એકસ્ટ્રા અફેર

અમેરિકાની ધમકીને ભારતે તાબે ના જ થવું જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતને ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલન માટે ૧૦ વર્ષનો કરાર કર્યો એ સાથે જ અમેરિકા બગડ્યું છે. ભારત સરકારના ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારત ચાબહાર બંદરના શાહિદ બેહેશ્તી ટર્મિનલને ૧૦ વર્ષ માટે ઓપરેટ કરશે. આ કરાર હેઠળ ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) ચાબહાર પોર્ટમાં ૧૨ કરોડ ડૉલરનું રોકાણ કરશે.

આ વાતથી અમેરિકાને બરાબરનાં મરચાં લાગ્યાં છે અને અમેરિકાએ ઈરાન સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા બદલ ભારત પર નિયંત્રણો લાદવાની ધમકી આપી દીધી છે. સામે ભારતે પણ આ ધમકીને નહીં ગણકારવાનો સ્પષ્ટ સંકેત આપી જ દીધો છે. અમેરિકાએ જે તોડવું હોય એ તોડી લે, અમે ઈરાન સાથેના સંબંધોમાં આગળ વધીશું જ એવું ભારતે અમેરિકાને સાફ શબ્દોમાં કહી દીધું છે. આ સંજોગોમાં હવે શું કરવું એ અમેરિકાએ નક્કી કરવાનું છે.

ભારતનું વલણ યોગ્ય છે કેમ કે અમેરિકા પોતાનાં હિતો સાચવવા માટે લુખ્ખી દાદાગીરી કરી રહ્યું છે. ઈરાન પરમાણુ શો વિકસાવી રહ્યું છે એ બહાને અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાદી દીધા છે અને બધા આર્થિક વ્યવહારો બંધ કરી દીધા છે. અમેરિકા બીજા દેશો પણ એ રીતે વર્તે એવું ઈચ્છે છે પણ એ શક્ય નથી કેમ કે અમેરિકાની જેમ બીજા દેશોને પણ પોતાનાં હિતો સાચવવાનો અધિકાર છે જ.

ભારત માટે ઈરાન મહત્ત્વનું છે અને ચાબહાર પોર્ટમાં ભારતનો પગ રહે એ પણ જરૂરી છે કેમ કે ચાબહાર પોર્ટથી ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે સરળ દરિયાઈ માર્ગ મળી જાય છે. અત્યાર સુધી આ દેશો સાથેનો વેપાર વાયા પાકિસ્તાન થઈને કરાતો હતો પણ ચાબહાર બંદરના કારણે ઈરાન સાથે સંબધો મજબૂત થાય તો ભારતને પાકિસ્તાનની જરૂર ના રહે. ચાબહાર પોર્ટના કારણે ભારત ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકે છે.

ચાબહાર પોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ (INSTC) કોરિડોરને જોડે છે. રશિયાથી શરૂ થઈને અઝરબૈજાન થઈને ઈરાન સાથે જોડાતો આ કોરિડોર ભારત માટે આશિર્વાદરૂપ છે કેમ કે ભારત ૩૦ દિવસમાં તેનો સામાન યુરોપમાં પહોંચાડી શકશે. બીજું એ કે, ચાબહાર પોર્ટ અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ વચ્ચે લગભગ ૧૭૦ કિલોમીટર અંતર હોવાથી ભારત ચાબહારમાં હોય તો પાકિસ્તાન પર સીધી નજર પણ રાખી શકશે. અત્યારે ગ્વાદર પોર્ટમાં ચીન ઘૂસેલું છે તેથી બંને પર ભારત નજર રાખી શકશે.

આ રીતે ચાબહાર પોર્ટ સાથે ભારતનાં વ્યાપક હિતો જોડાયેલાં છે ને અમેરિકાના કારણે ભારત તેમની અવગણના ના કરી શકે. આ પહેલાં અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધોના નામે તેની પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરાવીને આપણને મોટો ફટકો માર્યો જ છે. ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર હતો અને ભારત ઈરાન પાસેથી દરરોજ ૪.૨૫ લાખ બેરલ ક્રૂડ ઓઈલ લેતું હતું.
ભારત તેની ક્રૂડ જરૂરિયાતના ૨૫ ટકા ક્રૂડ ઈરાન પાસેથી ખરીદતું અને વરસે ૧૨૦૦ કરોડ ડૉલરનો ક્રૂડ ઓઈલનો કારોબાર હતો. ઈરાન આપણને સસ્તું પેટ્રોલ આપતું ને ઉધાર આપતું. ડૉલરના બદલે ભારતીય ચલણ પણ એ સ્વીકારતું. આ સિવાય બીજી ચીજો પણ ભારત પાસેથી લેતું તેથી આપણી નિકાસ વધતી. અમેરિકાએ એ બંધ કરાવીને આપણને નુકસાન કર્યું જ છે ને હવે વધારે નુકસાન સહન ના કરી શકાય.

