Mumbai storm: ગેરકાયદે લગાવેલા હોર્ડિંગનો ભોગ 14 બન્યા, 75 ઘાયલ
મુંબઈઃ મુંબઈના પૂર્વીય પરા ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પાસે લગાવેલું એડવર્ટાઈઝિંગ હૉર્ડિંગ ધરાશાયી થતા 14 જણે જીવ ગુમાવ્યો છે અને 75થી વધારે ઈજાગ્રસ્ત થયા છે.
મુંબઈમાં ગઈકાલે સાંજે અચાનક ધૂળની ડમરી ઉડતા લગભગ 60 કિમીની (60kmph) ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા લગભગ 150 જેટલા વાહનચાલકોએ પેટ્રોલપંપ નીચે આશરો લીધો હતો ત્યારે અચાનક તોતિંગ હૉર્ડિંગ પડતા નાસભાગ મચી હતી. પ્રથમ ધોરણે મૃતકોનો આંકડો ત્રણ અને ચાર જણાતો હતો, પરંતુ હાલમાં મળેલી માહિતી અનુસાર 14 જણે જીવ ગુમાવ્યો છે જ્યારે 75 જણ ઘાયલ થયા છે. ઘાયલોને પહેલા રાજાવાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જરૂર જણાય તો કેઈએમ હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
એક અહેવાલ અનુસાર director of advertising agency Ego Media Pvt Bhavesh Bhinde સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તો હજુ સદમામાં છે, તેમ પણ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ હોર્ડિંગ અંદાજે 17,040 ચોરસ ફૂટનું હતું અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બિલબોર્ડ તેમની પરવાનગી વિના બનાવવામાં આવ્યું હતું.
અકસ્માત બાદ NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.
BMC અનુસાર, તે સ્થાન પર ચાર હોર્ડિંગ્સ હતા અને તે બધાને ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (મુંબઈ રેલ્વે) માટે મંજૂરી આપવામાં આવી હતી. BMCના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી.
સોમવારનો દિવસ મુંબઈગરા માટે કઠિન સાબિત થયો હતો. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને લીધે ટ્રેન વ્યવહાર ઠપ થતા અમુક સ્ટેશનો પર સ્ટેમ્પેડ જેવી સ્થિતિ હતી. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.