ભારત – નેપાળ ખટરાગ વધી રહ્યો છે
ચીનના દોરીસંચારથી નેપાળ આજકાલ જે ગતકડાં કરી રહ્યું છે એનાથી આપણી સાથેના સંબંધ વણસી રહ્યાં છે. આમ છતાં આપણે કુનેહથી કામ લેવું પડશે..
પ્રાસંગિક – અમૂલ દવે
ભારત અને નેપાળ નિકટના પાડોશી છે. જો કે છેલ્લા દાયકામાં આ બન્ને દેશના સંબંધોમાં ખટાશ અને ખટરાગ આવ્યા કરે છે અને વધ્યા કરે છે. નેપાળમાં ચીનની દરમિયાનગીરી અને ઉશ્કેરણીને કારણે ભારતના તેના પાડોશી દેશ સાથેના સંબંધોમાં તણાવ અને તંગદિલી જોવા મળે છે. ચીન અને પાકિસ્તાન એક થઈ ભારતને ઘેરી રહ્યા છે. ભુતાનના ડોકલામ માટે ભારતે ચીન સાથે ઝીંક ઝીલી હતી, પરંતુ હવે એ દેશે પણ ચીન સાથે સંબંધો સ્થાપ્યા છે અને ભુતાન પણ હવે ભારતના કાબૂમાં રહ્યું નથી. ફક્ત બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો સુવાળા છે. નેપાળમાં ચીન તરફી સરકાર આવી ત્યારથી ભારત માટે મુસીબતો ઊભી થઈ છે. ચીને નેપાળમાં સામ્યવાદ એ હદે ફેલાવી દીધો છે કે પાંચમાંથી એક નેપાળી સામ્યવાદી બની ગયો છે. નેપાળ એવો દેશ છે જ્યાં ભારતીયો વિઝા વિના જઈ શકે છે. વડા પ્રધાન ‘પુષ્પ કમલ દહલ પ્રચંડ’ના પ્રધાનમંડળે નેપાળના નકશામાં ભારતના વિસ્તારોને પોતાના બતાવતાં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તળિયે જતા રહ્યા છે. નેપાળના આ પગલાંને ભારતે ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. એટલું જ નહીં, તાજેતરમાં નેપાળે તેની ૧૦૦ રૂપિયાની ચલણી નોટમાં આ વિવાદાસ્પદ નકશો મૂકતાં ભારત કોપાયમાન થઈ ગયું છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે આવા એકપક્ષી નિર્ણયથી જમીન પર જે વાસ્તવિક સ્થિતિ છે એ બદલાશે નહીં.
આ સીમા વિવાદ ૩૭૨ ચોરસ કિલોમીટરનો છે. વિવાદ કાલાપાની સીમાનો છે. ભારત-નેપાળ સંબંધોમાં આ પડકારરૂપ મુદ્દો છે. ૧૮૧૬માં અંગ્રેજોએ આ સીમા નક્કી કરી હતી. જેના પર અંગ્રેજોએ ૧૯૪૭માં ક્ષેત્રીય નિયંત્રણનો પ્રયોગ કર્યો હતો એ ભારતને વારસામાં મળ્યા હતા. ભારત અને નેપાળ વચ્ચે ૯૮ ટકા સીમાંકન થઈ ગયું છે, પરંતુ બે ક્ષેત્ર સુસ્તા અને કાલાપાની અંગે વિવાદ છે.
નેપાળ અને ભારત વચ્ચે ૧,૮૫૦ કિલોમીટર લાંબી સરહદ છે અને આ ભારતનાં પાંચ રાજ્યો સિક્કિમ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને અડે છે. ૨૦૧૯માં નેપાળે ઉત્તરાખંડના કાલાપાની, લિંપિયાધુરા, લિપુલેખ તથા સુસ્તા પોતાના હોવાનો દાવો કર્યો હતો અને તેનો નવો નકશો બહાર પાડ્યો હતો.
નેપાળની સંસદે ચાર વર્ષ પહેલાં આ નકશાને બહાલી આપી હતી. ત્યારે ભારત અને નેપાળના વડા પ્રધાનોએ નક્કી કર્યું હતું કે આ સીમાવિવાદ સુલેહથી ઉકેલાશે.
એમાં હમણાં નેપાળે નકશો ચલણી નોટમાં છાપતાં વાત વણસી ગઈ છે. કાઠમંડુના આ નિર્ણયથી ભારત ધુંઆપુંઆ થઈ ગયું. નેપાળમાં પણ તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અમુક નેપાળી અધિકારીઓએ જ આનો વિરોધ કર્યો હતો. નેપાળના વડા પ્રધાનના આર્થિક સલાહકાર ચિરંજીવી નેપાલે આને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. મોટા ઊહાપોહ પછી ચિરંજીવીએ રાજીનામું આપ્યું હતું. ચિરંજીવી અગાઉ નેપાળની મધ્યસ્થ બેન્કના ગવર્નર રહી ચુક્યા છે. સીપીએન-યુએમએલના ચેરમેન અને ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ જાહેરમાં ચિરંજીવીની ટીકા કરી હતી.
ચીને નેપાળ સાથેનો સીમાવિવાદ આ અગાઉ જ ૧૯૬૦ના દાયકામાં ઉકેલ્યો હતો.
ભારતે આ વિવાદ ડિપ્લોમેસીથી ઉકેલવો જોઈએ. ભારતે ૨૦૧૫માં આર્થિક નાકાબંધીનું અંતિમ પગલું લીધું હતું, પરંતુ ચીનના ટેકાને લીધે આ હથિયાર બુઠ્ઠું થઈ ગયું છે. ચીન નેપાળને પોતાના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં મુખ્ય ભાગીદાર ગણે છે. ચીને નેપાળના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં તેનું રોકાણ વધારી દીધું છે. ભારતે નેપાળ સામે મુત્સદીથી કામ લેવું પડશે. નેપાળ એ ભારત અને ચીન વચ્ચેનો બફર દેશ છે. ભારતે નેપાળ સાથે ધીરજ અને કુનેહથી કામ લેવું પડશે. નેપાળનો ચીન પ્રત્યેનો મોહભંગ થાય એની ભારતે રાહ જોવી પડશે.