ભાજપે હવે બ્રિજભૂષણ સામે પગલાં લેવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ભારતીય કુશ્તી ફેડરેશનના (ઠઋઈં)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આપણી કુશ્તીબાજ દીકરીઓના જાતીય શોષણના કેસમાં અંતે આરોપો ઘડાઈ ગયા પણ ભાજપ આ મુદ્દે ચૂપ છે. ઓલિમ્પિક્સમાં કુશ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટ સહિતની છોકરીઓએ સિંહ સામે જાતીય શોષણ કરવાના આક્ષેપ મૂક્યા ત્યારે પણ ભાજપના નેતા ચૂપ હતા. બલકે કેટલાક હલકા તો બ્રિજભૂષણની દલાલી કરવા કૂદી પડેલા.
હવે મહિલા કુશ્તીબાજોના જાતીય શોષણના કેસમાં દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટે કહી દીધું કે, બ્રિજભૂષણ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે ત્યારે પણ ભાજપના નેતા ચૂપ છે. દિલ્હી પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ ૧૫ જૂને ચાર્જશીટ દાખલ કરી હતી ને તેને કોર્ટે માન્ય રાખી છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય શોષણ કરવા ઉપરાંત મહિલાની ગરિમાનું અપમાન કરવાનો આરોપ મૂકવા માટે પૂરતા પુરાવા હોવાનો પણ સ્વીકારીને ચાર્જશીટને મંજૂરી આપી છે. કોર્ટે બ્રિજભૂષણ જેના કર્તાહર્તા હતા એ રેસલિંગ એસોસિએશનના સેક્રેટરી વિનોદ તોમર સામે પણ આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીની કોર્ટે બ્રિજભૂષણ સામે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી તેના પર હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ કરવા બદલ કલમ ૩૫૪ હેઠળ ઘડાયેલા આરોપોને મંજૂરી આપી છે. કલમ ૩૫૪-અ હેઠળ જાતીય સતામણી અને કલમ ૫૦૬ હેઠળ ગુનાહિત ધાકધમકી આપવાના આરોપો મૂકવામાં આવ્યા છે.
બ્રિજભૂષણ શરણ સિંહ એક સાંસદ છે ને એક સાંસદ સામે આ પ્રકારના આરોપો મૂકવા માટે પૂરતા પુરાવા છે એવું કોર્ટને લાગે એ મોટી વાત કહેવાય પણ ભાજપ અને ભાજપના દલાલોને તેમાં કશું ખોટું લાગતું નથી. એ બધાં મોંમાં મગ ઓરીને બેઠા છે. વધારે આઘાત એ જોઈને લાગે કે, સાવ નાની નાની વાતમાં જેમને ભારતીય સંસ્કૃતિ સામે ખતરો લાગવા માંડે છે એવા હિંદુત્વના ઠેકેદારો ચૂપ છે. બ્રિજભૂષણે જેમની સાથે બદતમીઝી કરી એ બધી હિંદુઓની જ દીકરી છે પણ સામે ભાજપનો નેતા છે એટલે તેમની બધી મર્દાનગી હવા થઈ ગઈ છે.
હમણાં કોઈ મુસ્લિમ યુવક કોઈ હિંદુ યુવતીને ભગાડી ગયો હોય તો લવ જિહાદના નામે આ બધા કૂદી પડે ને હિંદુત્વ ખતરામાં હોય એનો દેકારો કરી મૂકે. અહીં એક ખરાબ માણસ પોતાની દીકરીથી પણ નાની ઉંમરની હિંદુ છોકરીઓની ઈજ્જત પર હાથ નાંખીને બેઠો છે ને તેની સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે એવું કોર્ટે કહી દીધું પછી પણ બધા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે. ભાજપની મહિલાઓ તો ક્યાં ખોવાઈ ગઈ એ જ ખબર પડતી નથી. બ્રિજભૂષણ તેમનો બાપ હોય ને તેની સામે બોલવાથી પોતાની આબરૂ જતી રહેવાની હોય એમ એક હરફ સુધ્ધાં કોઈ બોલતું નથી. માનસિક નપુંસકતાની પરાકાષ્ઠા ભાજપની નેતાગીરી બતાવી રહી છે, હિંદુવાદીઓ પણ બતાવી રહ્યા છે.
