વિદ્યાગુરુ
ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા
મેલના-ટૂ-ટાયર ડબ્બાની કેબિનમાં મારી સામેની સીટમાં કાળી ભમ્મર દાઢીવાળા એક ભાઈ કોઈ ઉર્દૂ છાપું વાચવામાં દત્તચિત્ત હતા. તેમની બાજુમાં કોઈ પારસી બાનુ હતાં, અને કેબિનની ચોથી સીટ ખાલી હતી. કદાચ રાજકોટ કે અમદાવાદથી કોઈ ચડવાનું હોય.
દારૂડિયાની જેમ એક લથડિયું ખાઈને મેલ ચાલ્યો. બારીના કાચમાં ભૂત જેવાં પ્રતિબિંબ દેખાતાં હતાં, અને બારીની આરપાર તડકામાં મકાનો, ખેતરો, વૃક્ષો, મેદાનો, નદી ને ટેકરા કબડ્ડી રમતાં રમતાં ઘડીક પાસે આવી હૂતૂતૂતૂ કરતાં હતાં તો ઘડીક છેટાં જઈ તમને પકડીને પછાડવાની રાહ જોતાં હતાં. હાપા, વંથળી, પડધરી એક પછી એક સ્ટેશનો પસાર થઈ રહ્યાં હતાં. રાજકોટ પણ ગયું અને જ્યારે શ્ર્વાસ ખાવા મેલ વાંકાનર થોભ્યો ત્યારે સાંજ ઊતરી રહી હતી.
અચાનક વાતચીતનો અવાજ સાંભળીને હું ચમક્યો. કફની, લેંઘો, જાકીટ ને સફેદ મૂછોવાળા એક બુઝુર્ગ મારી સીટની નીચે એક બેગ સરકાવતા હતા અને એમને મૂકવા આવેલા ભાઈને કહેતા હતા કે ‘અમદાવાદ પહોંચીને એક મિસ કોલ મારીશ, ઓક્કે?’
પેલા ભાઈએ હા પાડી, ને પછી તે બુઝુર્ગને પગે લાગ્યો. પછી ચાવાળો ડબ્બાના બારણેથી ચાઈઈઈ, ચાઈઈઈઈ કરવા લાગ્યો તો પેલા ભાઈએ ઈશારાથી પૂછ્યું, ચા પીશો. બુઝુર્ગ ના પાડી ને મેલ ફરી પેલું લથડિયું ખાધું, ને મૂકવા આવેલો ભાઈ ઊતરી ગયો.
‘અમદાવાદ જાઓ છો, એમને ?’ મેં બુઝુર્ગને પૂછ્યું.
‘સરસપુર. તમે?’
‘મુંબઈ. મારું નામ નરોત્તમ ટેલર.’
‘હું હરગોવિંદ કાટબામણા. મુંબઈ રહો છો?’
‘ના જી. હું તો લંડનથી આવું છું. મુંબઈ જાઉં છું ફરવા. તમે ક્યાં અમદાવાદ રહો છો?’
‘ના. વાંકાનેરમાં આપણું ઘર છે. સર્વિસ છે. સરસપુરમાં ભાણીનું સીમંત છે; મોઢું બતાવવું પડેને! પરમદી પાછા વાંકાનેર.’
‘વતન વાંકાનેર?’
‘મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા. પણ આપણે તો પેટ લઈ જાય ન્યાં જાવું પડે.’
કહીને વડીલે પોતાના વધેલા પેટ ઉપર આંગળીઓ થપથપાવી ‘ને તમે?’
‘મને તો પેટે બહુ ઠેકાણે ફેરવ્યો છે,’ મેં હસીને મારા પેટ પર આંગળીઓ થપથપાવી.
‘મૂળ જામનગરનો, પણ આફ્રિકામાં મ્વાંઝા, મુસોમા, ટબોરા ને બ્રિટનમાં લંડન, લેસ્ટર, માન્ચેસ્ટર એમ બહુ રખડ્યો છું.’
‘ઓહોહો, આફ્રિકા?’
‘હા જી, કાકા! આફ્રિકામાં હું મ્વાંઝા ગામની ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં ભણ્યો છું, મ્વાંઝામાંતો અમારે વાંકાનેરના એક સર પણ હતા! મારા તો પૂજનીય વિદ્યાગુરુ!’
‘ઓહો? વાંકાનેરના? શું નામે?’
‘નામે મોહનલાલ સર. આખું નામ તો યાદ નથી. મોહનસર કહેતા અમે એમને.’
‘થોડો સમય વાત બંધ રહી. રેલવેનો કોઈ કર્મચારી ઓઢવા-પાથરવાનું આપી ગયો. પેલાં પારસી બાનું વિરમગામ ઊતરી ગયાં. ઉર્દૂ છાપું વાંચતા સજ્જન ઉપરની પાટલીએ ચડી તેમના ટિફિનમાંથી વાનગીઓ કાઢી જમવા બેઠા. મારે એકટાણું હતું તેથી મેં ફક્ત પાણીની બોટલ લીધી. કાકાએ વડાપાંઉ લીધા, ને પછી અમે બન્નેએ ચા લીધી.’
‘બે જણ આફ્રિકે ગયેલા ભણાવવા. વાંકાનેરમાંથી.’ કાકાએ જાણે વાત અટકી જ નથી એમ વાત ફરી ચાલુ કરી. ‘મોહનલાલ સોમાણી ને જયંતભાઈ મશરુ. જયંતભાઈ મલાવી ગયેલા, ને ન્યાં તો સાંભળ્યું કે મોટા કવિ બની ગયા. હજી કવિતાઉં છપાવે છે, જાણમાં.’
‘અરે? હા, હા? મોહનલાલ સોમાણી! કરેક્ટ! તમે તેમને ઓળખો?’
‘ઈ આફ્રિકે ગયા તેની પહેલાં રાજકોટમાં રાજકુમાર કોલેજમાં ભણાવતા હતા. ભારે વિદ્વાન માસ્તર હતા, ને ભલા મનેખે હતા.’
‘હતા એટલે?… હવે નથી?’
કાકા કાંઈ બોલ્યા નહીં.
મ્વાંઝામાં દસમા ધોરણમાં મોહનસર અમારા કલાસટીચર હતા, ખાસા લાંબા, મજબૂત બાંધાના, પાનના શોખીન, રાજ કપૂર સ્ટાઈલ કટ મૂછો. વાળ પણ એવા જ! કોટપાટલૂન, નેકટાઈ… ભારે વટ પડે મોહનસરનો. ઈતિહાસ એમનો ફેવરિટ વિષય. મરાઠાકાળનો ઈતિહાસ ભણાવતી વખતે બરાબર ખીલે. શિવાજી મહારાજની શૂરવીરતાનું ચરિત્રાંકન એવા જુસ્સાથી કરે કે અમારી નસોમાં રાતી બંબોળ ભવાની ફરી વળે! ફિઝિક્સમાં કોઈ પદાર્થના ગુણધર્મની વાત કરતાં વર્ગના કોઈ છોકરા સાથે સરખાવે, ને હાસ્યનું મોજું ફરી વળે. કોઈ પણ વિષય ઉપર વાત કરે ત્યારે અમારા કિશોર મનને મદારીની જેમ ડોલાવે ને બીજા શિક્ષકો પણ એમની વિદ્વત્તાને સન્માનથી જુએ. ડિસિપ્લિનમાં સખત કડક ને તોયે વિદ્યાર્થીઓમાં તેઓ સખત લોકપ્રિય.
અમારી શાળા ૧૯૨૩માં સ્થપાયેલી. મેનેજમેન્ટ દેશમાંથી તાલીમપ્રાપ્ત શિક્ષકોને પાંચ પાંચ વરસના કરારથી બોલાવતું. વેકેશનમાં બીજા શિક્ષકો દેશમાં જતા પણ મોહનસર કેન્યા કે યુગાન્ડા કે એમ નજીક જ કશેક જઈને વેકેશન વિતાવતા. અમને નવાઈ લાગતી કે એમને દેશમાં ફેમિલી નહીં હોય? પણ પૂછવાની હિંમત કોઈ કરે નહીં. દસ વરસથી મ્વાંઝામાં હતા પણ એમની અંગત જિંદગીની કોઈને ખબર નહોતી.
બાજુના વર્ગમાં દુર્ગાબહેન પંચોલી ભણાવે. કોઈ વાર વરંડામાં બંને સાથે થઈ જાય તો સહેજ હસે, કોઈ વાર વરંડામાં ઊભાં ઊભાં વાતો કરે. સાચુંખોટું રામ જાણે પણ એ બંનેને આડો સંબંધ છે એવી વાત ઊડેલી. અચાનક દુર્ગાબહેન ઈન્ડિયા ચાલ્યાં ગયાં. કોઈકે કહ્યું કે દુર્ગાબહેને મોહનસરની ઉપર બળાત્કારનો આરોપ મૂકેલો! અને હેડમાસ્તરે મોહનસરને સસ્પેન્ડ કર્યા એટલે અમે વિદ્યાર્થીઓ વીફર્યા. ક્લાસમાંથી બહાર નીકળી શોરબકોર મચાવી દીધો. આવી ગેરઈન્સાફીના વિરોધમાં બીજા વર્ગોના છોકરાઓ પણ બહાર નીકળી આવ્યા. તે જોઈ શિક્ષકો પણ બહાર નીકળી આવ્યા. હેડમસ્તાર હાંફળાફાંફળા થઈ ગયા. તરત જ પગાઝી (પટાવાળા)ને મોકલીને મોહનસરને પાછા બોલાવ્યા.
પણ તે પછી મોહનસર પહેલાં જેવા મોહનસર નહોતા રહ્યા. બધું પહેલાંની જેમ જ હતું. પણ એમની ફુવારાની જેમ ઊડતી ચુંબકીય દિલદારી ચાલી ગયેલી. યંત્રવત્ ભણાવતા. કામ સાથે કામ, બાકી પોતાના ઘરમાં બેસીને મોહનસર દિવસો વિતાવતા હતા. થોડો સમય તેમ ચાલ્યું. અમે વિદ્યાર્થીઓ ભોંઠા પડી ગયા કે સરને આ શું થઈ ગયું ને હવે શું કરવું.
અને અચાનક મોહનસર રાજીનામું આપી દેશમાં વાંકાનેર ચાલી ગયા.
‘કેમ મૂંગા થઈ ગયા, કાકા?’ મેં પૂછ્યું. ‘હવે મોહનસર ભલા મનેખ નથી રહ્યા?’
‘હવે ઈ વાત કરવામાં માલ નથી, નરોત્તમભાઈ!’
‘કાકા, અરે વાત તો કરો? મોહનસર હજી વાંકાનેરમાં છે? સરનામું મળે?’
‘તમારા મોહનસર તો મોટા ગામતરે સિધાવી ગ્યા.’
‘મોટા ગામતરે સિધાવી ગયા? એટલે?’
‘ભાઈ સરનામું ક્યાંથી આપું? હયાત હોય તો આપુંને? ઘરકંકાસથી કંટાળીને મોહનલાલે રેલવેના પાટા ઉપર સૂઈને આત્મહત્યા કરી. વીસ વરસ થઈ ગ્યાં.’
કાકાની વાતથી જાણે મારા બદન ઉપરથી ટ્રેન પસાર થઈ હોય તેમ હું સુન્ન થઈ ગયો. ધીમે ધીમે મારા મનમાં ઉજાસ થવા માંડ્યો: ઘરકંકાસથી કંટાળીને જ મોહનસર રાજકુમાર કોલેજની દમામદાર નોકરી છોડીને મ્વાંઝા આવેલા! ઘરકંકાસના કારણે જ વેકેશનમાં ફેમિલીને મળવાની એમને ઈચ્છા થતી નહોતી અને આખરે ઘરકંકાસે જ તેમનો જીવ લીધો!
‘એટલે કેવો ઘરકંકાસ?’ મને સહેજ કળ વળી ત્યારે મેં કાકાને પૂછ્યું. જાણે કદાચ હમણાં કાકા પેલા કર્કશ શબ્દો પાછા ખેંચી લેશે, કહેશે કે મોહનસર જલસાથી રાજકોટની કોઈ ઊંચી સોસાયટીમાં રિટાયર્ડ લાઈફનો આનંદ માણે છે. પણ કાકાએ તો આંચકો લાગે એવી વાત કરી.
‘બૈરી પહેલેથી નપાવટ. મોહનલાલે રાજકોટની રાજકુમાર કોલેજમાં નોકરી લીધી ત્યારે બૈરી થોડો સમય વાંકાનેર રહેલી. ઈ રજા પડે ત્યારે વાંકાનેર આવે ત્યારે બૈરી નામે સરલા તેને વાતે વાતે બહુ દુ:ખ દિયે. નાખી દીધા જેવી વાતમાં ભરબજારે તેનું મોઢું તોડી લિયે. મોટા માવતરની છોકરી હતી. ને બૈરી ગામમાં એક ભપકાદાર હોટેલ બંધાણી’તી, ચંદન હોટેલ, ઈ ચંદન હોટેલના મેનેજર રામલાલની સોબતે ચડી ગઈ. ને આ ભલા માણસને ગંધેય નહીં. એવામાં આફ્રિકેથી તેડું આયવું એટલે માસ્તરે કહ્યું કે રોજની રામાયણ કરતાં છેટા સારા.’
કાકાએ દાળવડાંના પડીકામાં એકાદું દાળવડું બચ્યું હોય તો પૂરું કરવાના ઈરાદે હાથ નાખ્યો. કાંઈ ન મળવાથી હાથ લૂછી, માથે ટાલ ઉપર ચળ કરી બગાસું ખાધું.
‘ચા… લો, નરોત્તમભાઈ, જરાક લાંબો વાંસો કરી લયેં?’
‘અરે? પછી મોહનસર પાછા આવ્યા ત્યારે શું થયું? ને આપઘાત કેમ કરવો પડ્યો?’
‘હવે ઈ વાતમાં બહુ માલ નથી, નરોત્તમભાઈ.’
‘અરે? વાત તો કરો!’
‘અરે ભાઈ એક રાતે મોહનલાલ ઘરે વહેલા આવ્યા ને ચંદન હોટેલના મેનેજર રામલાલને સરલાના શરીર સાથે અડપલાં કરતાં જોઈ ગ્યા. ને ઓછામાં પૂરું રામલાલ તેનો જિગરી દોસ્તેય હતો! સરલા તેને ગાલે, ગળે, આંખે, કપાળે ને માથે બકીયું ભરે, બેય જણાં બથ ભરીને પથારીમાં લોટે, ને ઈ જોઈને મોહનલાલ નાઠો! ને બહાર વરસાદ કિયે કે મારું કામ, વીજળીયું થાય, કડાકા બોલે, ને આપણો જણ પગ હેઠે અંગારો આવી ગયો હોય તેમ નાઠો. શેરીના નાકેથી રેલવે સ્ટેશન તરફ દોડવા લાગ્યો, બિચારો. એના મગજમાંથી ઓલા બેય જણનું દૃશ્ય જાય નહીં. આંખની સામે નાચે, મગજ ફાટ ફાટ થાય, પોતે કોણ છે, ક્યાં જાય છે, કાંઈ ભાન નહીં. રેલવેના પાટે પાટે આ જણ તો જાય હાલતો.’
‘ઓ ગોડ!’
‘સાંજનો ટાઈમ, સૌરાષ્ટ્ર મેલના ઈન્જિનનો સ્ટીમ છોડવાનો અવાજ,વ્હિસલ વાગી. કોકની નજર ગઈ ને રાડ પાડી, ‘એ ભાઈ, એ ભાઈ!’પણ કાન જ બહેરા થઈ ગયા હોય પછી કોણ સાંભળે! ને ઈન્જિનની લાઈટ ભડકાની જેમ ભભૂકી તોયે આંખેય કોને દેખાતું હતું? ડબ્બાઓ ખટખટખટ ખટખટખટ પાસે ને પાસે આવતા હતા, ને મોહનલાલ એની સામે ગાંડોતૂર થઈને ધસમસતો હતો. બસ,એક… પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું, ને એના શરીરની સાથે એનાં સુખદુખ, વેદના, ઈચ્છા બધાં ઉપર એ લોઢાના ‘અજગરનાં’ પૈડાં ફળી વળ્યાં. ને તમારો વહાલો મોહનસર ભગવાનને વહાલો થઈ ગયો.’
તે પછી મેં કાંઈ પૂછ્યું નહીં. જાણે આવી અપ્રિય વાત કરવા બદલ મને કાકા ઉપર ચીઢ ચડી ગઈ હોય તેમ હું ઉપરની પાટલીએ ચડીને સૂઈ ગયો.
મુંબઈમાં જોવાલાયક સ્થળો જોયાં, લંડનમાં મારી સાથે કમલભાઈ ઠાકરિયા કામ કરે. એનો ભત્રીજો અશોક ઠાકરિયા મુંબઈમાં ફિલ્મો બનાવે. એ ગાળામાં ફિલ્મસિટીમાં અશોકભાઈની ‘રાજા’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. તે જોયું, તેનાં સ્ટાર માધુરી દીક્ષિત તથા સંજય કપૂર સાથે ફોટા પડાવ્યા.
