નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia)ના માતા માધવી રાજે સિંધિયા(Madhavi Raje Scindia)નું આજે બુધવાર સવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અવસાન થયું. અહેવાલ મુજબ તેમણે સવારે 9.28 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ‘વેન્ટિલેટર’ પર હતા. છેલ્લા ત્રણ મહિનાથી તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેઓ ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે માધવી રાજેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું, “ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાજીના આદરણીય માતા શ્રીમતી માધવી રાજે સિંધિયાના નિધનના આઘાતજનક સમાચાર મળ્યા. માતા જીવનનો આધાર હોય છે, તેમના જવાથી જીવનમાં ન પુરાઈ એવી ખોટ સર્જાય છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે તેઓ માધવી જીના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
માધવી રાજેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. ગુરુવારે ગ્વાલિયરમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની પત્ની અને પુત્ર સાથે છેલ્લા બે મહિનાથી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે મધ્ય પ્રદેશના ગુના-અશોકનગર અને શિવપુરીમાં હતા. આ દરમિયાન તેમની માતા માધવી રાજે સિંધિયાના સ્વાસ્થ્ય કથળ્યું હતું. ત્રીજા તબક્કાના મતદાન પહેલા તેમણે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન માધવી રાજે સિંધિયાની તબિયત ગત મહીને નાજુક તબક્કામાં પહોંચી ગઈ હતી. ગુના સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે તેમની પત્ની પ્રિયદર્શિની રાજે અને પુત્ર મહાઆર્યમન સિંધિયાએ ચૂંટણી પ્રચાર અધવચ્ચે છોડીને દિલ્હી જવું પડ્યું હતું.
માધવી રાજે સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય રહેતા હતા. માધવી રાજે 24 ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન હતા, જે શિક્ષણ અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. તે સિંધિયાસ ગર્લ્સ સ્કૂલના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પણ હતા.
માધવી રાજે સિંધિયા રાજવી પરિવારમાંથી હતા. તેમના પિયરનો પણ પણ ગૌરવવંતો ઈતિહાસ છે. માધવી રાજે સિંધિયાના દાદા જુડ શમશેર જંગ બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. એક સમયે તેઓ રાણા વંશના વડા પણ હતા. માધવી રાજે સિંધિયા નેપાળમાં રાજકુમારી કિરણ રાજ્ય લક્ષ્મી દેવી તરીકે પણ ઓળખાય છે. વર્ષ 1966માં નેપાળના રાજવી પરિવારની રાજકુમારી માધવીના લગ્ન ગ્વાલિયરના રાજવંશ માધવરાવ સિંધિયા સાથે થયા હતા. 30 સપ્ટેમ્બર, 2001ના રોજ કોંગ્રેસના તત્કાલિન નેતા માધવરાવ સિંધિયાનું મૈનપુરી (યુપી) પાસે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.