જો કે આ નવી વાત નથી કેમ કે બ્રિજભૂષણ શરણ સિંહના મામલે પહેલેથી આ માનસિક નપુંસકતાનું પ્રદર્શન થઈ જ રહ્યું છે. બ્રિજભૂષણ સામે સાત મહિલા કુશ્તીબાજોએ જાતીય શોષણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી પણ કોઈ કાર્યવાહી ના થઈ. જે સાત યુવતીઓએ ફરિયાદ નોંધાવી તેમાંથી એક તો સગીર છોકરી હતી, તેની જાતીય સતામણી માટે પોક્સો જેવો ગંભીર ગુનો લાગુ પડે છતાં કશું થયું નહીં. આ છોકરીઓની ફરિયાદ સાંભળવા સુધ્ધાં કોઈ તૈયાર નહોતું. ભાજપની એક મહિલા સાંસદ આ છોકરીઓને મળવા નથી ગઈ કે, બેટા તમારી સાથે શું થયું એવું પૂછીને તેમને સધિયારો આપવા નહોતી ગઈ.
સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતની છોકરીઓએ ગયા વરસના જાન્યુઆરીમાં સિંહ સામે જાતીય શોષણ કરવાના આક્ષેપ કરીને ધરણાં શરૂ કરેલાં ને ત્યારથી કોઈ આ છોકરીઓની પડખે ઊભું રહ્યું નથી. ધરણાં શરૂ થયાં એ વખતે નરેન્દ્ર મોદી સરકારે આપણી કુશ્તીબાજ દીકરીઓને ન્યાય અપાવવાની ખાતરી આપીને શાંત પાડી હતી. મોદી સરકારે તપાસ સમિતિ પણ રચેલી ને જેમ તેમ કરીને મામલો શાંત પાડી દીધેલો.
કેન્દ્ર સરકારને એમ હતું કે, તપાસ સમિતિનું ગાજર લટકાવીને બધાંને ચૂપ કરી દઈશું પણ એવું ના થયું. સરકારે બનાવેલી સમિતિએ કુલડીમાં ગોળ ભાંગીને સિંહ સામેના આક્ષેપોમાં અષ્ટમપષ્ટમ કરીને કોઈ પગલાં ના લેતાં સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતની છોકરીઓ ફરી મેદાનમાં આવી હતી. બજરંગ પુનિયા સહિતના ઘણા બધા કુસ્તીબાજો તેમના સમર્થનમાં મેદાનમાં આવ્યા હતા અને દિલ્હીના જંતર-મંતર પર ફરી ધરણાં શરૂ કરીને એલાન-એ-જંગ કરી દીધેલો. એપ્રિલ ૨૦૨૩માં કુસ્તીબાજોએ ફરી વિરોધ કર્યો પછી પણ સરકારને કશી પડીજ નહોતી. એ તો કુસ્તીબાજ ફરિયાદ નોંધાવવા કોર્ટ પહોંચ્યા હતા પછી દિલ્હી પોલીસે કોર્ટના આદેશથી એફઆઈઆર નોંધી હતી. બાકી દિલ્હી પોલીસ પણ બ્રિજભૂષણની દલાલી જ કરતી હતી. હજુ પણ એ માનસિકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે એ જોઈને આઘાત લાગે છે.
બ્રિજભૂષણની ઘટના એ વાતનો પુરાવો છે કે, ભાજપના નેતાઓ માટે છોકરીઓની ઈજ્જત મહત્ત્વની છે જ નહીં. એ લોકો માટ તો રાજકીય ફાયદો મહત્ત્વનો છે. રાજકીય ફાયદો થતો હોય તો સામાન્ય હિંદુ છોકરીના મુસ્લિમ પ્રકરણને પણ લવ જિહાદમાં ખપાવીને એ લોકો આખા ગામને માથે લે ને રાજકીય ફાયદો ના થતો હોય તો મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવાની તેમના પર ગેંગ રેપ કરનારાં સામે પણ કંઈ ના બોલે, મહિલાઓને ટોળાને સોંપી દેનારા પોલીસોને પણ કંઈ ના કરે, પ્રજ્વલ રેવન્નાના સેક્સકાંડ સામે પણ ચુપકીદી સાધીને બેસી જાય ને બ્રિજભૂષણ જેવા લંપટને પણ પડખામાં રાખીને બેશરમ બનીને બેસી રહે. આ જ કદાચ ભાજપના સ્ત્રી સન્માનની વ્યાખ્યા છે.
બ્રિજભૂષણ શરણ કેસમાં શું થશે એ ખબર નથી પણ આ દેશની દીકરીઓ અને તેમના પરિવારો માટે આ ઘટના બોધપાઠ છે. તમારે તમારી ઈજ્જતની રક્ષા જાતે જ કરવી પડશે. કોઈ તમારું મંગળસૂત્ર છિનવી લેશે એવો ડર બતાવનારા બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાતી હશે તો પણ હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારે.