Phase 4 Voting: 10 રાજ્યોમાં મતદાન ચાલુ, વેંકૈયા નાયડુ, અલ્લુ અર્જુન, જુનિયર NTR, ચિરજીવીએ કર્યું મતદાન, જાણો કોણે શું કહ્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા હેઠળ આજે દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો માટે મતદાન(Loksabha election voting) ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશની તમામ 25 લોકસભા બેઠકો તેમજ તમામ 175 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લોકોને મતદાન અપીલ કરતા કહ્યું કે “લોકસભા ચૂંટણીના આજે ચોથા તબક્કામાં, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મને ખાતરી છે કે આ મતવિસ્તારના લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે અને યુવા મતદારો તેમજ મહિલા મતદારો મતદાનમાં આ ઉત્સાહને વધુ શક્તિ આપશે. આવો, આપણે સૌ આપણી ફરજ બજાવીએ અને આપણી લોકશાહીને મજબૂત કરીએ!”
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને તેમના પત્ની ઉષા નાયડુ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં મતદાન કર્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે પણ વહેલી સવારે મતદાન કર્યું હતું, તેમણે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે હું મારો મત આપી શક્યો. હું રાજ્યના લોકોને અપીલ કરવા માંગુ છું કે વધુને વધુ મતદાન કરે. ભાજપ જીતશે. રાજ્યમાં અમને 29 બેઠકો મળવાની છે.
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે હૈદરાબાદના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેણે કહ્યું કે “તમારો મત જરૂર આપો, આપણા માટે આજે ખૂબ જ જવાબદારીભર્યો દિવસ છે. હું જાણું છું કે ગરમી વધુ છે પરંતુ ચાલો તે થોડો પ્રયાસ કરીએ કારણ કે આજનો દિવસ દેશના આગામી પાંચ વર્ષ માટે સૌથી મહત્વપૂર્ણ છે.”
ફિલ્મ સ્ટાર ચિરંજીવી કોનિડેલા તેમના પરિવાર સાથે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં મતદાન કરવા પહોંચ્યા હતા.
જુનિયર એનટીઆરએ મતદાન કર્યા બાદ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે આ એક સારો સંદેશ છે જે આપણે ભાવિ પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે.
હૈદરાબાદથી AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસી પોતાનો મત આપવા માટે હૈદરાબાદના એક મતદાન મથક પર પહોંચ્યા હતા. દારાબાદથી AIMIMના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દરેક ચૂંટણી 5 વર્ષ પહેલા જેવી હતી તેવી ન હોઈ શકે. પડકારો અલગ છે, મુદ્દાઓ અલગ છે. આપણા દેશની આ ખૂબ જ મહત્વપૂર્ણ, ઐતિહાસિક સંસદીય ચૂંટણી છે.
કાનપુરમાં પોતાનો મત આપ્યા પછી CPI(M) નેતા સુભાષિની અલીએ કહ્યું કે દરેક મત જરૂરી છે અને પરિવર્તનનો પવન ફૂંકાતો રહેશે. હું લોકોને અપીલ કરીશ કે તેઓ મતદાન કરતા પહેલા વિચાર કરે અને લાગણીઓના આધારે નહીં પણ હકીકતના આધારે મતદાન કરે.
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ મતદ્દન બાદ કહ્યું કે મત આપવો અને ઉજ્જવળ ભવિષ્યની માંગ કરવી એ આપની જવાબદારી છે. રાજ્યમાં 100% ટીડીપી સત્તા પર આવશે.
ચોથા તબક્કાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (કનૌજ), કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ (બેગુસરાય), નિત્યાનંદ રાય (ઉજિયારપુર), અધીર રંજન ચૌધરી (બહેરામપુર), પંકજા મુંડે (બીડ), AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાય એસ શર્મિલા (કુડ્ડાપહ) આંધ્ર પ્રદેશમાં ચૂંટણી મેદાનમાં છે.
ચોથા તબક્કામાં તેલંગાણામાંથી 17, આંધ્રપ્રદેશમાંથી 25, ઉત્તર પ્રદેશમાંથી 13, બિહારમાંથી પાંચ, ઝારખંડમાંથી ચાર, મધ્યપ્રદેશમાંથી આઠ, મહારાષ્ટ્રમાંથી 11, ઓડિશામાંથી ચાર, પશ્ચિમ બંગાળમાંથી આઠ અને શ્રીનગર લોકસભા સીટમાંથી 17 બેઠકો પર મતદાન થયું છે.