ભારત-ઈરાન કરારને પગલે મોદીનાં ગુણગાન ગાવાનો કાર્યક્રમ પાછો શરૂ થઈ ગયો છે. આ કરાર દ્વારા મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાછો ભારતનો વટ હોવાનું સાબિત કર્યું છે એવી વાતો શરૂ થઈ ગઈ છે. આ વાતો હાસ્યાસ્પદ છે કેમ કે ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ વિકસાવવા માટે કામ કરવાનો નિર્ણય બહુ પહેલાં લેવાઈ ગયેલો અને અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે ૨૦૦૩માં આ દિશામાં કામ પણ શરૂ થઈગયું હતું.

ઈરાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામી ૨૦૦૩માં ભારત આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી અને સાથે મળીને કામ કરવા સૈદ્ધાંતિક સહમતિ સધાઈ હતી. ભારત બંદર વિકસાવવામાં મદદ આપવા સંમત થયું હતું. એ પછી ૨૦૧૩માં ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે ભારતે ચાબહારના વિકાસ માટે ૧૦ કરોડ ડૉલરના રોકાણનું વચન આપ્યું હતું.

ભારત-ઈરાન વચ્ચે એ રીતે ચાબહાર પોર્ટના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનો તખ્તો બહુ પહેલાં જ ઘડાઈ ગયેલો. ૨૦૧૬માં નરેન્દ્ર મોદી ઈરાન ગયા અને ચાબહારની મુલાકાત લીધી ત્યારે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરના વિકાસ માટેના કરાર પર સહીસિક્કા થયા હતા. ચાબહાર આ કોરિડોરમાં કેન્દ્રસ્થાને છે તેથી ચાબહાર બંદરને વિકસાવવાના કરાર પણ ભારત અને ઈરાન વચ્ચે થયેલા. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ૨૦૧૮માં ભારત આવ્યા હતા, ત્યારે ભારત અને ઈરાને ચાબહાર બંદરમાં ભારતની ભૂમિકા વધારવાની ચર્ચા કરી હતી પણ અત્યારે જે કરાર થયા છે તેમાં ભારતની ભૂમિકા મર્યાદિત છે.

ચાબહાર પોર્ટ પર શાહિદ બહેશ્તી અને શાહિદ કલાન્તારી એમ બે ટર્મિનલ છે. આ પૈકી ભારતને એક જ ટર્મિનલ ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. મતલબ કે, આપણે માત્ર કોન્ટ્રાક્ટર છીએ. બીજું બધું તો ઈરાન પોતે જ કરશે. ચાબહાર બંદરના કારણે બીજા જે પણ ફાયદા થવાના છે એ તો આપણને કોન્ટ્રાક્ટ ના મળ્યો હોત તો પણ મળવાના જ હતા કેમ કે ઈરાને આ બંદર કમાણી કરવા જ વિકસાવ્યું છે.

મીડિયાનો એક વર્ગ મોદીની વાહવાહી કરવા પાકિસ્તાન-ચીનને ભારતે જોરદાર પછડાટ આપી એવી વાતો કરે છે એવું કશું પણ આ કરારમાં નથી. પોર્ટનુ ટર્મિનલ ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ મળવાથી આપણે ચાબહાર પોર્ટમાં ભાગીદાર નથી બનતા, બાકી પહેલાં જે વાત હતી એ આપણી ભાગીદારીની હતી અને ઈરાને એ ભાગીદારી પહેલાં જ ચીન સાથે કરી લીધી છે.

ચીન અને ઈરાન વચ્ચે ૨૦૨૦માં થયેલા કરાર પ્રમાણે, ચીન ઈરાનમાં ૪૦૦ કરોડ ડૉલરનું રોકાણ કરવાનું છે ને તેમાં ચાબહાર બંદર પણ છે. આ કરાર કરીને ઈરાને ચાબહાર પ્રોજેક્ટમાંથી આપણને પહેલાં જ કોરાણે મૂકી દીધા છે. હવે એ ટર્મિનલ ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ આપણને આપે છે કેમ કે તેની પાસે એવી ક્ષમતા નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત