મહી નદીમાં ન્હાવા પડેલા વડોદરાના 5 યુવાનો ડૂબ્યા, 2 મોતને ભેટ્યા, 3 યુવકોનું રેસ્ક્યૂ
વડોદરા: ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે નર્મદા કેનાલમાં ડૂબકી લગાવવા જતા હોય છે. જો કે તરતા ના આવડે તો આ દુસાહસ જીવલેણ નિવડી શકે છે. જેમ કે વડોદરાના સિંધરોટ નજીક કોટના બીચ પર મહી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે શહેરના 5 મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા, જે પૈકી વડોદરાના તાંદલજાના બે યુવકોનું ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા, જ્યારે અન્ય 3 યુવકોને સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું કોટના ગામ સહેલાણીઓ માટે હોટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. કોટના બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ન્હાવા તેમજ વિવિધ એક્ટિવિટી કરવા માટે આવતા હોય છે. કોટના ગામે મહીસાગર નદીનો કિનારો કોટના બીચ તરીકે ઓળખાય છે, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
વડોદરાના તાંદલજા વિસ્તારના રહેતા બે યુવકો પોતાના 3 મિત્રો સાથે કોટના બીચ પર ફરવા ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા પાંચેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી જૈનુલ પટેલ (ઉં.વ. 20, રહે. ઈબ્રાહીમ પાર્ક, તાંદલજા) અને શોએબ પઠાણ (ઉં.વ. 19, રહે. ઈબ્રાહીમ પાર્ક, તાંદલજા) નદીના વહેણમાં તણાઈ ગયા હતા. જેથી જૈનુલ અને ઈબ્રાહીમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતુ.
આ યુવકો પાણીમાં ડુબતા મિત્રોએ બૂમાબૂમ કરતાં સ્થાનિક તરવૈયાઓએ દોઢ કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યાં હતા. જે બાદ બન્ને મૃતદેહોને સ્થાનિકો દ્વારા 108 મારફતે પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.