ઉત્સવ

એન્ટિફ્રેજાઈલ: મુસીબતમાં મજબૂત થવાની કળા

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

લેબાનીઝ-અમેરિકન પ્રોફેસર, વિચારક અને બિઝનેસમેન નસિમ નિકોલસ તાલેબનું ‘એન્ટિફ્રેજાઈલ’ નામનું એક પુસ્તક છે. આ શબ્દ સરસ છે અને તાલેબે તેને બનાવ્યો છે. આમ તો એ મજબૂતાઈના અર્થમાં છે (ફ્રેજાઈલ એટલે નાજુક અને એન્ટિ એટલે વિરોધી- જે મજબૂત છે તે), પરંતુ તાલેબ એક એવી અવસ્થાની વાત કરવા માગતા હતા, જેમાં ચીજ નાજુકને ‘બદલે’ મજબૂત ન હોય, પરંતુ નાજૂક હોય ‘એટલે’ જ મજબૂત હોય. વિજ્ઞાન અને ગણિતની દુનિયાનાં ઉદાહરણો પરથી તાલેબે એક નવી સમજ આપી હતી કે અમુક બાબતો જેટલી વધુ પ્રેસરમાં આવે, એટલી તે વધુ મજબૂત થાય, નાજુક ન થાય.

દાખલા તરીકે, આપણું શરીર. આપણે સ્નાયુને જેટલા વધુ ખેંચીએ, એટલા તે વધુ મજબૂત થાય. શરીરની વર્તમાનમાં જે ક્ષમતા હોય, તેને જો ચેલેન્જ કરવામાં આવે, તો શરીર એ સ્ટ્રેસમાં તૂટી ન જાય, પરંતુ એ સ્ટ્રેસને સહન કરવાની નવી ક્ષમતા કેળવી લે. તેને એન્ટિફ્રેજાઈલ કહે છે. સ્નાયુઓમાં જો એન્ટિફ્રેજાઈલ ક્ષમતા ન હોય, તો બોડી બિલ્ડિંગ અશક્ય છે.

નાજુક એટલે જે આઘાતથી આસાનીથી ક્ષતિગ્રસ્ત થાય છે તે. તેનું વિરોધી મજબૂત થાય છે, જે આઘાતમાં પણ ટકી રહે છે, પણ એ માત્ર ટકી રહે છે, વધારે મજબૂત નથી થતું, જે સમય જતાં, આઘાત વધતાં અંતત: તૂટી જશે. એન્ટિફ્રેજાઈલ એટલે જેની મજબૂતાઈમાં ઉત્તરોતર વધારો થાય છે તે.

એક્ટર શાહરૂખ ખાન એન્ટિફ્રેજાઈલનું ઉદાહરણ છે. તેની બે તાજી ફિલ્મો, પઠાણ અને જવાન, ચારેક વર્ષના વિલંબ અને અનેક વિવાદો વચ્ચે આવી છે. તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ આ વર્ષના અંતે આવી રહી છે. પઠાણ અને જવાન એક રાષ્ટ્રવાદી નાયકની ફિલ્મ હતી, તો રાજકુમાર હિરાણીની ‘ડંકી’ બહેતર ભવિષ્ય માટે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ગેરકાયદે ઘૂસી જવાની ભારતીયોની માનસિકતા પર છે.

ત્રણે ફિલ્મોની વિષયવસ્તુની પસંદગી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શાહરુખ ખાને તેની રોમેન્ટિક ‘રાહુલ’ની ઈમેજમાંથી બહાર નીકળીને એક એવા રાષ્ટ્રીય હીરોની ભૂમિકા કરવાનું નક્કી કર્યું છે, જે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર બયાનબાજી કરે છે. અસલ જીવનમાં શાહરુખ તેનો રાજકીય મત વ્યક્ત કરી શકે તેમ નથી, એટલે તેણે ફિલ્મોની કાલ્પનિક કથાઓ મારફતે બોલવાનો ‘સલામત’ રસ્તો અપનાવ્યો છે.

આ એ મુદ્દાઓ છે, જે ભારતના સામાન્ય લોકોને તો સ્પર્શે જ છે, શાહરૂખ ખાન પોતે પણ છેલ્લા પાંચ-સાત વર્ષથી તેની મુસ્લિમ આઇડેન્ટિટીના કારણે
તેનો ભોગ બનતો રહ્યો છે. બોલિવૂડના કલાકારો એક યા બીજી રીતે દેશના રાજકીય વાતાવરણથી પ્રભાવિત થતા રહ્યા છે અને તેમણે પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી પણ છે અથવા ચુપ રહેવાનું પસંદ કર્યું છે.

જેમ કે એક્ટર દેવ આનંદે કટોકટી પછી ઇન્દિરા ગાંધી સામે લડવા માટે બોલિવૂડના લોકોની એક સ્વતંત્ર રાજકીય પાર્ટી, નેશનલ પાર્ટી ઓફ ઇન્ડિયાની રચના કરી હતી. કટોકટીમાં જ સંજય ગાંધીના એક કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડવા બદલ ગાયક કિશોર કુમાર પર ઓલ ઇન્ડિયા રેડીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
દિલીપ કુમારને પાકિસ્તાન સરકારે તેનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું તો શિવસેનાએ તે સન્માન પાછું આપી દેવા માટે દિલીપ કુમાર પર દબાણ કર્યું હતું. રાજીવ ગાંધી સાથે દોસ્તી હોવાના કારણે અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં એવા નિશાન બનાવામાં આવ્યા હતા કે અંતે તેમણે રાજકારણ જ છોડી દેવાની ફરજ પડી હતી. એમાં તેમને અને મીડિયા વચ્ચે ૧૫ વર્ષ સુધી અબોલા રહ્યા હતા.
તે વખતે જો કે આજની જેમ સોશિયલ મીડિયા નહોતું અને ફિલ્મોનો આટલો મોટો કારોબાર પણ નહોતો, એટલે સાધારણ લોકો આવી બધી બાબતોથી અજ્ઞાન રહેતા હતા. તેના પ્રમાણમાં આજે સમાજમાં એટલું ધ્રુવીકરણ છે કે કલાકારો તેમની કારકિર્દી અને ફિલ્મોનો બિઝનેસ બચાવવા માટે વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે.

શાહરૂખ ખાન એ બાબતમાં જાગૃત અને બોલકો છે. એ ભલે પ્રત્યક્ષ બયાનો કરતો ન હોય, પરંતુ તેના વ્યવહાર અને ફિલ્મોની પસંદગી મારફતે તેના વિચારો વ્યક્ત કરતો રહ્યો છે. જેમ કે ન્યૂયોર્ક ટાવર્સ પર આતંકી હુમલો થયો અને અમેરિકામાં સુરક્ષા એજન્સીઓએ મુસ્લિમ ઈમિગ્રાન્ટ પર સખ્તાઈ શરૂ કરી હતી, ત્યારે ખાને ‘માય નેઈમ ઈઝ ખાન’ નામની ફિલ્મ મારફતે નોંધપાત્ર બયાન કર્યું હતું.

પઠાણ અને જવાન બંને ફિલ્મમાં ખાને તેનો રાષ્ટ્રવાદનો ઝંડો ફરકાવીને તેના ટીકાકારોને ચુપ કરી દીધા છે, જે પાંચ-સાત વર્ષથી તેને દેશ-વિરોધી લેબલ ચોંટાડતા રહ્યા છે. ‘જવાન’ ફિલ્મમાં તો તેનો એક સંવાદ પણ છે કે મેરા બાપ રાષ્ટ્રદ્રોહી નહીં થા, રાષ્ટ્રભક્ત થા. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ખાને તેમાં એક સંવાદને પ્રમોટ કર્યો હતો, ‘બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર.’ બહુ બધા લોકોને તેમાં ખાનના પુત્ર આર્યનના કેસનો સંદર્ભ દેખાયો હતો, જેમાં મુંબઈના નાર્કોટિક્સના વડા સમીર વાનખેડેએ તેને એક જુઠા કેસમાં ફસાવી દીધો હતો.

એ સિવાય પણ ફિલ્મમાં બૅન્કનાં કૌભાંડ, ખેડૂતોની આત્મહત્યા, ચૂંટણીઓ ઘાલમેલ, નેતાઓનાં ઠાલાં વચનો, ગરીબ-અમીરના ભેદભાવ જેવા દેશના પ્રાસંગિક મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા છે. ખાને દેશના અસલી મુદ્દાઓને ફિલ્મમાં પેશ કરીએ તેની સામેના વિરોધને નપુંસક બનાવી દીધો છે એ તેની સૌથી મોટી ઉપલબ્ધી છે.

આ એક નવો શાહરૂખ ખાન છે, અને આપણે પણ એમાંથી શીખવા જેવું છે. માણસે નિયમિતપણે, અંગત અને વ્યવસાયિક જીવનમાં, પોતાની જાતને નવેસરથી આકાર આપતા રહેવું જોઈએ. જે લોકો લાંબા સમય સુધી એકધાર્યું એકનું એક કામ કરીને તેમાં બોર થઇ જાય છે, એ લોકોનું પતન ઝડપથી થાય છે. શોહરત અને સમૃદ્ધિ આવી જાય પછી પણ ૫૭ વર્ષે પોતાના કામમાં એટલી જ ઊર્જા અને ઉત્સાહ સાથે સક્રિય અને અને સફળ રહેવું એટલું સહેલું નથી હોતું. “હવે બહુ થયું એવો ભાવ આવી જવો સહજ છે. ઘણાના જીવનમાં આવી જાય છે.

તેવા સંજોગોમાં, જાતને નવેસરથી ઘડવી એ અત્યંત કુનેહ માગી લે છે. તેના માટે અંગ્રેજીમાં એક શબ્દ છે, રીઈન્વેન્શન. અંગત કે વ્યવસાયિક આઇડેન્ટિટી, લક્ષ્ય અથવા જીવનશૈલીના સંદર્ભમાં જીવનમાં નોંધપાત્ર બદલાવ લાવવો તેનું નામ રીઈન્વેન્શન. તેમાં નવી પરિસ્થિતિઓ, પડકારો, આકાંક્ષાઓના જવાબમાં ખુદને બદલાવ અને સુધાર માટે હેતુપૂર્વકના સક્રિય પ્રયાસો હોય છે. તેમાં નવું કૌશલ્ય શીખવાનો, વિભિન્ન રુચિઓ કેળવવાનો, નવી આદતો પાડવાનો અને જીવન તેમ જ કામને લઈને ખુદનાં મૂલ્યો તેમજ વિશ્ર્વાસને ફરીથી પરિભાષિત કરવાનો સમાવેશ થાય છે.

રીઈન્વેન્શનમાં ખુદને એક નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનું અને અધિક સંતોષકારક તેમજ સાર્થક જીવન સર્જવાનું હોય છે. માણસે જીવનમાં વખતોવખત પોતે જેવું જીવે છે અને કરે છે તેને રિજેક્ટ કરતા રહીને પોતાના માટે કંઇક નવું કરતાં રહેવું જોઈએ. જીવન જીવવાનું નથી હોતું, એ તો પ્રાણીઓ પણ કરે છે, જીવન સર્જવાનું હોય છે. શાહરૂખ ખાન તેના જીવનની બીજી પારીનું સર્જન કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button