અફઘાનિસ્તાનમાં પુરનો પ્રકોપ : તબાહીમાં 300 લોકોના મોત – હજારો પરિવાર બેઘર
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં (Afghanistan) પડેલા ભારે વરસાદ પછી અચાનક આવેલા પૂરના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. તબાહીમાં અનેક મકાનોને નુકસાન થવાથી હજારો પરિવારો બેઘર બન્યા છે અને હજારો પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. યુનાઈટેડ નેશન્સ ફૂડ એજન્સીના (United Nations Food Agency) જણાવ્યા અનુસાર પૂરના કારણે લોકોને ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરવો પડ્યો છે. અહેવાલો અનુસાર દેશના ઉત્તરમાં સ્થિત બગલાન પ્રાંતના 10 જિલ્લામાં પૂરથી કુલ 5996 પરિવારો પ્રભાવિત થયા છે. તેમાંથી 3995 પરિવારોના મકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. પૂરમાં 9160 પશુઓના મોત થયા છે, જ્યારે 19070 એકર જમીન ડૂબી ગઈ છે.
યુનિસેફના આંકડા મુજબ મૃતકોમાં ઓછામાં ઓછા 51 બાળકોનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પૂર પીડિતો માટે 7 ટન દવાઓ અને ઈમરજન્સી કીટ મોકલી છે. સેવ ધ ચિલ્ડ્રન નામના હેલ્પિંગ ગ્રુપે જણાવ્યું હતું કે, લગભગ 6 લાખ લોકો બગલાનના પાંચ જિલ્લામાં રહે છે, જે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. તેઓએ બાળકો અને તેમના પરિવારોને મદદ કરવા માટે મોબાઈલ હેલ્થ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમો સાથે “ક્લીનિક ઓન વ્હીલ્સ” રવાના કર્યા છે.
સ્થાનિક અધિકારી હેદાયતુલ્લાહ હમદર્દે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, સેના સહિત કટોકટી કર્મચારીઓ કાદવ અને કાટમાળ હેઠળ પીડિતોની શોધ કરી રહ્યા છે. ઘર ગુમાવનારા પરિવારોને તંબુ, ધાબળા અને ખોરાક આપવામાં આવ્યો હતો. કાબુલને ઉત્તર અફઘાનિસ્તાન સાથે જોડતો મુખ્ય માર્ગ બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે મુશળધાર વરસાદને કારણે બગલાન, તખાર અને બદખ્શાન પ્રાંત તેમજ પશ્ચિમી ઘોર અને હેરાત પ્રાંતમાં ભારે નુકસાન થયું છે.