અઠવાડિયામાં તો મુંબઈમાં જોવાલાયક તમામ સ્થળો જોવાઈ ગયાં… સગા, મિત્રો, પરિચિતો બધાને મળી લીધું. હાજીઅલી ઉપર સીતાફળનો આઈસક્રીમ ચાખી પાછો જામનગર આવવા ટ્રેનમાં બેઠો ને મોહનસરની વાત યાદ આવી. અગિયાર વાગ્યે વાંકાનેર આવ્યું. રામલાલને મળવાનું એકદમ મન થઈ આવ્યું. વાંકાનેર ઊતરીને રિક્ષા કરી સીધો ચંદન હોટેલ પર આવ્યો. વાંકાનેર ગામના પ્રમાણમાં હોટેલ સારી જણાતી હતી. મેં રૂમ લીધી. મનમાં હતું, સવારે આ હોટેલના હરામખોર મેનેજર રામલાલનું મોઢું જોઈશ, વાતો કરીશ ને પછી જતાં જતાં એક ભૂંડી ગાળ દઈને કહીશ કે નરરાક્ષસ, તું રામલાલ નથી રાવણલાલ છે. બદમાશ! તેં મારા વિદ્યાગુરુ મોહનસરનો જાન લીધો છે, ને ભગવાન તને નહીં છોડે!
બીજા દિવસે સવારે હોટેલના
રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ લેતો હતો ને હોટેલના મેનેજર સામેથી મળવા આવ્યા.
‘ગુડ મોર્નિંગ, સર! માય નેમ ઈઝ રામલાલ. હોટેલ મેનેજર!’
આહ! મેં રામલાલને ધારી ધારીને જોયો. ‘ગુડ! હું નરોત્તમ ટેલર.’
‘લંડનથી આવો છો, યસ? વાંકાનેરમાં ફેમિલી છે? કે જસ્ટ બિઝનેસ વિઝિટ?’
‘વાંકાનેરમાં મારા એક સર રહે છે. ત્રીસ-ચાલીસ વરસ પહેલાંની વાત છે. થયું કે મળતો જાઉં, જો હજી જીવિત હોય તો. કેન યુ હેલ્પ?’ મેં ખંધુ હસીને પૂછ્યું.
‘એમ કે? શ્યોર. શું નામ?’
‘મોહનલાલ સોમાણી.’
અને રામલાલના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. મેં વાત ચાલુ રાખી ‘એક બીજા વડીલને પણ મળવું છે, હરગોવિંદ કાટબામણા. ઓળખો તમે?’
રામલાલ મને જોઈ રહ્યો.
‘ઓળખો?’ મેં દાંત પીસીને ફરી પૂછ્યું.
‘હરગોવિંદ કાટબામણા મારા ફાધર થાય,’ રામલાલે કહ્યું.
‘વ્હોટ?’ હવે હું રામલાલને જોઈ રહ્યો. ‘તમારા ફાધર?’
રામલાલે કશું કહ્યા વિના ફોન જોડ્યો. અને દસેક મિનિટમાં હરગોવિંદ કાકા આવી ગયા.
‘રામલાલ તમારો દીકરો થાય?’ મેં દાંત કચકચાવીને હરગોવિંદને પૂછ્યું, ‘ને તમે બેશરમીથી મોહનસરના આપઘાતની વાત કરતા હતા?’
‘મારી સ્ટાઈલ ગમીને તમને?’ કાકાએ હસીને પૂછ્યું.
ચાનો કપ મારા મોં પાસે અધ્ધર અટકી ગયો. કાકાના ચહેરા ઉપર કાંઈક એવું હતું કે મારા મગજમાં ધડાકો થયો. ‘એટલે મોહનસર જીવિત છે?’
‘છેય ને નથીયે.’ હરગોવિંદ કાટબામણાએ ગંભીરતાથી જણાવ્યું. ‘મોહનલાલે મારા દીકરાની વહુ ઉપર બળાત્કાર કરેલો ને મારા દીકરાની વહુએ આપઘાત કર્યો.’ મારી આંખો ફાટી ગઈ. મનમાં ચમકારો થયો: મ્વાંઝામાં મોહનસરે દુર્ગાબહેન પંચોલી ઉપર બળાત્કાર કર્યાનો આરોપ સાચો હતો!
‘ઓહ માય ગોડ!’ મેં કાટબામણા તરફ લાંબો હાથ કરીને ત્રાડ પાડી. ‘ને તમે આખી વાતને ઊંધી કરીને મને કહી? મોહનસર ક્યાં છે?’
‘તમારા વિદ્યાગુરુ જેલમાં છે.’
‘તો તમે આવડી મોટી બનાવટ કેમ કરી?’
‘તમારા મનમાં મોહનસરની છબી મોટી હતી. એ કાયમ રહે એટલા માટે.’