શેર બજાર

આગેકૂચની હેટટ્રિક: ઓટો અને મેટલ શૅરોની લેવાલીના ટેકાએ સેન્સેક્સમાં ત્રણસોનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિટેલ ઇર્ન્ફ્લેેશનના આવકારદાયક આંકડા સાથે મેટલ અને ઓટો શેરોમાં લેવાલી નીકળતા મંગળવારે સતત ત્રીજા સત્રમાં શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી. સેન્સેક્સે ૩૨૮ પોઇન્ટ આગળ વધ્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની ઉપર બંધ આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ઓઠા મતદાનને કારણે તેમ જ ચીનના અર્થતંત્રને કળ વળતા એફઆઇઆઇની વેચવાલી એકધારી ચાલી રહી છે, જોકે, અમિત શાહે ઇલેકશન પછી બજારમાં તેજી આવશે, એ પ્રકારનું વિધાન કર્યું હોવાથી તેની પણ બજારના માનસ પર સહેજ પોઝિટીવ અસર થઇ હોવાની ચર્ચા હતી.

એ જ સાથે એપ્રિલમાં છૂટક ફુગાવો ૪.૮૩ ટકાના ૧૧ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો અને બજાર મૂલ્યાંકન દ્વારા દેશની સૌથી મૂલ્યવાન અને ઇન્ડેક્સ હેવીવેઇટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં લેવાલીને કારણે પણ બજારના માનસમાં સુધારો આવ્યો હતો. બીએસઇનો ત્રીસ શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૨૮.૪૮ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા વધીને ૭૩,૧૦૪.૬૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન તે ૫૧૦.૧૩ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા વધીને ૭૩,૨૮૬.૨૬ પોઇન્ટના સ્તર સુધી પહોંચ્યો હતો. બજારનો અડંર ટોન મક્ક્મ હતો, ૩૦માંથી ૨૦ શેરમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧૩.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકા વધીને ૨૨,૨૧૭.૮૫ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો, તેના પચાસ શેરમાંથી ૩૬ શેરમાં સુધારો અને ૧૪ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ બાસ્કેટમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મારુતિ ટોપ ગેઇનર્સની યાદીમાં હતા. નેસ્લે, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફાઇનાન્સ, આઇટીસી અને એશિયન પેઇન્ટ્સ ટોપ લુઝર્સમાં સામેલ હતા.

ભારતી એરટેલનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ચોથા ક્વાર્ટરમાં ૩૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૦૭૨ કરોડના સ્તરે રહ્યો હતો. કંપનીએ સમાનગાળામાં ગયા વર્ષે રૂ. ૩૦૦૫.૬૦ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. ૩૬,૦૦૯ કરોડ સામે ૪.૪ ટકા વધીને રૂ. ૩૭,૫૯૯.૧૦ કરોડ નોંધાઇ છે.

મેટલ પ્રોડ્યુસર્સ અને એક્સપોર્ટર માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના નાણાકીય વર્ષ ૨૦૨૪ના ઓડિટેડ નાણાકીય પરિણામમાં રૂ. ૭૪૫.૮૦ કરોડની કુલ આવક નોંધાવી છે, જે ૧૩.૫૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ઉપરોક્ત ગાળામાં ૧૩૩.૦૮ ટકાના વધારા સાથે રૂ. ૧૧.૭૩ કરોડનો ચોખ્ખો નફો, ૪૯.૯૧ ટકાના વધારા સાથે રૂ. ૫૬.૯૧ કરોડનું એબિટા, ૭.૬૩ ટકાનું એબિટા માર્જિન, ૧.૫૭ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. સિપ્લા લિમિટેડે રૂ. ૧૩૦ કરોડમાં આઇવીઆ બ્યુટીનો પર્સનલ કેર, ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ બિઝનેસ હસ્તગત કરવાના કરાર કર્યા હોવાનું કંપનીએ રેગ્યુલેટરી નોંધમાં જણાવ્યું છે. કોઇ નવા પ્રોજેક્ટ લોન્ચ ના થયા હોવાથી ડીએલએફનનુું સેલ્સ બુકિંગ પાછલા નાણાકીય વર્ષમાં બે ટકા ઘટીને રૂ. ૧૪૭૭૮ કરોડના સ્તરે રહ્યું હતું.

ઇકો-લક્ઝરી હોસ્પિટાલિટી માર્કેટમાં તેની હાજરી વધારવા માટે પ્રવેગ લિમિટેડે, રાજસ્થાનના જવાઈમાં કેવ રિસોર્ટના વિકાસ માટે નવી જમીન ૩૦ વર્ષની લીઝ પર મેળવી છે. સેટ અપની સુવિધા માટે કંપનીને ૧૨ મહિનાનો ભાડામુક્ત સમયગાળો આપવામાં આવ્યો છે. આ રિસોર્ટમાં ૧૨ લક્ઝરી કેવ ટાઇપ રૂમ અને આઠ ટેન્ટ સહિત કુલ ૨૦ યુનિટ હશે. કંપની હાલમાં ૧૨ પ્રોપર્ટીઝ ધરાવે છે અને ૧૪ વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે.

સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૭૬ ટકા, લાર્સન ૨.૫૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૪૮ ટકા, એનટીપીસી ૧.૪૧ ટકા અને સન ફાર્મા ૧.૨૭ ટકા વધ્યા હતા જ્યારે નેસ્લે ઈન્ડિયા ૧.૧૯ ટકા, ટીસીએસ ૧.૧૪ ટકા, એક્સિસ બેન્ક ૧.૧૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૦ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૫૭ ટકા ઘટ્યા હતા. આજે એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી. રિટેલ ફુગાવો એપ્રિલમાં ૪.૮૩ ટકાની ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો કારણ કે રસોડાની કેટલીક વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો, જોકે એકંદરે ખાદ્યપદાર્થોની બાસ્કેટમાં નજીવો વધારો થયો હતો.

એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યો ઊંચા સ્તરે સ્થિર થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્તરે બંધ રહ્યા હતા. યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. વોલ સ્ટ્રીટના શેરબજારો સોમવારે મિશ્ર નોંધ પર બંધ થયા હતા.

વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૭ ટકા ઘટીને ૮૩.૨૨ ડોલર પ્રતિ બેરલ થયું છે. વિદેશી એક્સચેન્જ ડેટા અનુસાર સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૪,૪૯૮.૯૨ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. બીએસઇ બેન્ચમાર્ક સોમવારે ૧૧૧.૬૬ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૭૨,૭૭૬.૧૩ પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ૪૮.૮૫ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા વધીને ૨૨,૧૦૪.૦૫ પર પહોંચ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button