દેહરાદુન: ઉત્તરાખંડની ચારધામ યાત્રા (Chardham Yatra) શરૂ થતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓનો ધસારો થતા તંત્રને ચેતવણી જાહેર કરવાની ફરજ પડી હતી. 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ ત્યારથી 72 કલાકમાં ચાર લોકોના હૃદય સંબંધિત સમસ્યાને કારણે મોત થયા છે. અધિકારીઓએ સલાહ આપી છે કે હૃદય અને શ્વસનતંત્રને લગતી સમસ્યા ધરાવતા શ્રદ્ધાળુઓ યાત્રા ટાળવી જોઈએ.
અહેવાલ મુજબ ગઈ કાલે રવિવારે ગુજરાતની 75 વર્ષની લક્ષ્મી દેવીએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ તેને પહેલાથી ગંભીર બીમારીઓ અને શ્વાસની તકલીફ હતી. બદ્રીનાથના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે, “મહિલાને હોટલમાંથી મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.”
શનિવારે મધ્યપ્રદેશના 62 વર્ષીય સંપતિ બાઈનું યમુનોત્રીમાં હૃદયની તકલીફને કારણે અવસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે તે મંદિરથી થોડાક કિલોમીટર દૂર જાનકીચટ્ટી ગામ પાસે બેભાન થઈ ગઈ હતી. તેના પરિવારજનો તેને આરોગ્ય કેન્દ્ર લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
આ પહેલા શુક્રવારે હ્રદય બંધ થવાને કારણે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મૃતકોમાં યુપીના વિમલા દેવી (69) અને એમપીના રામગોપાલ (71)નો સમાવેશ થાય છે. ઉત્તરકાશીના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ તમામ યાત્રાળુઓના મૃત્યુ હૃદયની તકલીફને કારણે થયા છે.
હવામાન વિભાગે ઉત્તરાખંના ઘણા જિલ્લાઓમાં 13 મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં પહેલા યેલો અલર્ટ આપ્યા બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે રાજ્યમાં 11 મેથી 13 મે સુધી વરસાદ પડશે. 13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
ચાર ધામમાં આવતા યાત્રિકોને વરસાદ દરમિયાન મુસાફરી ન કરવાની અને વરસાદ બંધ થાય ત્યારે જ યાત્રા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તરાખંડ પોલીસે યાત્રિકોને યમનોત્રી ધામની યાત્રા હાલ પુરતી મુલતવી રાખવાની અપીલ કરી છે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ તેમની ક્ષમતા મુજબ યુમનોત્રી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં જે ભક્તો આવવાના છે તેઓએ હાલ માટે યાત્રા મોકૂફ રાખવી જોઈએ.
ઉત્તરાખંડમાં દર વર્ષે ચાર ધામ યાત્રા થાય છે જેમાં બદ્રીનાથ ધામની સાથે યાત્રાળુઓ ગંગોત્રી ધામ, યમુનોત્રી ધામ અને કેદારનાથ ધામની મુલાકાતે આવે છે. શુક્રવારે અક્ષય તૃતીયાના દિવસે કેદારનાથ અને યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેની સાથે આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ગંગોત્રી, યુમનોત્રી, કેદારનાથ અને બદ્રીનામ એવા ધાર્મિક સ્થળો છે જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ઉમટી પડે છે.