‘જજની જુબાની પટાવાળાની જુબાનીથી વધુ મહત્વની ન હોઈ શકે’ ગુજરાત HCએ 85 વર્ષીય વૃદ્ધની સજા રદ કરી
અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટ(Gujarat High court)એ ત્રણ દાયકા જુના એક કેસ અંગે ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે ફોજદારી કેસમાં ન્યાયાધીશની જુબાની, એ જ કોર્ટમાં કામ કરતા પટાવાળાની જુબાની કરતાં વધુ મહત્વ ન ધરાવી શકે.
કોર્ટના મુદ્દામાલમાંથી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ ગુમ થયાના ત્રણ દાયકા જુના કેસમાં ભૂતપૂર્વ કોર્ટ કર્મચારીને નીચલી કોર્ટે દોષિત ઠેરવ્યો હતો, કર્મચારીને સાત વર્ષની જેલની સજા ફટકારતો નીચલી કોર્ટનો હુકમ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો હતો. હાઈ કોર્ટે હવે નીચલી કોર્ટને આ કેસ પર ફરીથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં 85 વર્ષીય અકબરઅલી સૈયદને નીચલી કોર્ટે દોષિત જાહેર કર્યા હતા, અકબરઅલી સૈયદ છોટા ઉદેપુરની સિવિલ કોર્ટમાં નઝીર (ક્યુરેટર) હતા, જે તે સમયે વડોદરા જિલ્લાનો ભાગ હતો.
કેસની જાણકારી મુજબ 14 નવેમ્બર, 1991ના રોજ, વડોદરાના જિલ્લા ન્યાયાધીશે છોટા ઉદેપુર કોર્ટમાં મુદ્દામાલની તપાસ હાથ ધરી હતી. જિલ્લા ન્યાયાધીશે બીજા દિવસે નિરીક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. તેણે સિવિલ જજને કોર્ટના સ્ટ્રોંગરૂમનો ચાર્જ સોંપ્યો હતો અને કિંમતી અને બિન-મૂલ્યવાન મુદ્દામાલ પર સીલ લગાવવાનો આદેશ આપ્યો અને સ્ટ્રોંગરૂમની ચાવી તેમની પાસે રાખવા કહ્યું હતું.
જિલ્લા ન્યાયાધીશે બીજા દિવસે મુલાકાત લીધી ન હતી, પરંતુ એક દિવસ પછી, 16 નવેમ્બર, 1991ના રોજ તેઓ કોર્ટમાં આવ્યા ત્યારે ફાટેલા પરબિડીયાઓ મળી આવ્યા હતા અને મુદ્દામાલમાંથી ચાંદીના ઘરેણાં અને કાંડા ઘડિયાળ સાથે રૂ. 80,833ની રોકડ ગાયબ હતી.
મુદ્દામાલમાંથી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ ગુમ થવા અંગે કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC)એ કોર્ટના ક્યુરેટર સૈયદ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાયલ દરમિયાન, કોર્ટના પટાવાળાએ જુબાની આપી હતી કે ફરિયાદી JMFCએ પોતે 15 નવેમ્બર, 1991 ના રોજ ઓફિસનો સમય પત્યા બાદ સ્ટ્રોંગરૂમ ખોલ્યો હતો. પટાવાળા અને ઈન્ચાર્જ કયુરેટરે કહ્યું હતું કે JMFC રાત્રે 9 વાગે ફાનસ લઈને રૂમમાં પ્રવેશ્યા કારણ કે પાવર કટ થઇ ગયો.
આ હકીકતને JMFC એ પણ સ્વીકારી હતી, તેમણે કોર્ટને જાણ કરી હતી કે તે મુદ્દામાલની કેટલીક બિન-મૂલ્યવાન વસ્તુઓની તપાસ કરવા માટે જ તેઓ સ્ટ્રોંગરૂમમાં ગયા હતા.
વર્ષ 2000 માં ટ્રાયલ કોર્ટે સૈયદને IPCની કલમ 409 હેઠળ દોષી ઠેરવ્યા હતા, અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી અને તેના પર 5,000 રૂપિયાનો દંડ લાદ્યો હતો. 2004માં એપેલેટ કોર્ટ દ્વારા સજાને યથાવત રાખવામાં આવી હતી. તેની સામે સૈયદે હાઈકોર્ટમાં અરજી કરી હતી, હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થાય એ માટે તેમણે બે દાયકા સુધી રાહ જોવી પડી હતી; આ સમયગાળા દરમિયાન તેઓ જામીન પર બહાર હતા
સૈયદ તરફથી એડવોકેટ ઝુબિન ભરડાએ 15 નવેમ્બર, 1991ના રોજ સ્ટ્રોંગરૂમમાં જજના પ્રવેશ અંગેની હકીકત પર ભર મુક્યો હતો અને જણાવ્યું હતું કે તે દિવસે સૈયદ રજા પર હતો. તેમણે હાઈકોર્ટમાં દલીલ કરી કે જિલ્લા ન્યાયાધીશે સિવિલ જજને સ્ટ્રોંગરૂમની સુરક્ષા કરવાની જવાબદારી સોંપી હતી અને સૈયદ સ્ટ્રોંગરૂમનો ઇન્ચાર્જ પણ ન હતો. તેમ છતાં, ન્યાયાધીશે ફરિયાદ દાખલ કરી હોવાને કારણે, કોર્ટના કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યો.
તેમણે કહ્યું કે નીચલી અદાલતોએ તેમની પોસ્ટને કારણે પટાવાળાના નિવેદન કરતાં ન્યાયાધીશના નિવેદનને ખોટી રીતે વધુ મહત્વ આપ્યું. આ એવિડન્સ એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ છે, ખાસ કરીને જ્યારે બંને – જજ અને પટાવાળા સાક્ષી હોય. એપેલેટ કોર્ટે પુરાવા અંગે શંકા પણ વ્યક્ત કરી હતી, પરંતુ તેમ છતાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી કર્યા બાદ હાઈ કોર્ટના જસ્ટિસ જેસી દોશીએ તારણ કાઢ્યું હતું કે એપેલેટ કોર્ટે પક્ષપાતી વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે ફરિયાદી પક્ષના કેસમાં ગેપ ભરવાના પ્રયાસ માટે એપેલેટ જજની ટીકા કરી હતી.
હાઈ કોર્ટે અવલોકન કર્યું કે “એપેલેટ જજ એક વરિષ્ઠ ન્યાયાધીશ છે અને તેમની પાસેથી એવી અપેક્ષા છે કે તેઓ ફોજદારી ન્યાયશાસ્ત્રના મૂળભૂત નિયમોનું પાલન કરે. ન્યાયને એ હકીકતના આધારે તોલવામાં ન આવે કે એફઆઈઆર JMFC દ્વારા દાખલ કરવામાં આવી છે અને આરોપી કોર્ટના કારકુન કમ ક્યુરેટર છે.”
ગુજરાત હાઈકોર્ટે સૈયદની જેલની સજા રદ કરી. જિલ્લા ન્યાયાધીશની તપાસમાં ગુમ થયેલી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી. એવિડન્સ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને પટાવાળાની જુબાની કરતા ન્યાયાધીશની જુબાનીને બધું મહત્વ આપતા નીચલી અદાલતે ચુકાદો પલટી નાખ્યો હતો.