BMC 10 નવા બાઓબાબ વૃક્ષો રોપશે
મુંબઇઃ મુંબઈની મેટ્રો-2બીના સાંતાક્રુઝ સ્ટેશન માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા સાંતાક્રુઝમાં 300 વર્ષ જૂના બાઓબાબ વૃક્ષને કાપી નાખવામાં આવતા રહેવાસીઓમાં રોષ અને શોકની લાગણી ફેલાઇ હતી અને ભારે હોબાળો થયો હતો. બીએમસીની મેટ્રોના કામ માટે અન્ય પણ ઘણા જૂના વૃક્ષોને કાપી નાખવાની યોજના હતી. પર્યાવરણવિદોએ બીએમસીને પત્ર લખીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
લોકોના વિરોધ બાદ બીએમસી તંત્ર સફાળું જાગ્યું છે અને હવે એમ જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર શહેરમાં 10 બાઓબાબ વૃક્ષો રોપશે. પાર્ક સુપ્રિટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીના જણાવ્યા અનુસાર આ વૃક્ષો પશ્ચિમ વિભાગના વિવિધ પાર્કમાં વાવવામાં આવશે.
સાન્તાક્રુઝ (પશ્ચિમ)માં મેટ્રો 2બીના બાંધકામ અને મલાડ (પશ્ચિમ)માં મલાડ-માર્વે રોડને પહોળો કરવા માટે બાઓબાબ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. BMCના મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીને આ વાતની જાણ થતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત વિભાગને વૃક્ષને બચાવવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે આરેમાં 400 વર્ષ જૂના બાઓબાબના વૃક્ષને બચાવવા માટે કોંક્રીટાઇઝેશન દૂર કરવા માટે પણ નિર્દેશો આપ્યા છે.