Heatwaveને ધ્યાનમાં લઈને હવામાન ખાતા અને ચૂંટણી પંચે કરી મતદાતાઓને આ અપીલ…

જળગાંવઃ દેશભરમાં આજે લોકસભા ચૂંટણી-2024 માટે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અગાઉના ત્રણ તબક્કાની જેમ જ આજે ચોથા તબક્કા પર પણ Heatwaveનું ગ્રહણ મંડરાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર, જળગાંવ, રાવેરમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરી ચૂક્યો છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં બપોરે તેમ જ સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મતદાન પર પણ અસર જોવા મળશે.
રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી ઉષ્ણતામાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની અસર અત્યાર સુધીના યોજાઈ ગયેલાં ત્રણ તબક્કામાં જોવા મળી છે, એવું કહેવાઈ રહ્યું છે. કડકડતા તડકા અને ગરમીને કારણે બપોરના સમયે મતદાન ઓછું થયું અને લોકો ગરમી તેમ જ તડકો ઓછો થતાં મતદાન માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જેને કારણે સાંજે પાંચ વાગ્યા બાદ મતદાન કેન્દ્રની બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આજે ચોથા તબક્કાના મતદાર દરમિયાન પણ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે.
પરિણામે ચૂંટણી પંચ તેમ જ રાજકીય પક્ષો દ્વારા મતદાતાઓને તડકો ઓછો થયા બાદ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા પણ તડકામાં બહાર નહીં નીકળવા, શક્ય હોય એટલું વધારે પાણી પીવાની તેમ જ વરસાદમાં વીજળી ચમકી રહી હોય ત્યારે ઝાડ કે છાપરા નીચે આશરો નહીં લેવાની ભલામણ પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હીટવેવની શક્યતાને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ દ્વારા પણ વિવિધ ઉપાયયોજના કરવામાં આવી છે. એટલું જ નહીં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો હોય એવા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ વસ્તુના વીજપુરવઠો ખંડિત કરવાની સૂચના પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.