આમચી મુંબઈ

Central Railwayના પ્રવાસીઓની હાલાકીનો અંત નથી, ધસારા સમયે ખોરવાઈ Mumbai Local

મુંબઈ: અઠવાડિયાના પહેલાં જ દિવસે મધ્ય રેલવે પર થાણા સ્ટેશન નજીક સિગ્નલમાં ખરાબી થવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ ખરાબીને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો 25થી 30 મિનિટ સુધી મોડી પડી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવે પર થાણા સ્ટેશન નજીક સિગ્નલમાં ખરાબી સર્જાતા ટ્રેન વ્યવહાર ધસારાના સમયે જ ખોરવાયો હતો. જેને કારણે મધ્ય રેલવેમાં કલ્યાણ-કુર્લા વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આશરે અડધો કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. સવારે સર્જાયેલી આ ખરાબીને કારણે મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો આશરે 25થી 30 મિનિટ મોડી પડી હતી, જેને કારણે નોકરિયાત વર્ગને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


સવારે શરૂ થયેલા ટ્રેનોના ધાંધિયાની અસર છેક બપોર સુધી જોવા મળી હતી. બપોરે પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને ગરમીમાં સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઉભા રહેવું પડ્યું હતું. દરમિયાન મધ્ય રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સર્જાયેલી ખામીની માહિતી આપીને પ્રવાસીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાના તમામ સંભવત્ પ્રયાસો કરાઇ રહ્યા છે.

જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે મધ્ય રેલવે પર પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને ટ્રેનો મોડી પડતાં હાલાકી ભોગવવી પડી હોય. દરરોજ મધ્ય રેલવે પર ટ્રેનો આશરે 10થી 15 મિનિટ મોડી પડતી જ હોય છે. ટ્રેનો મોડી પડવાને કારણે ટ્રેનોમાં તેમ જ રેલવે સ્ટેશન પર ભીડ ખૂબ જ વધી જાય છે, એવી ફરિયાદ પણ દરરોજ કસારાથી સીએસએમટી વચ્ચે પ્રવાસ કરતી મહિલા પ્રવાસી દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહિલા પ્રવાસીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દર રવીવારે રેલવે દ્વારા ટ્રેક તેમ જ સિગ્નલ મેઇન્ટેનન્સ માટે બ્લોક હાથ ધરવામાં આવે છે પણ તેમ છતાં દરરોજ કોઈને કોઈ ટેકનિકલ ખામીને કારણે ટ્રેનો મોડી પડતી જ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button