અંગત અણસાર
ટૂંકી વાર્તા -ગીતા ત્રિવેદી
‘બડી નાઝુક હૈ યે મંઝિલ, મહોબ્બત કા સફર….’ સૂરજ વિલાના કમ્પાઉન્ડમાં ગઝલના સૂરો રેલાઈ રહ્યાં હતાં.
શહેરના ધનિક એડવૉકેટ મનીષ મકવાણા અને શ્રીમતી વનીતા મકવાણાના લગ્ન દિવસની રજત જયંતી નિમિત્તે ખાસ પાર્ટી યોજાઈ હતી.
મનીષભાઈના બન્ને પુત્ર પ્રથમ અને ડૉ. નિસર્ગે પપ્પાની રુચિ મુજબ આ સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતું. પિતાની લોકપ્રિયતા અને સફળતા માટે તેમના પુત્ર હોવાનો તેઓ ગર્વ અનુભવી રહ્યાં હતાં. તેમની પુત્રવધૂઓ નુપૂર અને શાલિનીને પણ સસરાના વિશેષ વ્યક્તિત્વ તથા સાલસ સ્વભાવ માટે આદરની લાગણી થતી. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મકવાણા દંપતીને અભિનંદન આપવા આવી હતી. બીજા તવંગરોની જેમ આ પાર્ટી પણ ખાણીપીણી, સૂરસંગીત ને મોજમજાથી ભરપૂર હતી.
પછીના દિવસે રાત્રે ડિનર માટે ભેગા થયેલા સૌ કોઈના મનમાં એક જ સવાલ ઊઠયો કે પપ્પાને કંઈ ખાસ વાત કહેવી છે.
છેવટે પ્રથમે વાતની શરૂઆત કરી, ‘પપ્પા તમે કંઈ ખાસ વાત કહેવા માટે આજે અમને ડિનર ટેબલ પર હાજર રહેવા આદેશ આપ્યો હતો.’
‘બેટા વાત જ એવી છે કે આપણા પરિવાર પર તેની અસર થાય તેમ છે.’ આગળ કહેવા માટે જાણે શબ્દો સાથ આપતા ન હતા.
‘હું તમારા પપ્પાથી છૂટી થાઉં છું.’ મમ્મીના આ વાકયથી સૌ તાજુબ પામ્યા. દીકરાઓને મમ્મી કંઈ બીજું બોલી છે તેવું લાગ્યું તો વહુઓને થયું સાસુએ ખરેખર શું આવું જ કંઈક કહ્યું?
વનિતાએ પોતાની વાતને ફરી રજૂ કરતાં સંયત સ્વરે કહ્યું, ‘અમે બંને છૂટાં પડવા માગીએ છીએ.’
‘મમ્મી તું ભાનમાં તો છે ને?’ બંને છોકરાઓ આઘાત પામ્યા. તેઓએ આજ સુધી મમ્મીની કોઈ વાતની નોંધ લીધી જ ન હતી.
‘મમ્મી શા માટે તમે આવું પગલું ભરવા માગો છો?’ બન્ને વહુઓના મોઢામાંથી અનાયાસે એકસરખો સવાલ સરી પડ્યો અને સાથે સાથે મૂંઝવણનો ભાવ તરી આવ્યો.
અત્યાર સુધી શાંત બેઠેલા મનીષને કંઈક અણધાર્યું બન્યાની લાગણી થતાં ઊભા થઈ દરેકની સામે જોઈને ઉમેર્યું, ‘વનિતા આપણી પુત્રવધૂઓએ પૂછેલા સવાલનો જવાબ જાણવાનો અધિકાર ફક્ત મને જ છે. ચાલ આપણા બેડરૂમમાં.’
પતિની પાછળ ચૂપચાપ વનિતા બેડરૂમમાં ગઈ.
દરવાજો બંધ થતાં જ મનીષ ઊકળી ઊઠ્યો, ‘આ બધું શું છે?’
