અનુપ્રશ્ર્ન
ટૂંકી વાર્તા -હરીશ થાનકી
તેણે બારીની બહાર જોયું અને સહેજ હસ્યો. બહાર એવું કશું જ નહોતું જેને જોઈને હસવું આવે. કદાચ પોતાના જ કોઈ વિચાર પર તે હસ્યો હતો. ચૈત્રી તડકાની કૂણી પડતી જતી સાંજની પીળાશ સામેના રસ્તા પર ફેલાઈ ગઈ હતી. ઉત્તર દિશામાં આવેલા બેઠા ઘાટના બંગલામાં તાડની માફક ઊંચો વધેલો આસોપાલવ સમાધિસ્થ ઋષિની માફક ઊભો હતો. પવનનું ક્યાંય નામનિશાન નહોતું.
વાતાવરણમાં હવાની સંપૂર્ણ ગેરહાજરી ગરમીને ધીરે ધીરે બફારામાં પરિવર્તિત કરી રહી હતી.
તેણે બારીની ગ્રિલ પર હાથ ફેરવ્યો. એક જરઠ સ્પર્શ અનુભવાયો. બરાબર શિલ્પાના હાથની વચલી આંગળી પર ઊગેલી કપાસીના સ્પર્શ જેવો જ જરઠ…
તેને શિલ્પા યાદ આવી ગઈ.
શિલ્પાની અઢળક યાદો હંમેશાં તેની આજુબાજુ ટોળે વળતી રહેતી. ખાસ કરીને એકાંતમાં તો યાદોનાં ધણ વછૂટતાં. તેનાથી બચવા તે ઘણા પ્રયત્નો કરતો, પરંતુ મોટે ભાગે તે પ્રયત્નો વ્યર્થ સાબિત થતા… સાવ વ્યર્થ.
ગમે ત્યારે, ગમે તેવી પરિસ્થિતિમાં શિલ્પાની યાદ તેની સમક્ષ આવીને ઊભી રહી જતી. ક્યારેક તે તોફાની વછેરાની માફક હણહણતી આવતી; તો ક્યારેક કોઈ ડાહ્યાડમરા બાળકની જેમ પલાંઠીવાળી ચૂપચાપ પાસે આવીને બેસી જતી. ક્યારેક તે
હમણાં જ સ્વજનને સ્મશાને વળાવી પાછા આવેલા ડાઘુની
આંખમાંના અશ્રુની માફક તગતગતી રહેતી, તો ક્યારેક પ્રેમના
પ્રથમ સ્પર્શે મહોરી ઊઠેલી મુગ્ધાની આંખની કીકીઓની માફક નૃત્ય કરતી.
વાતાવરણમાંથી એક તીવ્ર ગંધ આવી અને તેના નાકને સ્પર્શી ગઈ. એકદમ પાકી ગયેલા ફળની ગંધ જેવી એ ગંધ હતી. શિલ્પાની સાથે શાક માર્કેટમાં શાક ખરીદવા જતી વખતે આવી જ ગંધને તે અનુભવતો. શિલ્પા તેને રજાને દિવસે શાક ખરીદવા હંમેશાં સાથે લઈ જતી. એ વખતે તે ખિજાતો, બબડતો, પરંતુ છેલ્લે સાથે જતો ખરો.
તેને માર્કેટમાં આવતી જાતજાતની ગંધની એલર્જી હતી. તે શિલ્પાને ત્યાં ખૂબ જ નિરાંતવી બની અને શાક ખરીદતી, બકાલી સાથે ભાવની રકઝક કરતી જોતો ત્યારે તેને સમજાતું નહીં કે શિલ્પા આવી બધી બાબતોમાંથી આનંદ કઈ રીતે ઉઠાવી શકતી હશે?
તેને ીઓ ક્યારેય ન સમજાતી. તેમાંયે શિલ્પા તો સાવ અકલ્પનીય જ હતી. એટલે જ કદાચ…!
નહીં… તેણે દિમાગમાં આવી ચઢેલા એ પ્રશ્ર્નને ધક્કો મારીને કાઢી મૂક્યો.
બારીની ગ્રિલ પર ફરતી એક લાલ કીડીએ તેના હાથની ટચલી આંગળી પર ચટકો ભર્યો. ત્યાં ખંજવાળવા જતાં કીડી મસળાઈ ગઈ. કીડીનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થયું.
