અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ
સ્થાનિક સોનામાં રૂ. ૫૧૮નો અને ચાંદીમાં રૂ. ૯૫૦નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અગેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૬થી ૫૧૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૫૦નો ઘટાડો આવ્યો હતો.
સોનાની ખરીદી માટે ધનતેરસ પછી બીજા ક્રમાંકનાં ગણાતા શુકનવંતા તહેવર અખાત્રીજનાં દહાડે ભાવસપાટી ઊંચી રહેતાં રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો રહ્યા બાદ આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં હજુ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૦૦૦ની સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી માગમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા નહીંવત જણાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૬ ઘટીને રૂ. ૭૨,૨૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧૮ ઘટીને રૂ. ૭૨,૪૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી વેચવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૫૦ ઘટીને રૂ. ૮૩,૨૬૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૪૮.૦૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૩૮ ટકા ઘટીને ૨૩૫૮.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૦૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી મંગળવારે અમેરિકાનાં ગત એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની અને અને બુધવારે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થવાની છે અને જો ફુગાવો ઊંચી સપાટીએ સ્થિર રહેશે તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કપાતની શક્યતાઓ ધૂંધળી બને તેમ હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ભારે ચંચળતા બાદ સ્થિર વલણ જોવા મળ્યું હતું તેમ જ સોનામાં પણ ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.