કોલિહાન: રાજસ્થાનના નીમકાથાના જિલ્લા(Neem Ka Thana)ના કોલિહાન (Kolihan)માં આવેલી હિન્દુસ્તાન કોપર લિમિટેડ(HCL)ની ખાણમાં મંગળવારે રાત્રે લિફ્ટ તૂટી જતાં તમામ 15 લોકો ફસાયા હતા, રાતભર ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ 14ને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં 1 અધિકારીના મોત થયું છે. બહાર કાઢવામાં આવેલા તમામ લોકોને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે.
ઝુંઝુનુ સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના જણાવ્યા મુજબ કે કેટલાકના હાથમાં અને કેટલાકના પગમાં ફ્રેક્ચર થયું છે, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. અહેવાલ મુજબ સીડીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. લિફ્ટ તૂટવાને કારણે 15 લોકો 1800 ફૂટથી વધુ ઉંડાઈએ ફસાયા હતા. મંગળવારે મોડી રાત્રે SDRFની ટીમ કોલિહાન ખાણ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. ખાણમાંથી 14 લોકોને બચાવી લીધા બાદ 3ને ડૉક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં જયપુર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં 1 અધિકારીનું મોત નીપજ્યું છે.
લિફ્ટને બાંધી રાખતું દોરડું તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. KCC યુનિટ (ખેત્રી કોપર કોમ્પ્લેક્સ યુનિટ)ના ચીફ જીડી ગુપ્તા, દિલ્હીથી આવેલા ચીફ વિજિલન્સ ઓફિસર ઉપેન્દ્ર પાંડે, કોલિહાન ખાણના ડેપ્યુટી જનરલ મેનેજર એકે શર્મા પણ ખાણમાં ફસાયા હતા. ખાણમાં ફસાયેલા અન્ય લોકોમાં પત્રકાર વિકાસ પારીક, વિનોદ સિંહ શેખાવત, એકે બૈરા, અર્ણવ ભંડારી, યશોરાજ મીના, વનેન્દ્ર ભંડારી, નિરંજન સાહુ, કરણ સિંહ ગેહલોત, પ્રીતમ સિંહ, હરસીરામ અને ભગીરથનો સમાવેશ થતો હતો છે.
જ્યારે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિજિલન્સ ટીમ ખાણની અંદર નિરીક્ષણ માટે ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ખાણની અંદર અધિકારીઓને લઈ જવા માટે વપરાતી વર્ટિકલ લિફ્ટ ચેઈન તૂટતાં 1875 ફૂટ અંદર ફસાઈ ગઈ હતી.