વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪.૯ અબજ ડૉલરનો ઘટાડો

મુંબઈ: ગત આઠમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૪.૯૯૨ અબજ ડૉલર ઘટીને ૫૯૩.૯૦૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ પૂર્વેના સપ્તાહે અનામત ૪.૦૩૯ અબજ ડૉલર વધીને ૫૯૮.૮૯૭ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અગાઉ ઑક્ટોબર, ૨૦૨૧માં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૬૪૫ અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ વૈશ્ર્વિક પરિબળોને કારણે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો અટકાવવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા સમયાંતરે ડૉલરમાં વેચવાલીનું દબાણ રહેતાં ક્રમશ: અનામતમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૪.૨૬૫ અબજ ડૉલર ઘટીને ૫૨૬.૪૨૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યૅન જેવાં અન્ય ચલણો સામે સપ્તાહ દરમિયાન રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૫૫.૪ કરોડ ડૉલર ઘટીને ૪૪.૩૮૪ અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મૉનૅટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૩.૪ કરોડ ડૉલર ઘટીને ૧૮.૦૬ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મૉનૅટરી ફંડ સાથેની અનામતો પણ ૩.૯ કરોડ ડૉલર ઘટીને ૫.૦૩૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button