Supreme Courtમાં ગંભીર મુદ્દા પરની સુનાવણી સમયે રામદેવ બાબા અને જજ વચ્ચે થયું કંઈક આવું
નવી દિલ્હી: રોજ દેશભરના ગંભીર અને જટિલ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જજ ઘણીવાર અલગ અંદાજમાં પણ જોવા મળે છે. આવું જ કંઈક યોગગુરુ રામદેવ બાબાના કેસની સુનાવણી વખતે થયું. ભ્રામક જાહેરાતના કેસમાં યોગગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને જારી કરવામાં આવેલી અવમાનના નોટિસ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ સમયે બાબા રામદેવ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેમણે જજ અસનુદ્દીન અમાનુલ્લાહને પ્રણામ કર્યા, જેના જવાબમાં જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે અમારા પણ તમને પ્રણામ.
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને અન્ય સામેની અવમાનનાની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિને જે દવાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને રોકવા અને તેને પરત લાવવા માટે તેના દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારો હેતુ માત્ર એટલો જ છે કે લોકો સતર્ક રહે. લોકોને બાબા રામદેવમાં વિશ્વાસ છે. તેણે તેનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. બાબા રામદેવે પણ વિશ્વભરમાં યોગના પ્રચારમાં યોગદાન આપ્યું છે.
ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને પૂછ્યું કે કયા રાજ્યોએ એફિડેવિટ દાખલ કરી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્ય સરકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો ફરિયાદ નોંધવામાં આવે છે, તો તેમણે કાર્યવાહી કરવી જોઈએ. જો ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, તો પણ તપાસ કરો કે ઉત્પાદનની જાહેરાત ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે FSSAI દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવી નથી, ગ્રાહક બાબતોના મંત્રાલયે નવી એફિડેવિટ ફાઇલ કરવી પડશે. કોર્ટે FSSAI પાસેથી એફિડેવિટ પણ માંગી છે. એફિડેવિટ માત્ર પશ્ચિમ બંગાળ સરકાર વતી દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે નાગાલેન્ડ વતી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોના લાયસન્સ અધિકારીઓને તેમના જવાબો દાખલ કરવા માટે છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટ ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે.