે છે કે સાત ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને ખોટી રીતે સજા ન થવી જોઈએ, પણ વાસ્તવિકતા શું છે ?
વાસ્તવિકતા અલબત્ત, વરવી છે. એનાં અનેક કારણ છે. આપણી અદાલતોમાં સતત નવા કેસોનો ભરાવો થઈ રહ્યો છે. કોવિડ લોક્ડાઉનને લીધે આપણી અદાલતોના કેસોમાં બીજો ૧૯ %નો ભરાવો થતા આજની તારીખે પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે. આમાં સુપ્રીમ કોર્ટના ૮૦ હજાર અને દેશની ૨૫ હાઈ કોર્ટ ૬૧ લાખ કેસ પણ આવી ગયા…
હવે આ વાંચો, ઉપરોક્ત પેન્ડિંગ કેસોમાં તો ૧ લાખ ૧૦ હજાર કેસ તો છેલ્લાં ૩૦ વર્ષથી પડતરમાં છે ને એમાંય ૫૬ લાખ કેસ તો છેલ્લાં ૧૦ વર્ષથી ધૂળ ખાતા પડ્યાં છે,જે પ્રાથમિક સુનાવણી થઈને આગળ વધ્યા જ નથી..!
આ આંકડાબાજી વાંચીન કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ પણ માનસિક સંતુલન ગુમાવી દે…!
લોકડાઉન વખતે સર્વોચ્ચ અદાલતમાં અગત્યના કેસોનું ઓનલાઈન હિયરિંગ શરૂ પણ થયું હતું . આમ છતાં એની પાસે આજે ૮૦ હજારથી વધુ કેસ પડતરમાં છે. એને અંકુશમાં લેવા ખુદ સર્વોચ્ચ અદાલતે જાહેર કરવું પડયું છે કે અમારા પર કેસોનું ખૂબ ભારણ ખૂબ વધી ગયું છે માટે બીજાં નવા કેસ અમે લઈ શકીએ તેમ નથી..! જો કે, આમ છતાં ‘તાકીદ’ના નામે એની સામે અમુક એવા કેસ આવતા રહે છે, જેને ‘ના’ ન પાડી શકાય…
બીજી તરફ, દેશભરનાં ન્યાયાલયોમાં ‘તારીખ પે તારીખ’ના ખેલ અવિરત ચાલ્યા જ કરે છે. થોડા સમય પહેલાં દહેરાદૂનમાં છેતરપિંડીના કિસ્સામાં ૯ વર્ષથી કેસ ચાલી રહ્યો છે એમાં ૭૮થી વધુ વાર તો કોર્ટની મુદ્ત પડી છે!
‘જસ્ટિસ ડિલેડ ઇસ જસ્ટિસ ડિનાઈડ’ – મોડો ચુકાદો મળે એ અન્યાય થવા બરાબર છે જેવી વાત આપણે ત્યાં બહુ ગંભીરતાથી લેવાતી નથી. કેટલીક વાર એવી પણ કરુણતા સર્જાય છે કે લાંબી સુનાવણી પછી ચુકાદો આવે-અપરાધીને જેલ થાય. પાછળથી કોઈક કારણસર એનો કેસ ફરી ચાલે ત્યારે ખ્યાલ આવે કે અગાઉ કશુ કાચું કપાઈ ગયું હતું એટલે એને ‘બા-ઈજ્જત રિહા કિયા જાય…’ જેવું ફરમાન કોર્ટ આપે ત્યાં સુધીમાં તો પેલો ‘કેદી’ ઉર્ફે નિર્દોષે તો કેટલાંય વર્ષ જેલમાં વીતાવી દીઘા હોય…!
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આવા અનેક કેસ બહાર આવ્યા છે.
આ વાંચો…
૩૫ વર્ષ પહેલાં બેંક સાથે રૂપિયા ૪૫ લાખની છેતરપિંડીના એક કેસમાંથી ૩ શખસને ‘પૂરતા પુરાવાને અભાવે’ મુંબઈ હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ ત્રણેય આરોપી આજે ૮૦ થી ૮૫ વર્ષની આયુના છે…
હવે આ તદ્દન તાજો કેસ વાંચો…
આ કિસ્સાની શરૂઆત આમ તો ૨૦૧૮ એટલે કે આજથી ૬ વર્ષ પહેલાં થઈ હતી. એ વખતે ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં રહેતી સુષ્મા (નામ બદલ્યું છે) નામની એક તરુણીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે એના પરિચિત એવા તુષાર (નામ બદલ્યું છે) નામના એક યુવાને એનું અપહરણ કરીને એની ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તીથી દેહસંબંધ બાંધ્યો હતો. યુવતી અને એની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પેલા તુષારની ધરપકડ કરી. પોલીસ તપાસ થઈ. કેસ ચાલ્યો ત્યારે યુવતીએ ખુદ મેજિસ્ટ્રેટ સમક્ષ કિડનેપિંગ અને રેપની જુબાની આપી હતી. યુવાન તુષારે એના પરના બધા આરોપ નકાર્યા, છતાં કેસ ચાલ્યો અને આરોપી તુષારને ચાર વર્ષ અને ૬ મહિનાને સજા થઈ.
એ પછી તુષારે ઉપરની કોર્ટમાં ‘પોતે નિર્દોષ છે’ એની અરજી કરી. ફરી શરૂ કરાવામાં આવેલા એ કેસની સુનાવણી ટુકડે ટુકડે ચાલતી રહી એ દરમિયાન તુષાર જેલમાં રહ્યો.
તાજેતરમાં કેસની હિયરિંગ વખતે ઊલટતપાસમાં પેલી ફરિયાદી યુવતી સુષ્માએ કોર્ટ સમક્ષ કબૂલી લીધું કે એણે તુષાર વિરુદ્ધ બળાત્કારની જે ફરિયાદ કરેલી એ અંગત વેરઝેરને કારણે હતી. હકીકતમાં તુષારે ન તો એનું અપહરણ કરેલું કે ન તો બળાત્કાર
કર્યો !..
યુવતીની આ કબૂલાત પછી બરેલી કોર્ટે તુષારને નિર્દોષ જાહેર કર્યો, પણ આ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં નિર્દોષ તુષારે તો ૪ વર્ષ કેદ ભોગવવી પડી એનું શું ?
અહીં બરેલી કોર્ટે એક બહુ ધ્યાનસૂચક અને નવી દિશા દેખાડતો ચુકાદો આપ્યો છે. ખોટી ફરિયાદ કરનારી યુવતી સુષ્માને કોર્ટે જે સજા તુષારે ભોગવી એવી જ ચાર વર્ષની સજા ફટકારી છે. સાથે તુષારને ૬ લાખનું વળતર ચૂકવવા પણ ફરમાન કર્યું છે.
આવો જ બીજો કેસ હમણાં સામે આવ્યો છે,જેમાં કોઈ પણ પુરાવા વગર ૧૦ વર્ષ સુધી ખોટી જેલસજા ભોગવ્યા પછી દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન.સાંઈબાબાને મુક્તિ મળી છે. રાષ્ટ્ર વિરુદ્ધ માઓવાદી તરફી આતંકવાદી પ્રવૃત્તિ કરવાના આરોપસર ૨૦૧૪ના ધરપકડ થઈ પછી પ્રોફેસરને નાગપુર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે મુકત થયેલા આ ૫૮ વર્ષી પ્રોફેસર સાંઈબાબા માનસિક – શારીરિક અને આર્થિક રીતે સાવ બેહાલ થઈ ગયા છે.
આ તાજા કેસ પછી ન્યાય ક્ષેત્રમાં ફરી એક વાર કાયદા નિષ્ણાતોની ચર્ચા શરૂ થઈ ગઈ છે : ન્યાયની આવી ક્-સૂવાવડ માટે કોણ જવાબદાર…
આરોપી પર કેસ દાખલ કરી એને કારાવાસમાં ધકેલી દેનારા કાયદાના રક્ષક કે પછી કાચબાની ગતિએ કેસ ચલાવી એને સજા ફટકારનારું ન્યાયાલય?
લાંબો કારાવાસ ભોગવ્યા પછી આસામી બહાર આવે-નિર્દોષનો શિરપાવ મળે તોય જેલાવાસ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી દેવા ઉપરાંત એ આર્થિક રીતે પણ ખુવાર થઈ ગયો હોય છે. આવા નિર્દોષ અપરાધીને કોઈ વળતર મળે ખરું?
આનો જવાબ બહુ પેચીદો છે. અનેક જાણીતા ન્યાયવિદ્ો કહે છે કે સુનાવણીમાં અતિ વિલંબ થાય પછી પ્રતિવાદી સામેના આક્ષેપો પડતા મુકાય કે પછી જો એ જેલમાં હોય અને મુક્તિ મળે તો એને ન્યાયાલયે જરૂર આર્થિક વળતર આપવું જ જોઈએ. આવા કિસ્સા માટે જરૂર છે કોઈ ચાક્કસ કાયદાની..
જો કે કેટલાક જાણીતા કાયદા નિષ્ણાતો કહે છે કે વળતરના આવા કોઈ નવા ચોક્કસ કાયદાની આપણે જરૂર નથી. આવા કિસ્સામાં કેટલીક વાર નામદાર ન્યાયમૂર્તિ કેસની ગંભીરતા જોઈને સામેથી યોગ્ય વળતર અપાવતા જ હોય છે…
બાકી એક વાત તો એ પણ યાદ રાખવા જેવી છે કે કાયદો અને ન્યાય એ બન્ને સદંતર ભિન્ન વાત ને પ્રક્રિયા છે…! (સંપૂર્ણ)