ઘાટકોપરમાં ભારે પવન-વરસાદને કારણે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન અને વરસાદને કારણે પેટ્રોલની પંપ નજીક સોમવારે સાંજે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે 59 લોકો ઘવાયા હતા. હોર્ડિંગ તૂટી પડતાં અનેક વાહન પણ તેની નીચે દબાઇ ગયાં હતાં. હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અગ્નિશમન દળના જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે મોડી રાત સુધી ચાલ્યું હતું. હોર્ડિંગ નીચે હજી પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
ઘાટકોપર પૂર્વમાં છેડાનગર જિમખાના નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે સોમવારે સાંજે 4.30 વાગ્યે મહાકાય હોર્ડિંગ તૂટી પડ્યું હતું. બનાવની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધર્યું હતું. ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ પણ બચાવકાર્યમાં જોડાઇ હતી. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને વોર્ડનો સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યો હતો, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું.
હોર્ડિંગ નીચે અંદાજે 100થી વધુ લોકો ફસાયા હતા અને તેમને બહાર કાઢવા માટે ક્રેન તથા ગેસ કટરની મદદ લેવામાં આવી હતી અને મોડી સાંજ સુધીમાં હોર્ડિંગ નીચેથી 62 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને ત્રણ જણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોનો આંકડો વધવાની શક્યતા છે.