IPL 2024સ્પોર્ટસ

દિલ્હી જીતીને અને લખનઊ હારીને પણ અધ્ધરતાલ: અન્ય ટીમોના પરિણામો નિર્ણાયક બનશે

નવી દિલ્હી: મંગળવારે દિલ્હી (20 ઓવરમાં 208/4)એ લખનઊ (20 ઓવરમાં 189/9)ને 19 રનથી હરાવ્યું હતું. દિલ્હીની સીઝનમાં આ સાતમી જીત હતી. આ પરિણામ સાથે રાજસ્થાનને સત્તાવાર રીતે પ્લે-ઑફના ટૉપ-ફોરમાં એન્ટ્રી કરવા મળી હતી. જોકે દિલ્હી જીતવા છતાં હજી પ્લે-ઑફ માટે ફિક્સ નથી અને લખનઊ પણ હજી આઉટ નથી, પરંતુ બન્ને ટીમે હવે અન્ય ટીમોના પરિણામો પર જ આધાર રાખવો પડશે.

મંગળવારે 209 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં લખનઊએ ખરાબ શરૂઆત કરી હતી. 44 રનમાં એણે ચાર વિકેટ ગુમાવી હતી. ફરી ફ્લૉપ ગયેલા કવિન્ટન ડિકૉક (12), કેપ્ટન કેએલ રાહુલ (5), માર્કસ સ્ટોઈનિસ (5) અને દીપક હૂડા (0) સહિતના ટૉપ ઑર્ડરની ચારમાંથી ત્રણ વિકેટ ઈશાન્ત શર્માએ અને એક અક્ષર પટેલે લીધી હતી. નિકોલસ પૂરન (61 રન, 27 બૉલ, ચાર સિક્સર, છ ફોર) અને ગોપાલગંજના ઓલરાઉન્ડર અર્શદ ખાન (58 અણનમ, 33 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) આટલી સારી ઇનિંગ્સ ન રમ્યા હોત તો લખનઊ ખૂબ મોટા માર્જિનથી હાર્યું હોત.

દિલ્હીના આઠ બોલરના જોરદાર આક્ર્મણને કારણે લખનઊ માટે વિજયની નજીક પહોંચવાની સંભાવના ક્યારેય નહોતી જાગી. ઈશાન્તને ત્રણ વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. અક્ષર તેમ જ ખલીલ અહમદ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને ટ્રિસ્ટેન સ્ટબ્સે એક-એક વિકેટ લીધી હતી.

કાશ્મીરથી આવેલા દિલ્હીના પેસ બોલર રસિખ સલામને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે લખનઊને 20મી ઓવરમાં બાવીસ રન નહોતા બનાવવા દીધા. રસિખની એ ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા હતા અને દિલ્હીનો 19 રનથી વિજય થયો હતો. મુકેશ કુમારની 19મી ઓવરમાં ફક્ત છ રન બન્યા હતા અને એક વિકેટ પણ પડી હતી.

એ પહેલાં, દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો હતો. લખનઊએ બૅટિંગ આપ્યા પછી દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટે 208 રન બનાવ્યા હતા. એમાં ઓપનર અભિષેક પોરેલ (33 બૉલમાં ચાર સિક્સર, પાંચ ફોર સાથે 58 રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (પચીસ બૉલમાં ચાર સિક્સર, ત્રણ ફોર સાથે અણનમ 57)ના મુખ્ય યોગદાન હતા. સૌથી ખતરારૂપ બૅટર જેક ફ્રેઝર-મૅકગર્ક અર્શદ ખાનના બૉલમાં ઝીરો પર જ આઉટ થયો હતો, પણ શાઇ હોપે 38 રન અને કૅપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. પંત એક મૅચના સસ્પેન્શન બાદ પાછો રમવા આવ્યો હતો.
પાછલી મૅચમાં સુકાન સંભાળનાર અક્ષર પટેલ 14 બૉલે અણનમ રહ્યો હતો.

પોરેલ-હોપ વચ્ચે 92 રનની, હોપ-પંત વચ્ચે 47 રનની અને સ્ટબ્સ-અક્ષર વચ્ચે અણનમ 50 રનની ભાગીદારી થઈ હતી.
લખનઊના સાત બોલરમાં નવીન-ઉલ-હકને સૌથી વધુ બે વિકેટ મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button