માનવતા મૂંગી વહે છે, વિશ્ર્વકોશનો દબદબો છે, મતદાન શૂન્ય થયું, વિદ્યાપીઠને વિવાદ વહાલો છે!
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ
રવિશંકર મહારાજ, પ્રો. હર્ષદ પટેલ, ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતનાં સ્વનામધન્ય લોકસેવક અને ગુજરાત રાજ્યની સ્થાપના જેમનાં વરદ્ હસ્તે થઈ હતી તેવા રવિશંકર મહારાજને કોઈકે પૂછેલું કે ગુજરાતમાં દરેક પેઢીએ દાનવીરો કેમ પ્રગટ થતા રહે છે?ત્યારે તેઓએ જવાબ આપેલો કે “આ ધરતીની તાસીર એવી છે કે અહીં જરૂરિયાત અનુસાર દર પેઢીએ દાનવીરો જન્મતાં રહે છે. મજા તો એ વાતની છે કે અહીં પાકતા દાનવીરો પણ વિવિધ પ્રકારના મળી આવે છે. કીડીને કણનુ દાન કરનારા અને હાથીને મણ દાન આપી શકનાર લોકો અહીં મળી આવે છે. આ વાત એ માટે યાદ આવી કે કચ્છમાં અંજાર થી ધોળાવીરા વચ્ચે ચાલતી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અશોકસિંહ દાનુભા જાડેજા છેલ્લા સાત-આઠ વર્ષથી ઉનાળામાં પોતાની રુટની બસમાં સ્વખર્ચે ઠંડા પાણીનું એક જગ ખરીદીને કાયમ પોતાની સાથે રાખે છે અને બસમાં જેઓને જરૂર હોય એ સૌને ઠંડુ પાણી પાય છે. આ વાત બહુ નાની છે પણ યાદ એ રાખવાનું છે કે રામાયણમાં એક ખીસકોલીએ જે કર્મ કર્યું હતું તેવું કર્મ મુંગા મોઢે કરતા રહેતા લોકો પણ ગુજરાતમાં દરેક પેઢીએ પાકતા રહે છે તેનો આ એક પુરાવો છે હોં!
સમાજ સેવા માટે બધું કરી છુટનારા લોકોની સાથે ગુજરાતના સાહિત્યિક વારસાની ચિંતા અને જાળવણી કરનારા તેમજ તે માટે ઘસાઈ છૂટનારા લોકો પણ આ રાજ્યમાં વસે છે. ગુજરાત વિશ્ર્વકોષ ટ્રસ્ટ એનું એક હાજરાહજૂર ઉદાહરણ છે. સદ્ગત આચાર્ય ધીરૂભાઇ ઠાકરની અદ્ભુત તપશ્ર્ચર્યા, અવિરત મહેનત અને જ્ઞાનભરી સૂઝને પરીણામે અમદાવાદ સ્થિત ગુજરાત વિશ્ર્વકોષ સંસ્થા આજે ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ઘરેણું બની ગઈ છે. જગતના સાહિત્ય અને સાહિત્યકારોની વિગતો ગુજરાતીમાં સુલભ કરાવી આપનાર આ સંસ્થા સાહિત્યનાં પ્રસાર અને પ્રચાર માટે પણ સક્રિય કામગીરી કરે છે. અહીં એકંદરે દર માસે, નિયમિત રીતે એક ઉચ્ચ કક્ષાનો, ગુણવત્તાસભર સાહિત્યિક કાર્યક્રમ યોજાય છે. આ સંસ્થાની ચોખ્ખાઈ પણ ઉડીને આંખે વળગે એવી છે. ગુજરાત વિશ્ર્વકોશ ટ્રસ્ટ આધુનિક સોશિયલ મીડિયાની વ્યાપકતા અંગે પણ પુરી રીતે સભાન છે એટલે એ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સંસ્થાના પ્રકાશનો, કાર્યક્રમો, વિશ્ર્વના અગ્રગણ્ય સાહિત્યકારો, વ્યક્તિવિશેષની માહિતી પણ પોતાના શુભેચ્છકોને નિયમિત પીરસતી રહે છે. ગુજરાત વિશ્ર્વકોશ ટ્રસ્ટ ગુજરાતના સાહિત્યપ્રેમીઓ માટે એક મનગમતી સંસ્થા છે હોં!
સાહિત્ય અને સેવા ક્ષેત્રે થતી ઉત્તમ કામગીરી અંગે ગૌરવ અનુભવતી વખતે શરમ અનુભવવી પડે એવી ઘટનાની વાત પણ એક તટસ્થ નિરીક્ષક તરીકે ટાંકવી પડે એમ છે. ગત તા.૭-મે’એ ગુજરાતમાં લોકસભાની બેઠક માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં (૧):-સુરેન્દ્રનગર જિલ્લાનાં રતનપર (૨):-ભરૂચના વાલિયા તાલુકાનું કેશર (૩):-મહીસાગર જિલ્લાનું (ક):-બોડોલી અને (ખ) કુંજાહા (૪):-વડગામનું ભાંખરી અને (૫):-અમરેલીના જેસર ગામનાં લોકો ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. આ ગામોની કુલ ૨૫૦૦ની વસતીમાંથી એક પણ મત મતપેટીમાં નંખાયો નહોતો. આ ઘટના ગુજરાત સરકાર માટે એક ચેતવણીરૂપ ઘટના છે. આ સરકાર ગુજરાતનાં સર્વાંગી વિકાસનો દાવો કરે છે. હવે જો ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો હોય તો કોઈ ગામ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર તો ન જ કરે. મતદાનનો બહિષ્કાર કરનાર ગામોની જનતાએ સરકારનાં સર્વાંગી વિકાસનાં દાવાને પોકળ પુરવાર કર્યા છે. મત નહીં આપવા પાછળ ગામના સ્થાનિક વિકાસનાં જ પ્રશ્ર્નો હશે પણ એ તરફ ધ્યાન દેવાનું આ સરકારમાં કોઇને સૂઝ્યું નથી. ઈચ્છીએ કે આ ઘટના બાદ સરકાર જાગે અને આ છ ગામની નાનીમોટી સમસ્યાઓના નિવારવા માટે પ્રયત્ન કરે!
સમસ્યાઓને કારણે ગામનાં લોકોને ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો પડે એવા માહોલમાં શિક્ષણ ક્ષેત્રે પણ બધું સમુંસૂતરું નથી એવા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે કુલપતિની નિમણૂંક અંગે ગુજરાત વિદ્યાપીઠ ઘણા વખતથી વિવાદમાં સપડાયેલી રહી હતી. એ પછી ભા.જ.પ. એ કુનેહપૂર્વક તેનો કબજો લઈને ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને (હોદ્દાની રૂએ નહીં)વ્યક્તિગત હેસિયતથી કુલાધિપતિ પદે બેસાડી દીધાં ત્યારે એમ લાગતું હવે બધું સરળતાથી ચાલશે. એ આશા પણ ઠગારી નીવડી છે. વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તાજેતરમાં નિમવામાં આવેલા કુલપતિ પ્રા.હર્ષદ પટેલની નિયુક્તિ ગેરકાનૂની હોવાની ફરીયાદ વિદ્યાપીઠના જ એક સિનિયર પ્રાધ્યાપક,હિન્દી ભાષાનાં અધ્યક્ષ અને ડીન તરીકે ફરજ બજાવતા પ્રા.ડો.રામગોપાલ સિંઘે કરી છે. આશ્ર્ચર્ય તો એ વાતનું થાય છે કે ગુજરાત સરકારમાં એક સામાન્ય કારકૂન તરીકે જોડાવા ઈચ્છતા યુવાનની લાયકાતો ચકાસતી વખતે ૧૦૦ ગળણે ગાળીને પાણી પીએ છે અને એક યુનિવર્સિટીના કુલપતિની લાયકાતની ચકાસણી માટે કોઈ પણ પ્રકારની ચોકસાઈ જ રાખવામાં નથી આવતી? વર્તમાન સરકારમાં માળખું જ એવું ગોઠવાયું છે કે જેમાં ઉપલી કક્ષાએથી થતાં ફરમાન કુરનીશ બજાવીને સ્વીકારી લેવાની પરંપરા સર્જાઇ છે. તેના પરિણામે નિડરતાથી સાચો અભિપ્રાય કોઈ આપતું નથી અને સરકારને નીચાજોણું થાય એવા ભવાડા જ રહે છે. પ્રા.ડો.હર્ષદ પટેલના કિસ્સામાં ભીનું સંકેલી લેવાશે કે ન્યાયિક પગલાં લેવાશે એ હવે જોવું રહ્યું.