ચહેરા પર ગર્વિલું સ્મિત ફરકાવી વનિતા ખુરશી પર બેસી મનીષ સામે જોતાં બોલી, ‘મનીષ કદાચ તમે મને છૂટાછેડા આપવા માંગતા હતાં ખરુંને? તે જ વાત જુદી રીતે મારા તરફથી થતાં આંચકો લાગ્યો? શિરીન દારૂવાલા એ જ કારણ છે ને મારાથી છૂટા પડવાનું.’
મનીષને સમજાતું નહોતું કે પરિવારમાં કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે આ સંબંધ બંધબારણે જ રહ્યો હતો તો પછી? પોતાની હામાં હા કહેનારી પોતાની સામે ઊભા રહેવાની જેની હેસિયત નથી તેવી ચરણોની દાસી જેવી મામૂલી પત્ની આજે એક પછી એક એટમબોમ્બ કેમ ફોડી રહી છે? આટલા વર્ષના દામ્પત્યજીવનમાં આજે વનિતાનું આત્મવિશ્ર્વાસથી આંજી નાખતું અનોખું રૂપ મનીષ માટે કોયડો સર્જી રહ્યું.
પલંગ પરથી ઊભા થઈ તે ચૂપચાપ રૂમમાં આંટા મારવા લાગ્યો. જ્યારે મનીષ મૂંઝાતો ત્યારે આમ જ રૂમમાં આંટા મારતો. મનીષની મૂંઝવણ નીરખી વનિતાને ન જાણે કેમ અંતરમાં એક અજબ પ્રકારની ટાઢક વળી. તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તે પૂછે નહીં ત્યાં સુધી કંઈ જ જણાવવું નથી.
થોડો સમય ઓરડાની એ નીરવ શાંતિમાં મનીષનાં પગલાંનો તાલબદ્ધ અવાજ આવી રહ્યો.
છેવટે વનિતાએ હાથ પકડી મનીષને પલંગમાં બેસાડ્યો. ‘આપણા દામ્પત્યની શરૂઆત આ ઓરડામાં થઈ છે હવે તેની અંત્યેષ્ટિ ભલે અહીં જ થાય. અંત્યેષ્ટિમાં મરનાર વ્યક્તિ પોતે બોલી શક્તી નથી. જ્યારે બીજા બધા બોલતા રહે છે.’ ‘આપણો મૃત સંબંધ શબવત આપણી વચ્ચે પડ્યો છે ત્યારે છેલ્લી મુલાકતમાં આપણે મૌન ન રહેતાં અરસપરસ કંઈક અંગત વાતોની આપ-લે કરી લઈએ. હવે પછીની જિંદગીમાં બીજો મોકો ન પણ મળે.’
મનીષ પૂતળાની માફક જડવત્ બેસી રહ્યો. તેની ઓખોમાં અનેક સવાલો એકસામટા ઊમટી પડ્યા. તેની અધીરાઈ તેની વર્તણૂક દ્વારા સ્પષ્ટ દેખાવા લાગી.
‘વનિતા આખરે મારાથી છૂટી પડી તું શું કરવા માગે છે.? લાગે છે મારા વિશે તને બધી માહિતી છે.’
વનિતાએ નકારમાં ડોકું હલાવ્યું.
‘ત્યાં જ તમારી ભૂલ થાય છે મનીષ, કાશ તમારા વિશે બધું જ જાણતી હોત. આજે તમને પ્રથમ મોકો આપું. શિરીન દારૂવાલા તમારા જીવનમાં કેવી રીતે અને કેવા સંજોગોમાં પ્રવેશી? ચોંકશો નહીં. આપણે ત્યાં આવતી તમારી ક્લાયન્ટ શિરીન દારૂવાલા અને તમારી આંખોની લિપિ ઉકેલી શકું તેટલી હોંશિયાર તો મારી જાતને હું સમજુ જ છું.’
‘વનિતા તું મારી માની વહુ તો બની પણ મારી પત્ની કે જીવનસાથી ક્યારેય ન બની શકી.’ મારી અંગત જરૂરિયાતો તને કદી ન સમજાઈ. મારી સફળતામાં ખભેખભો મીલાવી ચાલી શકે તેવી મિત્ર ન બની શકી. આપણા દામ્પત્યની કેડીએ ચાલતાં બાળકોનાં આગમન ને મારી માની બીમારી પછી આપણા ફાંટા અલગ અલગ થયા જે ભેગાં થવાની શકયતા રહી જ નહીં. ‘તારી વાત સાચી છે. શિરીન મારી જિંદગીમાં પ્રવેશી ચૂકી છે. જિંદગીના આ તબક્કે મારી લગભગ બધી ફરજો પૂરી થાય છે. બાની હયાતીમાં છૂટા પડવા વિશે વિચારી શકાય તેમ ન હતું, ત્યારે થાય છે કે જિંદગીનાં બચેલાં વર્ષો હું મારી શરતો પર જીવું. પૈસાનો કોઈ પ્રશ્ર્ન નથી માટે દર મહિને તને રૂ. પચીસ હજાર મળશે. હા તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આ ઘર છોડી શિરીન સાથે રહેવા ચાલ્યો જઈશ. એડવૉકેટ છું માટે કાનૂની રીતે તારાથી છૂટો થઈ કોર્ટમાં લગ્ન કરી લેવાનો છું.’
‘મારી ઈચ્છા વિરુદ્ધ મને અહીં રહેવા કોઈ ફરજ પાડી શકે નહીં. બસ, મનીષ કદાચ તમે મારી ઉપર મૂકેલા દરેક તહોમતનો જવાબ આપવો જરૂરી છે. વકીલની પત્ની છું માટે તમારા મુદ્દાની સામે જ મારા મુદ્દા રજૂ કરીશ. વલસાડ જેવા નાના ગામડામાં મા વિના ઊછરેલી છોકરીને તમે ગમાર સમજી બેઠા. તમારી માએ જાણીજોઈને મને એટલા માટે પસંદ કરી કે હું ફક્ત તેમની મુઠ્ઠીમાં રહું. તેમને ડર હતો કે વિધવા માના એકના એક છોકરાને શહેરની વહુ પોતાનો કરી લેશે તો? આ ગ્રંથિને કારણે તેમણે પોતે ઈચ્છતા હતાં તેવું મારું રૂપ જ તમને દેખાડ્યું. શરૂઆતમાં સંતાનોની જવાબદારી અને પછી લકવાગ્રસ્ત બાની સેવા! વર્ષો જાણે મુઠ્ઠીમાંથી સરતાં ગયાં. હું તો કાયમ તમારી નજીક જ હતી. જોકે તમે મારી પાસે હોવા છતાંય સામે ન હતા. મધ્યાહ્ને તપતાં સૂરજબાનાં આકરાં વેણ મેં ચૂપચાપ સહી લીધાં. મેં તો મારી માતાને જોઈ જ નહોતી તેથી ઊંડે ઊંડે આશા હતી કે ક્યારેક તેમની મમતાની મીઠી નજર મારા પર પડશે. જોકે એ આશા પણ ઠગારી નીવડી. તેમનો દોષ જોતી નથી. તેઓ પણ પોતાની પ્રકૃતિથી મજબૂર હતા.’
થોડી વાર અટકીને બોલી, ‘આજે કહેવા બેઠી છું તો કહી દઉં, તમને તો કદાચ યાદ પણ નહીં હોય કે એક રાત્રે બાને સુવાડી આપણા રૂમમાં આવી મેં તમને પ્રેમથી જગાડવાની કોશિશ કરી ત્યારે ‘અહીં શું કરે છે? બાને એકલી મૂકીને’ તમારા એ સવાલનો જવાબ અત્યારે મને સમજાય છે. શિરીનથી પરિતૃપ્ત થયેલા તમને મને પણ દૈહિક જરૂરિયાતો હોય તેવું લાગ્યું જ નહીં હોય. તે રાત્રી પછી મારા મનમાં મેં સંયમની પાળ બાંધી દીધી. જ્યારે તમને ઢાળ મળ્યો ને તમે લપસી પડ્યા. તમારી જન્મદાત્રી માટે લીધેલો મારો નિર્ણય ખોટો ઠર્યો.’
મનીષના મનોજગતમાં તોફાન શરૂ થઈ ગયું. પત્ની પર મૂકેલા આરોપ ફક્ત પોતાના સ્વબચાવ માટે શબ્દોની ઢાલ જેવા લાગ્યા. વનિતા રણચંડી બનીને એકલે હાથે લડી રહી હોય તેવું મનીષ અનુભવી રહ્યો.
‘તમારી દારૂની પાર્ટીઓની ખોખલી ખુશી અને સસ્તા મનોરંજનમાં સામેલ થઈ હોત તો જીવનસાથી કે મિત્ર બની શકત, પણ જે સંતાનો પર આજે ગર્વ અનુભવો છો તેમની પાછળ મેં લીધેલી કાળજી અને સંસ્કાર જવાબદાર છે એટલું તો માનો છોને? તમારી દુનિયામાં તમે એટલી હદે ખોવાઈ ગયા કે મારા અંગત જીવનનો અણસાર પણ તમને આવ્યો નહીં. સમાજ અને તમારી માએ બનાવેલી મારી છબીને સાચી માની બેઠા, પણ એ વાત ભૂલી ગયા કે હું એમ.એસ.સી. છું. તમારી માતા અને સંતાનોને મેં સાચવી લીધા. મારા જીવનમાં અમૂલ્ય પચીસ વર્ષનો ભોગ હસતા મુખે આપ્યો. છતાં હું વેતા વિનાની અને અણમાનીતી રાણી બની. બે વર્ષ પહેલાં મારા બીમાર પિતાને મળવા ગઈ હતી તે વખતે પીએચ.ડી.નો વિચાર આવ્યો. વિચારને હકીકતનું રૂપ આપવા મેં રજિસ્ટ્રેશન કરાવી લીધું.
જિનેટિક્સ સાયન્સ પર મેં રિસર્ચ કર્યું. મારું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે મને પીએચ.ડી.ની ડિગ્રી મળી જશે અને ડૉક્ટરનો ખિતાબ પણ. આ સઘળું કાર્ય ઈન્ટરનેટ અને મારા માર્ગદર્શકની મદદથી સફળતાપૂર્વક પાર પડ્યું છે. મારો બાયોડેટા ઈન્ટરનેટ પર મૂકતાં મને વિદેશની યુનિવર્સિટીએ જોબ ઓફર કરી છે. મેં મારો જવાબ પણ મોકલી આપ્યો છે. એડવૉકેટ મનીષ મકવાણા, મારા અસ્તિત્વની ખોજ અહીં પૂરી થાય છે. તમારા પૈસા, આ ઘર જ નહીં, આ દેશ પણ છોડી રહી છું. તમારી કોર્ટમાં કેસનો ચુકાદો આવે ત્યારે કોઈ એક પક્ષ જીતે છે. આજે અહીં આપણી કોર્ટમાં આપણે બંને હાર્યા છીએ, પોતપોતાની રીતે.’
છત પરથી કાચનું ઝુમ્મર તૂટીને માથે પડતાં કાચની ઝીણી ઝીણી કરચો આખા શરીરમાં ખૂંપી જાય તેવી અપાર વેદના તે અનુભવી રહ્યો.
બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર વનિતાએ પોતે કાયમ માટે આ ઘર છોડીને પરદેશ જઈ રહી હોવાની ખબર પરિવારને આપી.
હિંદી ફિલ્મમાં અણધાર્યું સસ્પેન્સ ખૂલે ત્યારે દર્શકોના ચહેરા જેવા થાય તેવા વિસ્ફારિત નેત્રે સૌ વનિતાને તાકી રહ્યાં.
ટેબલ પર પડેલા અખબારના પાને નજર પડતાં પ્રથમ બોલી ઊઠયો: ‘પપ્પા તમારી પેલી ક્લાયન્ટ શિરીન દારૂવાલાની ગઈકાલે તેના ઘરમાં હત્યા થઈ ગઈ.’
પ્રથમના હાથમાંથી અખબાર ઝૂંટવી લઈ મનીષે વાંચ્યું, ‘એકલી રહેતી પારસી બાનુની પૈસા માટે હત્યા.’