ચાબહાર બંદર ઈરાન સાથે વ્યૂહાત્મક સંધિમાં સરહદી વેપારના નવા સમીકરણ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને દસ વર્ષના સંચાલન માટે તેહરાન સાથે કરાર કર્યો છે. આ સમાચાર જેટલા સામાન્ય અને સાધારણ દેખાય છે એવા છે નહીં. આ કરારને કારણે ખાસ તો પાકિસ્તાન અને ઇરાન ખૂબ જ બેકરાર થઇ ગયા છે. ચીન નામનો અજગર આપણા દેશના ફરતેના બધા દેશ અને સરહદ પર કુંડાળું ફેલાવવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ભારતનું આ પગલું દેશના સંરક્ષણ અને લશ્કરી વ્યૂહ માટે પણ અત્યંત મહત્ત્વનું છે.
ચીન માલદીવ્ઝ, પાકિસ્તાન ઉપરાંત હવે તો ભૂતાનમાં પણ પગપેસારો કરીને ભારતના સૈન્યબળ પર નજર રાખવા સાથે જરૂર પડ્યે આક્રમણ કરી શકાય એવાં સ્થાનકો ઊભાં કરવા માગે છે, જ્યારે ચાબહાર બંદરને એક મહત્ત્વના રક્ષણ અને પાડોશી શત્રુ દેશોને ડારવા માટેનું માધ્યમ પણ ગણવામાં આવે છે.
આ કરાર સાથે ભારતને યુરોપ અને ખાસ તો રશિયા સુધી પહોંચવામાં કેવી સરળતા મળશે એ જાણવા પહેલા આપણે ભારતીય ઉદ્યોગ જગતને સીધી અસર કરી શકે એવી વાત જાણી લઇએ. નોંધવા જેવી વાત એ છે કે પાકિસ્તાન અને ચીન ઉપરાંત અમેરિકાને પણ આ કરારને કારણે વાંકુ પડ્યું છે.
અમેરિકાએ ભારત અને ઇરાન વચ્ચેના આ સોદા સંદર્ભે એવી ચેતવણી આપી છે કે ઈરાન સાથે વ્યાપાર કરવાનું વિચારી રહેલા દરેકે અમારી તરફથી સંભવિત પ્રતિબંધોનાં જોખમોથી વાકેફ રહેવું આવશ્યક છે. બીજા શબ્દોમાં અમેરિકાએ ઇરાન સાથે વ્યાપારી સંબંધો ના રાખવા માટે સીધી ચેતવણી આપી છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલને ચાબહાર પોર્ટ સંદર્ભે, ભારત અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી અંગે પૂછવામાં આવ્યું ત્યારે પટેલે એક અહેવાલ અનુસાર એમ કહ્યું હતું કે અમે એવા અહેવાલોથી વાકેફ છીએ કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટને લઈને ડીલ કરી છે. ભારત સરકારની પોતાની વિદેશ નીતિ છે. તે ચાબહાર પોર્ટ અને ઈરાન સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધોને લઈને ઈરાન સાથે કરવામાં આવેલા સોદાને વધુ સારી રીતે સમજે છે. પરંતુ જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે. ઈરાન પર અમેરિકન પ્રતિબંધો ચાલુ રહેશે. આમ આ જવાબ ડિપ્લોમેટિક જણાય છે, પરંતુ અમેરિકાના પ્રવકતા તરીકે તેમણે કોઇ શબ્દો ચોર્યા વગર ચેતવણી દોહરાવવાનું જ કામ કર્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આનો અર્થ એ છે કે ભારતીય કંપનીઓ પર પણ નિયંત્રણો લાદી શકાય છે? જવાબમાં તેમણે કહ્યું કે તમને જણાવી દઈએ કે જો કોઈ ઈરાન સાથે બિઝનેસ ડીલ પર વિચાર કરી રહ્યું છે તો તેને તેના સંભવિત જોખમો જાણવા જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે તેમના પર પ્રતિબંધો પણ લાદવામાં આવી શકે છે.
ચાબહારમાં બે બંદરો છે. પ્રથમ, શાહિદ કલંતરી અને બીજું શાહિદ બહિશ્તી. ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ, શિપિંગ મંત્રાલય વતી શાહિદ બહિશ્તીનું સંચાલન કરે છે. અહેવાલ અનુસાર આ ડીલ હેઠળ ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબહાર પોર્ટમાં લગભગ ૧૨૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે. વાસ્તવમાં આ બંદરનું કામ ભારત પહેલેથી જ સંભાળી રહ્યું હતું. પરંતુ આ ટૂંકા ગાળાનો કરાર હતો. તેને સમયાંતરે રિન્યુ કરાવવો પડતો હતો. પરંતુ હવે ૧૦ વર્ષ માટે લાંબા ગાળાનો કરાર કરવામાં આવ્યો છે.
ભારત અને ઈરાન વચ્ચે લાંબા ગાળાના કરાર માટે વર્ષોથી વાતચીત ચાલી રહી હતી. પરંતુ વિવિધ કારણોસર તેમાં વિલંબ થઈ રહ્યો હતો. આ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ પણ જોવા મળ્યો હતો. યાદ રહે કે ભારત રશિયાની વધુ નિકટ છે અને ઇરાન અંતે ઇસ્લામી દેશ છે. આ સિવાય ઈરાન પર અમેરિકન પ્રતિબંધોને કારણે પણ આ સમજૂતીમાં વિલંબ થયો હતો. હવે આપણે સરહદી વેપારના દૃષ્ટિકોણથી જોઇએ તો વાસ્તવમાં આ કરારને કારણે ભારત ઉપરાંત બીજા ઘણાં દેશને લાભ થશે. ભારત ચાબહાર પોર્ટનો એક હિસ્સો વિકસાવી રહ્યું છે, જેથી ઈરાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોમાં માલસામાન લઈ શકાય. નવો સોદો પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર બંદરોને બાયપાસ કરશે અને ઈરાન થઈને દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા વચ્ચે વેપાર માર્ગો ખોલશે. ઈરાન અને અફઘાનિસ્તાનમાં ભારતની સીધી પહોંચ માટે ચાબહાર પોર્ટ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. એક તરફ ચાબહાર પોર્ટ ઈરાનને અમેરિકન પ્રતિબંધોની અસરનો હળવી કરવામાં મદદ કરી શકે છે. અમેરિકા ઇરાનને પસંદ નથી કરતું અને ઇરાનને ભારતની તેમ જ ભારતને ઇરાનની વ્યાપારી દૃષ્ટિએ જરૂર છે. આપણે ઇરાનથી ક્રૂડ ઓઇલની જંગી આયાત કરતા આવ્યા છીએ. બીજી તરફ હિંદ મહાસાગર સુધી પહોંચવા માટે અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર નિર્ભરતા ઘટી શકે છે. આ સિવાય ચાબહાર પોર્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાન અને મધ્ય એશિયા સુધી પહોંચી શકશે.
૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઈન્ટરનેશનલ ટ્રેડ કોરિડોર અંગે સમજૂતી થઈ હતી. આ કોરિડોરમાં ચાબહારનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પછી ભારતે શાહિદ બહેેશ્તીનું કામ ઝડપી બનાવ્યું હતું.
શાહિદ બહિશ્તીના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૭માં પૂર્ણ થયું હતું. ત્યારબાદ ભારતે અહીંથી ઘઉંનો પહેલો ક્ધસાઈનમેન્ટ અફઘાનિસ્તાન મોકલ્યો હતો. ૨૦૧૯માં પ્રથમ વખત અફઘાનિસ્તાનથી કોઈપણ માલ ચાબહાર પોર્ટ દ્વારા ભારત આવ્યો હતો.
શાહિદ બહિશ્તી પોર્ટનું કામ ચાર તબક્કામાં પૂર્ણ થવાનું છે. કામ પૂર્ણ થયા બાદ તેની ક્ષમતા વાર્ષિક ૮૨ મિલિયન ટન થશે. અહીં એક ક્રૂઝ ટર્મિનલ પણ પૂર્ણ થયું છે, જેના કારણે આ બંદરની ક્ષમતામાં વધુ વધારો થયો છે. આ ઉપરાંત ચાબહાર પોર્ટને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સાથે પણ જોડવામાં આવશે. આ કોરિડોર હેઠળ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સુધી જહાજો, રેલ અને રોડનું ૭,૨૦૦ કિલોમીટર લાંબુ નેટવર્ક બનાવવામાં આવશે. પરિણામે યુરોપ અને રશિયા સુધી ભારતની પહોંચ પણ સરળ બનશે. હવે ફરી સરહદી સલામતીના દૃષ્ટિકોણથી જોઇએ તો, ઈરાનમાં બની રહેલા ચાબહાર પોર્ટને ચીન અને પાકિસ્તાનને જવાબ માનવામાં આવી રહ્યું છે. આ કારણથી અહીં ભારતને ખૂબ રસ છે. ગ્વાદર પોર્ટમાં ચીનની હાજરીને કારણે ચાબહાર પોર્ટ હોવું ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે.