ધર્મતેજ

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં અનિશ્ચિતતા

મનન -હેમંત વાળા

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ એક પ્રકારની અનિશ્ર્ચિતતા પ્રવર્તતી હોય તેમ જણાય છે. જે બાબત નિશ્ર્ચિત પૂર્વક કહેવાતી હોય તેમાં શ્રદ્ધા ભાગ ભજવી જાય. સંપૂર્ણ સત્ય કદાચ કોઈ જાણી શક્યું નથી, અને જે જાણે છે તેમને ક્યારેય તે સત્ય પ્રગટ કરવાની જરૂર નથી જણાઈ. ઋગ્વેદમાં પણ “વેદ યદી વા ન વેદ દ્વારા પૂર્ણ જાણકારીની સંભાવના માટે શંકા ઊભી કરાઈ છે. સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ તે માટે મતમતાંતરો પ્રવર્તે છે. મહદ્ અંશે શ્રદ્ધાપૂર્વક એમ માનવામાં આવે છે કે કોઈક પરમ તત્ત્વ દ્વારા તેની શરૂઆત થઈ હશે. કારણ કે એમ માન્ય વગર ચિંતન આગળ વધી શકે તેમ જ નથી.

એક સિદ્ધાંત પ્રમાણે ભૌતિક તત્ત્વ થકી જ ભૌતિક ઘટના આકાર લઈ શકે. પણ આ સિદ્ધાંતમાં પ્રશ્ર્ન એ ઊભો થાય કે સૌથી પહેલું ભૌતિક તત્ત્વ કઈ રીતે અસ્તિત્ત્વમાં આવ્યું હશે. આ વિચારધારા સ્વીકારવામાં આવે તો પછી એ સ્થાપિત થાય કે કોઈક ભૌતિક તત્ત્વ પણ સનાતન છે. અર્થાત્ “તત સત ની સાથે “તત કણ પણ શાશ્ર્વત છે.

જો આની સાથે સહમત થવા મન કે બુદ્ધિ તૈયાર ન હોય તો એમ માનવું પડે કે “તત સત અર્થાત્ તે ઈશ્ર્વરની ધારણા થકી, તે પરમ ચૈતન્યના ભાવ થકી પ્રથમ ભૌતિક તત્ત્વ સર્જાયું હશે. આ સિદ્ધાંતને શ્રદ્ધાપૂર્વક મોટાભાગના શાસ્ત્ર સ્વીકારે છે. પણ આ જ સિદ્ધાંત સર્વથા સાચો હોવાની સંભાવના માટે તે જ શ્રદ્ધાળુઓના મનમાં ક્યાંક પ્રશ્ર્નો હોવાની શક્યતા છે. આવી શ્રદ્ધા માટે કોઈ પુસ્તકનો – શાસ્ત્રનો સહારો લેવાય છે. આ પુસ્તકમાં કહેવાયેલી બાબતો “તે ઈશ્ર્વર દ્વારા નક્કી કરાઈ છે એમ માની પ્રશ્ર્ન પૂછતો નથી. આ તો એવી વાત થઈ કે જેનો આધાર લેવામાં આવે છે તે સ્વયં માન્યતાને આધારિત છે.

સમગ્ર સમજ શ્રદ્ધા પર આધારિત છે. જેની જે પ્રકારની રૂચિ હોય તે માન્યતાને આધારે તે સમગ્ર સમજ ઘડી કાઢે છે. નાનપણથી જે બીજ રોપવામાં આવ્યા હોય અને પરિસ્થિતિની એ બીજ ઉપર જે પ્રકારની અસર થઈ હોય તે પ્રમાણે વ્યક્તિ ચોક્કસ બાબતને માનવા તૈયાર થઈ જાય છે.

એમ લાગે છે કે ત્યાં સુધી પહોંચીને સત્યને જાણવાની કોઈની ક્ષમતા નથી. જે સંત-મહાત્માઓએ, જે જ્ઞાની ઋષિમુનિઓએ ક્ષમતા કેળવી પણ હશે તેમને કાં તો આગળ જાણવામાં રસ નહીં રહ્યો હોય અથવા તો તે સ્થિતિમાં પણ તે જાણવા માટે હજી પૂરેપૂરી ક્ષમતા સ્થાપિત નહીં થઈ હોય અથવા તે જાણ્યા પછી પણ તે જાણવાની વ્યર્થતા સમજાઈ જતા આગળ તે વાત જણાવવાની જરૂર નહીં જણાઈ હોય.

આ તો ઉચ્ચ કક્ષાના માનવીઓની વાત થઈ. પરંતુ જે પ્રારંભિક તત્ત્વ છે તેને પૂર્ણ સત્ય અને સમગ્ર સંભાવનાની જાણ હશે કે કેમ તે બાબતનું આ વિધાન છે. ઋગ્વેદના આ વિધાનમાં એમ જણાવવામાં આવ્યું છે કે “તે પણ કદાચ જાણતો હશે કે નહીં જાણતો હોય. આ “તે એટલે શાશ્ર્વત પરમ તત્ત્વ કે ચોક્કસ કાર્યક્ષેત્ર માટે નિર્ધારિત થયેલા દેવતા કે સાત્ત્વિક ધારણાને આધારે અનુમાનિત કરાયેલ કોઈ આધારગત વ્યવસ્થા. જો “તે પણ સંપૂર્ણતામાં અનિશ્ર્ચિતતામાં રહે તો સામાન્ય માનવીનું ગજું શું. અહીં સંભાવના એ છે કે તે પરમને ચોક્કસ પ્રકારના ઊંડાણમાં જાણવાની અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવવાની જરૂરિયાત જ ન હોય. તેમનો વ્યાપ ઉત્તરોત્તર બદલાયા કરતો હોય અને તેમની પ્રકૃતિ માટે કોઈ એક ચોક્કસ વ્યવસ્થા નિર્ધારિત ન થઈ હોય. પૂર્ણતામાં જાણવાનો પ્રયત્ન ન કરવો એ તેમની ક્ષમતાનો અભાવ નહીં પણ જે તે પ્રકારની વૃત્તિના અભાવ સમાન હોઈ શકે.

અહીં સ્થાપિત એ કરવામાં આવે છે કે ત્યાં સુધી બુદ્ધિને લાંબી કરવાની જરૂર જ નથી. જ્યાં આજુબાજુની પરિસ્થિતિ પર જ નજર ન જતી હોય ત્યાં હજારો કિલોમીટર દૂર રહેલી વ્યવસ્થા જોવાથી અર્થ સરતો નથી. પહેલા વર્તમાનને સમજવાની જરૂર છે. પહેલા અત્યારની સ્થિતિને કાર્ય-કારણના સંબંધ સાથે જ સમજવાની જરૂર છે. અત્યારે અત્યારના નિમિત્ત કર્મને યોગ્ય ન્યાય આપવાની જરૂર છે. જીવનના અત્યારના પ્રશ્ર્નોનું નિરાકરણ પહેલા થવું જોઈએ.

એનો અર્થ એ નહીં કે ભવિષ્ય માટેનું આયોજન ન હોવું જોઈએ. ભવિષ્યમાં માત્ર આવતીકાલ ન આવે, આવતા અનેક જન્મો પણ આવે. એ માટે પણ વિચારણા તેમજ કાર્ય કરવા જરૂરી છે. પણ તે વર્તમાનની સ્થિતિના ભોગે ન હોઈ શકે. આજની તંદુરસ્તી સચવાઈ જાય પછી જ કાલ માટેના પ્રયત્નો શરૂ કરવા જોઈએ. બૌદ્ધિક પ્રક્રિયા પણ વર્તમાન પર વધુ કેન્દ્રિત રહેવી જોઈએ.

તત્ત્વજ્ઞાનનું ખેડાણ પણ પરિસ્થિતિ મુજબનું હોવું જોઈએ. સૃષ્ટિના મૂળને સમજ્યા વગર પણ તેમાંથી મુક્ત થવા માટેના સાધનો વ્યવસ્થિત રીતે સ્થાપિત થયેલા છે. આ સાધનોના ઉપયોગને પ્રાથમિકતા અપાવવી જોઈએ. આમ પણ પરિસ્થિતિની બહાર જઈને જ પરિસ્થિતિ વ્યવસ્થિત રીતે સમજી શકાય. સૃષ્ટિની રચના સમજવા માટે સૃષ્ટિની બહાર જવું જરૂરી છે. આ માટે જે સાધનો સ્થાપિત થયેલા છે તેની સાથે સંમિલિત થવું પડે. એમ પણ બની શકે કે સૃષ્ટિની બહાર નીકળ્યા પછી સૃષ્ટિ વિશે કોઈ રસ જ બાકી ન રહે.

વળી,”તે પરમ તત્ત્વને બધી જ બાબતો વિશે જાણકારી છે કે નહીં તે જાણવાની પણ જરૂર નથી. તે પરમ તત્ત્વની સ્થિતિ, ઉત્પત્તિ, તેમના કાર્ય, તે કાર્ય પાછળના હેતુ, તેમનું ભાવાત્મક અસ્તિત્ત્વ કે તેમની સંભવિત મર્યાદા બાબતે દેહધારીને ચિંતિત રહેવાની જરૂર નથી. દેહધારીએ કર્મોનો હિસાબ પૂરો કરી નવા સમીકરણો ના ઉદ્ભવે તે રીતે સત્યનો આશરો લઈ સૃષ્ટિની શૃંખલાની – સૃષ્ટિના ચક્રની બહાર નીકળી જવાની જરૂર છે. પછી બધું આપમેળે સમજાતું જશે – જો સમજવાની જરૂર જણાશે તો.

શ્રદ્ધા અને માન્યતાનું પોતાનું મહત્ત્વ છે પણ તે વાસ્તવિકતા સમજવા માટે તે બાધારૂપ ન બનવા જોઈએ. શ્રદ્ધા જાળવી રાખવા માટે કોઈક આધાર જરૂરી હોય તો તેની સ્થાપના જરૂરી છે. કદાચ આ આધાર પાછળ પણ શ્રદ્ધા જ ભાગ ભજવતી હોય, તો પણ કંઈ વાંધો નથી. દેહધારી માટે અવલંબન જરૂરી છે. આ અવલંબનમાં ક્યાંય આંતરિક વિરોધ ન હોવો જોઈએ. વળી નાની નાની ધારણાથી પણ જો શ્રદ્ધા ટકી જતી હોય, અને તેનાથી જો માર્ગ પ્રશસ્ત થતો હોય તો તેનાથી રૂડું બીજું કશું જ નહીં.

બૌદ્ધિકતાના વમળમાં ફસાયા વગર
શ્રદ્ધાનો આશરો દેહધારી માટે વધારે અગત્યનો જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button