દેશની ઘણી ગંભીર સમસ્યાઓ છે, પરંતુ કમનસીબે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ દેશની આ સમસ્યા કે તેના નિકાલ વિશે વાત કરતો નથી. મોંઘવારી, ગરીબી, બેકારી ઉપરાંત પણ દેશ ઘણી સમસ્યાઓથી પીડિત છે. ખાસ કરીને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓનો તો કોઈ ઉલ્લેખ જ હોતો નથી ત્યારે અનેક એવા અહેવાલો આવે છે જે ભવિષ્યમાં ઊભી થનારી કપરી સ્થિતિનો વર્તારો આપી રહ્યા છે. આવા જ એક અહેવાલ વિશે અમે તમને જણાવશું.
ભારત ઘણી વસ્તુઓના ઉત્પાદનમાં આગળ છે, તેવી જ રીતે સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હોવાથી અહીં કચરો પણ સૌથી વધારે ઉત્પન થાય છે. ભારત વિશ્વનો સૌથી મોટો કચરો ઉત્પાદક દેશ છે, જ્યાં દર વર્ષે 300 મિલિયન ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ આપણે તેમાંથી માત્ર 60 ટકા જ નિકાલ કરવામાં સક્ષમ છીએ. બાકીનું અહીં અને ત્યાં પડેલું છે અને પર્યાવરણને અસર કરે છે. આ કચરાના કારણે પાણી, હવા અને સપાટીનું પ્રદૂષણ થઈ રહ્યું છે. દેશમાં 75 ટકાથી વધુ કચરો ખુલ્લામાં ફેંકવામાં આવે છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કચરો પેદા થાય છે. આ મામલે દિલ્હીએ મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોને ખૂબ પાછળ છોડી દીધા છે. આ શહેરોમાં ઈલેક્ટ્રોનિક અને પ્લાસ્ટિક જેવા કચરાને અલગ અને યોગ્ય રીતે રિસાઈકલ કરવાની પૂરતી વ્યવસ્થા નથી. આ શહેરોની કચરાપેટીઓ ભરાઈ ગઈ છે.
હાલમાં વિશ્વમાં દર વર્ષે 201 કરોડ ટનથી વધુ ઘન કચરો પેદા થઈ રહ્યો છે. એવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં ઘન કચરાનું કુલ ઉત્પાદન વધીને 340 કરોડ ટન થઈ શકે છે, જે વિશ્વ માટે મોટી સમસ્યા બની શકે છે. જો કે, પર્યાવરણીય નિષ્ણાતોનો અભિપ્રાય છે કે જો ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો તે નવા વિકસિત ઉદ્યોગ તરીકે ઊભો થઈ શકે તેમ છે અને રોજગારી પૂરી પાડવાની મોટી તક સાબિત થઈ શકે છે.
વર્ષ 2009 માં, ભારતીય શહેરો દરરોજ 80 હજાર મેટ્રિક ટન કચરો ઉત્પન્ન કરતા હતા. એવો અંદાજ છે કે 2047 સુધીમાં, ભારત વર્ષમાં 260 મિલિયન ટન કચરો ઉત્પન્ન કરશે, જેના નિકાલ માટે લગભગ ચૌદ હજાર ચોરસ મીટર લેન્ડફિલ વિસ્તારની જરૂર પડશે. આ વિસ્તાર હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નાઈના સંયુક્ત વિસ્તાર જેટલો હશે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ લેનારાઓને શક્ય તેટલો કચરો લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કરારમાં, કચરો વહન કરતા વાહનોની અવરજવર અનુસાર ફી ચૂકવવામાં આવે છે. તમે જેટલો વધુ કચરો લાવશો, તેટલો વધુ ચાર્જ લેવામાં આવશે. જમીનની કિંમત અને તેની ઉપલબ્ધતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
ઘણા દેશોમાં કચરાના નિકાલ માટેની અગાઉની સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં, લેન્ડફિલ્સમાં કચરો ડમ્પ કરવા માટે ભારે પ્રવેશ ફી વસૂલવામાં આવે છે. 2013 માં, સ્વીડનમાં કચરાના નિકાલનો સરેરાશ દર ટન દીઠ $212 હતો, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં $150 પ્રતિ ટન હતો. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ સર્વેક્ષણ રેન્કિંગ ભારતના શહેરોને સ્વચ્છતાના આધારે આપવામાં આવે છે. ઈન્દોર ઘણા વર્ષોથી રેન્કિંગમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે.
નિષ્ણાતો કહે છે કે ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નિષ્ફળતા પ્રદૂષણમાં વધારો કરે છે. આનાથી પર્યાવરણીય પ્રદૂષણ, વેક્ટર-જન્ય રોગોનો પ્રકોપ, હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન, ભૂગર્ભ જળનું પ્રદૂષણ, પરિવહન દરમિયાન અવાજ અને ઝીણી ધૂળ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વધતી જતી વસ્તી, શહેરીકરણ અને વધતી જતી ટેકનોલોજી ઘન કચરાના પ્રદૂષણના કેટલાક કારણો છે. ઘન કચરા સાથે સંકળાયેલી આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઘન કચરાનું રિસાયક્લિંગ એ શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે કચરાને સૂકા અને ભીના કચરામાં અલગ પાડવો, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવો અને વર્ગીકરણ કર્યા બાદ તેને પ્રોસેસિંગ માટે મોકલવો એ ઘન કચરા વ્યવસ્થાપનના મુખ્ય ઘટકો છે.
કચરાને રોકવા માટે કેન્દ્ર સરકારે 2016માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ લાગુ કર્યા હતા. આ મુજબ, લેન્ડફિલ એરિયાનો ઉપયોગ ફક્ત એવા કચરા માટે કરવામાં આવશે જેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, બાયોડિગ્રેડેબલ નથી, જે જ્વલનશીલ નથી અને રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થતો નથી. મેન્યુઅલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લેન્ડફિલમાંથી કચરાને દૂર કરવા માટે કચરાના પુનઃઉપયોગ અથવા રિસાયકલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. લેન્ડફિલ્સની જરૂરિયાત પર ભાર મૂકવાની જૂની નીતિને દૂર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
જર્મની કચરાના રિસાયક્લિંગના સંદર્ભમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે, જે તેના 56 ટકા કચરાને રિસાયકલ કરે છે. આ પછી ઑસ્ટ્રિયા 53 ટકા, દક્ષિણ કોરિયા 53 ટકા, વેલ્સ 52 ટકા અને સ્વિટ્ઝર્લેન્ડ 49 ટકા રિસાયકલ કરે છે. સ્વીડન, નોર્વે અને સિંગાપોર પણ આ મામલે સારું કામ કરી રહ્યા છે. ભારતમાં પણ રિસાયક્લિંગ ધીમે ધીમે એક ઉદ્યોગનું સ્વરૂપ લઈ રહ્યું છે. અમદાવાદ અને ત્રિવેન્દ્રમ તેમના કુલ કચરાનો મોટો હિસ્સો રિસાયક્લિંગ કરે છે. જો કે, આ ક્ષેત્રને એક મોટો ઉદ્યોગ બનાવવા માટે વધુ સારી ટેકનોલોજી અને નાણાકીય સહાયની જરૂર છે.
વાસ્તવમાં આ કચરો એક ખૂબ જ મોટી તક પણ પૂરી પાડી શકે તેમ છે. કચરાનું રિસાયકલિંગ એ આ સમસ્યાનો હલ છે, જે કચરાનો નિકાલ કરશે સાથે સાથે કમાણી પણ કરાવશે, પરંતુ આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે, તેમ અહેવાલો જણાવે છે.