પિતા અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા અને મનોજ બાજપેયી શૂટિંગ કરી રહ્યા હતા, ફોન પર પિતાને કહી અંતિમ વાત
મુંબઈ: બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી(Manoj Bajpayee)હાલમાં જ વેબ સીરિઝ ‘કિલર સૂપ'(Killer soup)માં શાનદાર અભિનય માટે ચર્ચામાં છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિરીઝના શૂટિંગ દરમિયાન તેઓ કેવી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે છ મહિનાના સમયગાળામાં તેના માતાપિતા ગુમાવ્યા. એક ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ આ સમયને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે કેવી રીતે બધું સંભાળ્યું.
કોઈ પણ વ્યક્તિ માટે તેના પિતા કે માતાનું મૃત્યું આઘાતજનક હોય છે, પરંતુ મનોજ બાજપેયીએ બિમારીથી પીડિત પિતાને શરીર છોડી દેવા માટે કહ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે તેની માતાએ ડોક્ટરને તેમના શરીરને જલદીથી મુક્ત કરવા કહ્યું હતું.
એક ઈન્ટરવ્યું દરમિયાન મનોજ બાજપેયીએ પોતાના માતા-પિતા અને તેમની સાથે જોડાયેલી યાદો વિશે લાગણીસભર વાત કરી હતી. તેણે કહ્યું, “મારા પિતા મારી ખૂબ જ નજીક હતા અને હું તેમને ખૂબ પ્રેમ કરતો હતો. હું નસીબદાર હતો કે મારા ભાઈ-બહેન તેની સંભાળ લેવા માટે ત્યાં હતા કારણ કે હું તે સમયે કેરળમાં ‘કિલર સૂપ’નું શૂટિંગ કરી રહ્યો હતો. હું તેમને કહેતો હતો કે હું શૂટિંગ માટે જાઉં છું પણ તે પૂરું કરીને પાછો આવીશ.”
મનોજ બાજપેયીએ આગળ કહ્યું, “એક દિવસ મારી બહેને ફોન કરીને કહ્યું કે પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. બધાને ખબર હતી કે તેઓ મારી સાથે ખૂબ જ જોડાયેલા છે, તેથી ડૉક્ટરે કહ્યું કે કદાચ મારી વિનંતી પર તે પોતાનું શરીર છોડી દેશે. તે સમયે મારે ‘કિલર સૂપ’ માટે શોટ આપવાનો હતો અને મારો સ્પોટ બોય મારી સાથે વાનમાં હતો. તેની સામે હું મારા પિતા સાથે વાત કરી રહ્યો હતો અને મેં તેમને કહ્યું, ‘બાઉજી, આપ જાઈએ, બાઉજી હો ગયા’ આ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. હું મારા શોટ માટે જઈ રહ્યો હતો, મારો સ્પોટ બોય રડવા લાગ્યો. એ મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો અને મારા પિતા બીજા દિવસે સવારે વહેલા ચાલ્યા ગયા.”
મનોજ બાજપાઈએ વધુમાં કહ્યું, “તે મને જોવા માટે શરીરમાં રહ્યા હતાં અને જ્યારે તેમણે મને લાંબા સમય પછી ફોન પર સાંભળ્યો ત્યારે તેમણે પોતાનું શરીર છોડી દીધું.”
પિતાના અવસાનના છ મહિનામાં જ તેની માતાએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી. તે સમય વિશે વાત કરતાં મનોજ બાજપાઈએ જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેના પિતાના અવસાન બાદ દિલ્હીથી તેના ગામ જવાનો નિર્ણય કર્યો. જો કે, તેમના ત્યાં રોકાણ દરમિયાન તેમના પેટનું કેન્સર વકર્યું અને તેમને સારવાર માટે પાછા દિલ્હી બોલાવવામાં આવ્યા.
મનોજે કહ્યું, “જ્યારે તે ગામમાં હતી, ત્યારે તેના પેટમાં કેન્સર ફરી વધવા લાગ્યું. અમને ખબર ન હતી અને તે પણ જાણતી ન હતી. તેના પેટમાં પરુ થવા લાગ્યું અને નાભિમાંથી બહાર આવવા લાગ્યું. આમ છતાં તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને પોતાની સારવાર શરૂ કરી. તે ખરેખર એક મક્કમ સ્ત્રી હતી. ”
જલદી તેમને ખબર પડી કે તેને બાળકો પર નિર્ભર રહેવું પડશે, ત્યારે મનોજની માતાએ તેને કહ્યું હતું, “ના, હું કોઈના પર નિર્ભર રહેવા માંગતી નથી. હું મરી જાઉં તે સારું છે.’
મનોજે કહ્યું કે ત્યાર બાદ તે ચાલી ગઈ, મારો આખો ઉછેર એવો છે – નમવું નહીં, શરણાગતિ ન સ્વીકારવી, આશ્રિત ન થવું, પરંતુ તેમ છતાં નમ્ર રહેવું.