બેન્ગલૂરુ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવા પાછળનો એક આશય ખેલાડીઓ વચ્ચેની મિત્રતા વધારવાનો હતો અને આ ટૂર્નામેન્ટના 16 વર્ષના ઇતિહાસમાં એ ઉદ્ેશ સાર્થક થતો જોવા મળ્યો છે. માત્ર ભારતીય ખેલાડીઓ વચ્ચેની જ નહીં, પણ ભારતીય-વિદેશી પ્લેયર્સ વચ્ચેની મૈત્રીના પણ ઘણા કિસ્સા જોવા મળ્યા છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ઘણા વર્ષોથી ખટરાગ રહ્યો, પણ આઇપીએલની આ સીઝનમાં તેઓ મેદાન પર હાથ મિલાવીને, ભેટીને એકમેક સાથે ઘણી વાતચીત કરતા જોવા મળ્યા છે.
આ તો થઈ મિત્રતાની વાત. બે ભારતીય ખેલાડીઓ વચ્ચે હળવી મજાકમસ્તી થતી હોવાની ઘટના પણ ક્યારેક જોવા મળી છે. રવિવારે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી આરસીબીને સતત ચાર મૅચ જિતાડવામાં માટું યોગદાન આપ્યા બાદ પાંચમી મૅચમાં પણ વિજય અપાવવા મેદાન પર ફટકાબાજી કરવા ઊતર્યો હતો.
ત્યારે તેણે મેદાન પરથી જ હરીફ ટીમના ‘ડ્રેસિંગ રૂમમાં ઊભેલા’ મુખ્ય કૅપ્ટન રિષભ પંત સાથે હળવી મજાક કરી હતી.
સ્લો ઓવર-રેટના ત્રીજા ઉલ્લંઘન બદલ પંતને આ મૅચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને અક્ષર પટેલે તેના સ્થાને સુકાન સંભાળ્યું હતું.
ALSO READ: Virat Kohli આઉટ થતાં કેમ ખુશ થઈ Anushka Sharma થઈ ખુશ? વીડિયો થયો વાઈરલ…
લાગલગાટ છ મૅચના પરાજય બાદ કોહલીએ અથાક મહેનતથી સતત ચાર વિજય અપાવીને પ્લે-ઑફ માટેની આરસીબીની આશા જીવંત રખાવી હતી. કોહલી અને પંત વચ્ચેની મિત્રતાથી સૌ કોઈ વાકેફ છે. આ બન્ને ખેલાડી જૂનના ટી-20 વર્લ્ડ કપમાં સાથે જ રમવાના છે.
રવિવારે કોહલી ક્રીઝ પર હતો અને સ્ટાન્સ લઈ રહ્યો હતો એ પહેલાં તેણે ડ્રેસિંગ-રૂમમાં ઊભેલા પંતને બૅટ બતાવીને મજાકમાં મારવાની ધમકી આપી હતી અને બેસી જવા કહ્યું હતું. ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’ એવું કોહલી તેને કહી રહ્યો હતો અને થોડી વારમાં તેનું માન રાખીને સાથીની બાજુમાં બેસી ગયો હતો અને હાથ ઊંચા કરીને તેનું અભિવાદન કર્યું હતું.
કોહલીએ એ મૅચમાં 13 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 27 રન બનાવ્યા હતા. કોહલી આ સીઝનમાં મંગળવારે દિલ્હી-લખનઊની મૅચ પહેલાં 661 રન સાથે મોખરે હતો. બેન્ગલૂરુએ દિલ્હીને 47 રનથી હરાવ્યું હતું.