‘આ કીડીઓ અને વંદાઓથી તો ભઈસા’બ તોબા! હું તો થાકી ગઈ છું આનાથી…! શું કરવું આ કીડીઓનું! કંઈ સમજ પડતી નથી…! એકધારું બોલતી જતી હતી શિલ્પા તે દિવસે… પોતે છાપું વાંચતો હતો… ‘કહું છું સાંભળો છો કે નહીં?’ રસોડામાંથી શિલ્પાનો તીવ્ર સપ્તકના સ્વરમાં ઊઠેલો અવાજ રૂમમાં પણ પડઘાયો હતો.
‘તેમાં હું શું કરું? કીડી-વંદાને મારવાની કોઈક દવા લાવીને છાંટી દે.’ તેણે છાપામાંથી મોઢું બહાર કાઢ્યા વગર જ જવાબ આપી દીધો હતો.
દવા… યસ… વંદા મારવાની દવા… બધાં છાપાંમાં એ જ છપાયું હતું ને?
શિલ્પાએ દવા પીધી હતી, વંદા મારવાની દવા… પણ શું કામ…??
શિલ્પાએ દવા શું કામ પીધી? એ પ્રશ્ર્ન તેને પોલીસ કમિશનરથી માંડીને તે જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના ગુરખા સુધી સૌએ પૂછ્યો હતો.
અને તેની પાસે તે પ્રશ્ર્નનો ઉત્તર નહોતો.
એ પ્રશ્ર્ન તેણે પોતાની જાતને પણ સેંકડોવાર પૂછ્યો હતો. હવે જોકે બહારના લોકો દ્વારા એ પ્રશ્ર્ન પુછાવાનું લગભગ બંધ જ થઈ ચૂક્યું હતું.
આસપાસના લોકો, સગાં-સંબંધીઓ સૌ એ વાતને ભૂલી ગયાં હતાં. ફક્ત તે પોતે ભૂલી નહોતો શક્યો. તેના અંતરપટ પર એ પ્રશ્ર્ન ચટ્ટાન પરની લકીરની માફક કોતરાઈ ગયો હતો.
તેના અને શિલ્પાના દાંપત્યજીવનમાં એકપણ ઘટના એવી નહોતી બની કે શિલ્પાએ છેક આપઘાત કરવા સુધીનું પગલું ભરવું પડે. અન્ય સામાન્ય લોકો જેવું જ તેનું દાંપત્યજીવન હતું. હા, રોજબરોજની જિંદગીમાં ક્યારેક મતભેદો ઊભા થતા હતા, પરંતુ આટલી હદ સુધી જવું પડે તેવો એકપણ મતભેદ તે બન્ને
વચ્ચે નહોતો.
રવિવાર કે રજાના દિવસ સિવાયના દિવસોમાં તેનો પૂરો વખત નોકરીમાં જ પસાર થતો. લડવા-ઝઘડવાનો તો પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નહોતો. શિલ્પા સાથેના ત્રણ વર્ષના લગ્નજીવનમાં બન્નેએ પ્રેમની ઉષ્માનો ભરપૂર અનુભવ કર્યો હતો.
પણ તો…? શિલ્પાએ દવા શા માટે પીધી? જો શિલ્પાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેનું મૃત્યુ ઝેરી દવા પીવાથી થયું છે તેવું ન દર્શાવતો હોત તો પોતે એ વાત કલ્પી પણ ન શકત કે શિલ્પા કીડી-વંદા મારવાની દવા પીને આત્મહત્યા કરી શકે.
લગ્ન પછીની પહેલી જન્માષ્ટમી વખતે તે શિલ્પાને લઈને મેળામાં ગયો હતો ત્યારે…
‘ચાલ શિલ્પા, આપણે આ રાઈડમાં બેસીએ…’ તેણે અંદર બેઠેલા લોકોના શરીરને ઝડપથી આમથી તેમ ફંગોળતી એક ‘બ્રેકડાન્સ’ નામની રાઈડ તરફ શિલ્પાને ઈશારો કરતાં કહ્યું.
‘નહીં કમલ, મને રાઈડમાં બેસવું નહીં ફાવે.’
‘કેમ?’
‘મને તેમાં ડર લાગે છે.’
‘શેનો ડર?’
‘ડર તે વળી શેનો થોડો હોય? ડર એટલે ડર’
‘જો શિલ્પા, ડરના ઘણા પ્રકારો હોય છે, પરંતુ દરેક ડરની પાછળ મુખ્ય ડર માણસને મૃત્યુનો જ હોય છે. આપણે તો હજુ યુવાન છીએ તો પછી મૃત્યુથી શું કામ ડરીએ?’
શિલ્પાએ તેનો હાથ પકડી લીધો અને પછી સહેજ તેના પડખામાં ભરાતાં હળવેથી બોલી: ‘હા, મને મૃત્યુનો ડર લાગે છે.
મને નાનપણથી એ ભય હંમેશાં સતાવ્યા કરે છે. કમલ, ખબર નહીં કેમ પરંતુ… મને હંમેશાં એમ લાગે છે કે હું બહુ જ વહેલી મરી જઈશ.’
‘ચૂપ ખબરદાર જો હવે પછી મારી સમક્ષ એવું કશું જ બોલી છે તો. તારા વગર મારું શું થશે એ વિચાર કર્યો છે કદી? અરે, હજુ તો આપણે જીવનસમુદ્રમાં અડધે પણ પહોંચ્યા નથી ત્યાં નાવ ડુબાડવાની વાત…! છોડ એ બધું, ચાલ આઈસક્રીમ ખાઈએ.’
વાત બદલવાના મૂડમાં તેણે શિલ્પાને ઠંડાં પીણાંના સ્ટોલ તરફ દોરી.
ભૂતકાળનાં એ સ્મરણોથી તેનું માથું ભારે થવા લાગ્યું. મૃત્યુની સંભાવનાથી પણ ડરતી શિલ્પા દવા પીને આપઘાત શા માટે કરે? ફરીથી એ પ્રશ્ર્ન ઘણની માફક તેના માથા પર ઝીંકાયો. તેને લાગ્યું કે આ પ્રશ્ર્ન ક્યારેક તેનો જીવ લઈને જ જંપશે. એ પ્રશ્ર્ન હવે અર્થહીન હતો.
ફક્ત શિલ્પા જ એ પ્રશ્ર્નનો જવાબ આપી શકે તેમ હતી. અને તે…? તે હવે નહોતી…! આ પ્રશ્ર્નને અનુત્તર રાખીને તે ચિરનિદ્રામાં પોઢી ગઈ હતી. છ વર્ષ… હા, આજે પચ્ચીસ જાન્યુઆરીએ છ વર્ષ પૂરાં થતાં હતાં શિલ્પાની વિદાયને. તેણે પોતાની આંખને સ્પર્શ કર્યો, કશુંક ભીનું ભીનું લાગ્યું… તે શિલ્પાને ચાહતો હતો… આજે પણ…. પરંતુ….!!
તેણે સિગારેટનું પેકેટ ખોલ્યું અને બારીની નજીક ખુરશી ખેંચીને બેઠો. બેઠાં બેઠાં તેણે સિગારેટ સળગાવી.
ધૂમ્રસેરનાં વલયો ઊઠ્યાં, પરંતુ વિચારનાં વમળો થોડાં શાંત થતાં હોય તેવું તેને લાગ્યું. તેને મધુ યાદ આવી ગઈ. મધુ આડોશપાડોશમાં ક્યાંક ગઈ હતી. કદાચ કોઈને ઘઉં સાફ કરાવવા મદદ કરવા ગઈ હશે! શિલ્પાને ગુમાવ્યા બાદ તેણે મધુ સાથે
લગ્ન કર્યાં હતાં. મધુ સાથે લગ્ન થવાને પણ હવે બે વર્ષ પૂરાં
થયાં હતાં.
મધુ એકદમ સરળ સ્વભાવની હતી, તદ્દન ઘરરખ્ખુ ગૃહિણી. તેને બહુ બહાર જવું-આવવું પસંદ ન હતું.
બસ, બહુ બહુ તો તે સાંજે આજુબાજુના મકાનમાં રહેતી સ્ત્રીઓ પાસે બેસવા જતી. બાકી આખો દિવસ તે ઘરનાં કામકાજમાં જ વિતાવી દેતી.
લગ્નના શરૂઆતના ગાળામાં તેણે એકાદ વખત શિલ્પાના અપમૃત્યુ વિશે પૂછ્યું હતું ત્યારે કમલે અથથી ઈતિ સુધીની સઘળી વાત મધુને કહી દીધી. તેનાથી કશું જ છુપાવ્યું ન હતું, પરંતુ શિલ્પાએ કયા કારણસર દવા પીધી એ વાત ખુદ કમલ પણ જાણતો ન હોય તે બાબત મધુ માટે પણ એકદમ આશ્ર્ચર્યજનક હતી. એ પછી મધુ કમલ પાસે ક્યારેક અંતરંગ ક્ષણોમાં એ વાત ઉખેળતી ત્યારે
કમલના હાથપગ ઠંડા થઈ જતા. જોકે છેલ્લા થોડા વખતથી મધુ હવે કમલને કંઈ પૂછતી નહીં, પરંતુ કમલને હંમેશાં એવું લાગતું કે મધુની આંખના ઊંડાણમાંથી એ પ્રશ્ર્ન કેકટસ બનીને ઊગતો અને પોતે છળી જતો.
તેને ચાની તલબ લાગી. તે ચા બનાવવા ઊઠ્યો. ગૅસ પર પાણી મૂકી ચા-ખાંડ શોધવા તેણે ડબ્બા ફંફોસવા માંડ્યા: આ ીઓ ચા-ખાંડના ડબ્બા વારંવાર કેમ બદલાવતી રહેતી હશે? એમ વિચારતાં અચાનક તેના હાથમાં વંદા મારવાની દવાની શીશી આવી. એ બોટલ સામે તે એકધારો જોઈ રહ્યો.
… મધુ આ વળી ક્યારે લાવી હશે?
… મને તો તેણે આ વાત નથી કરી…!
… પણ તેમાં મને કહેવાની શી જરૂર? જરૂરિયાત ઉપસ્થિત થઈ હશે તો જ લાવી હશેને!
થોડી વાર સુધી તેણે એ બોટલને હાથમાં રાખી મૂકી. દવાની બોટલ પર લખેલો શબ્દ ‘પોઈઝન’ તેની આંખમાં તીર બનીને ખૂંચ્યો. તેણે આંખ બંધ કરી અને…
અચાનક તેના મનમાં એક વિચાર ઝડપથી આવી ગયો.
ધારો કે અત્યારે તે પોતે જ આ દવા પી જાય તો શું થાય?
છેલ્લાં છ વર્ષથી સ્વયંમાં ઘૂંટાતો રહેતો એ પ્રશ્ર્ન ‘શિલ્પાએ દવા શા માટે પીધી?’થી કાયમ માટે છુટકારો મળી જાય. પછી તો ન પોતે રહે કે ન રહે પ્રશ્ર્ન… કેવો આનંદ!!
અને તે હસ્યો… ખડખડાટ હસ્યો… એકાએક તેને જામે કે જીવતરના તમામ પ્રશ્ર્નોના ઉત્તરો મળી ગયા હોય તેમ સાવ હળવોફૂલ થઈ ગયો. તેની સમક્ષ સઘળું સ્પષ્ટ થઈ ગયું… સઘળું જ.
પોતે અત્યારે જ આ બોટલની બધી દવા પી જશે.
અને પછી…?
આવતી કાલથી સોસાયટીના ગુરખાથી માંડીને પોલીસ ખાતાના માણસો સુધીના સહુ કોઈ મધુને એક જ પ્રશ્ર્ન પૂછશે: ‘કમલે દવા શા માટે પીધી?’ અને મધુ પોતાની માફક આખી જિંદગી એ પ્રશ્ર્નનો ઉત્તર શોધવામાં…!
આ નિર્ણયથી તે સાવ નિર્ભાર બની ગયો. જન્મટીપના કેદીને મુકરર વર્ષો કરતાં વહેલો છુટકારો
મળી જાય અને જે આનંદ થાય તેવો આનંદ તેના અંતરમાં વ્યાપી ગયો.
તે દવાની બોટલ લઈ બારી પાસે આવ્યો. હળવેથી બોટલ મોઢે માંડી અને એક જ શ્ર્વાસે બધી દવા ગટગટાવી ગયો.
થોડી વાર પછી…
ગ્રિલ પર ચાલતી એક કીડી હળવેથી તેના હાથ પર ચઢી અને ચટકો ભર્યો. તેને કશું જ ન અનુભવાયું. તેને લાગ્યું કે તે એવા ચટકાઓ હવે ક્યારેય નહીં અનુભવી શકે…
ક્યારેય નહીં.
તેણે આંખ ખોલી. સામે દેખાતી હૉસ્પિટલની એ સફેદ ભીંતોનો રંગ તેની આંખમાં ઊમટ્યો. તે રંગની પશ્ર્ચાદ્ભૂમિમાં કેટલાક ધૂંધળા ચહેરાઓ દેખાયા… મધુ, ડૉક્ટર, નર્સ અને પોલીસનો યુનિફોર્મ પહેરેલી બે વ્યક્તિઓના ચહેરા…
એ ચહેરાઓનાં મુખ એકસાથે ખૂલ્યાં અને તેમાંથી એક તદ્દન નવો પ્રશ્ર્ન બહાર સર્યો.
‘તમે દવા શા માટે પીધી કમલકાન્ત? તમે… દવા… શા માટે…??’
અને એ પ્રશ્ર્નથી જાણે કે તેના દિમાગમાં બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટમાં એ રૂમ, એ હૉસ્પિટલ, એ શહેર બધું જ તબાહ થઈ ગયું.
તેણે હાથની મુઠ્ઠીને જોરથી ભીંસી અને આંખો મીંચી દીધી.
હૉસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડ્યું…