ધર્મતેજ

હું જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્રને તમે બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી, સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ: પ્રહલાદ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
બાળક પ્રહ્લાદે પોતાના પર કરેલા આટલા મોટા આક્ષેપથી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને હિરણ્યકશિપુને ચેતવણી આપતાં કહે છે, ‘હે અસુરશિરોમણી ધ્યાન રાખજો ક્યાંક આ તમારો દીકરો જ તમારા પતનનું કારણ ન બને.’ ગુરુ દ્વારા અપાયેલી ચેતવણીથી હિરણ્યકશિપુ ડઘાઈ જાય છે અને પત્ની કયાધુને કહે છે કે ‘પ્રહ્લાદને વિષ્ણુ ભક્તિ છોડી મારી ભક્તિ કરવાનું સમજાવ.’ ગભરાયેલી કયાધુ પુત્ર પ્રહ્લાદને સમજાવે છે પણ વાત ન સાંભળતાં પ્રહ્લાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુનું જ રટણ કરે છે. હિરણ્યકશિપુ આદેશ આપે છે કે, ‘દુદુંભિ જાઓ એ મૂર્ખને પહાડની ટોચ પરથી નીચે ફેંકી દો.’ દુંદુભિ અને સૈનિકો પ્રહ્લાદને પહાડની ટોચ પર લઈ જાય છે અને ત્યાંથી ફેંકી દે છે. પ્રહ્લાદને ફેંકી દેવાતા એક અદૃશ્ય શક્તિ (ભગવાન શ્રીહરિ વિષ્ણુ) તેની રક્ષા કરે છે અને એ પહાડની તળેટીની ભૂમિ પર અસંખ્ય ફૂલોની ચાદર બની જાય છે જેના પર પડતાં પ્રહ્લાદ ફરી ઊભો થઇ રાજમહેલ તરફ પ્રયાણ કરે છે. થોડા સમયમાં જ પ્રહ્લાદને જીવંત જોઈ હિરણ્યકશિપુ ક્રોધિત થઈ કહે છે કે, ‘સૈનિકો તમે શું કર્યું, આ મૂર્ખ તો જીવિત છે. આને રાજસભામાં જ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં એને નાંખી દેવામાં આવે.’ સૈનિકો રાજસભામાં જ એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં નાંખવા માટે ઊંચકી નાંખી દે છે. એજ સમયે એક અજ્ઞાત શક્તિ કઢાઈમાં રહેલા તેલને ઠંડુગાર બનાવી દે છે. નીચેથી ધગધગતી અગ્નિમાં મૂકેલા કઢાઈના તેલમાં બેસી પ્રહ્લાદ શ્રીહરિ વિષ્ણુનું રટણ કરે છે. આ જોઈ રાજસભામાં બેઠેલા અસુરો પ્રહ્લાદનો જયજયકાર કરવા માંડે છે. હિરણ્યકશિપુ અસુર ગુરુ શુક્રાચાર્યને કહે છે, ‘ગુરુદેવ હું એવું વિચારું છું કે જો ઇન્દ્ર જ નહીં રહે તો, શ્રીહરિ વિષ્ણુ સ્વર્ગલોક કોને આપશે? ચાલો અસુરો સ્વર્ગલોક પર આક્રમણ કરો.’ હિરણ્યકશિપુનો આદેશ મળતાં જ અસુર સેના સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. યુદ્ધ દરમિયાન દેવરાજ ઇન્દ્રની હાર થતાં ઇન્દ્ર સહિત દેવગણને બંદી બનાવે છે. હિરણ્યકશ્યપ દેવરાજને બંદી બનાવી તેનો વધ કરી સુંદરી શચિને પત્ની બનાવવાનો વિચાર પ્રદર્શિત કરે છે. એ જ સમયે ત્યાંથી પસાર થતાં દેવર્ષિ નારદ કહે છે કે, ‘સંસારના સૌથી શક્તિમાન એવા હિરણ્યકશિપુ એક સ્ત્રીનું અપમાન કરે એ શોભા નથી દેતું’ તો હિરણ્યકશિપુ કહે છે, ‘દેવર્ષિ જ્યારે મારી ગેરહાજરીમાં મારી પત્નીનું અપહરણ કરી તેની હત્યાનું ષડયંત્ર યોજયું એ શું ઇન્દ્રને શોભતું હતું?’ દેવર્ષિ નારદ તેને સમજાવતાં કહે છે, ‘મહાબલિ હિરણ્યકશિપુ ત્યારે પણ મેં જ તમારી પત્નીનું સન્માન જળવાય એ માટે મધ્યસ્થી કરેલી અને આજે પણ એક સ્ત્રીનું સન્માન જળવાય એ માટે મધ્યસ્થી કરું છું. મારી વિનંતી છે કે તમે દેવી શચિને છોડી દો અને દેવરાજ ઇન્દ્રને બંદી બનાવી તમારો દાસ બનાવો.’


દેવર્ષિ નારદની વાતમાં દમ લાગતાં હિરણ્યકશિપુ દેવરાજને પોતાનો દાસ બનાવી રાજસભામાં લઈ આવે છે. રાજસભામાં દાસ બનેલા દેવરાજ ઇન્દ્રને જોવા નગરજનો ઊમટી પડે છે. નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે હિરણ્યકશિપુ દેવરાજ ઇન્દ્રને પોતાના ચરણ પખાળવા કહે છે. બંદી દેવગણો નિ:સહાય બની દેવરાજ ઇન્દ્રને કોઈ મદદ કરી શકતાં નથી, પણ મહેલમાં પ્રહ્લાદની આરાધનાનો સ્વર ગૂંજી રહ્યો હોવાથી તેમને આશા જાગે છે કે ટૂંક સમયમાં અવશ્ય કોઈ ઘટના ઘટશે. દેવરાજ ઇન્દ્રને દાસ તરીકે જોઈ કદાચ પ્રહ્લાદ ડરી જઈ શ્રીહરિ વિષ્ણુની આરાધના છોડી પણ દે તેવા વિચારે પ્રહ્લાદને રાજસભામાં ઉપસ્થિત થવાનો આદેશ આપે છે. આદેશ મળતાં જ સૈનિકો પ્રહ્લાદને તેમની સમક્ષ ઉપસ્થિત કરે છે.

પ્રહ્લાદ: ‘પિતાજી પ્રણામ સ્વીકાર કરો, પણ હું જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્રને તમે બંદી બનાવી રાખ્યા છે, જે યોગ્ય નથી. સૃષ્ટિના સંચાલન માટે તેમને છોડી દેવા જોઈએ.’

હિરણ્યકશિપુ: ‘પ્રહ્લાદ ખબરદાર, મને સલાહ આપતો નહીં, તને જણાવી દઉં કે હવે હું જ ઇન્દ્ર છું. મારી તને આજ્ઞા છે કે શ્રીહરિ વિષ્ણુનું રટણ છોડી દે.’

પ્રહ્લાદ પિતા હિરણ્યકશિપુની આજ્ઞા ન માનતા ભગવાન શ્રીહરિ વિષ્ણુનું રટણ ચાલુ રાખે છે. હિરણ્યકશિપુ આદેશ આપે છે કે પ્રહ્લાદને અન્ન પાણી ન આપતાં કારાગારમાં પૂરી દેવામાં આવે. સૈનિકો તેને કારાગારમાં પૂરી દે છે.


ઘણા દિવસો વિતી જતાં પણ પ્રહ્લાદ પર કોઈ અસર થતી નથી, અન્ન-પાણી વગર તે ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ કાયમ રાખે છે. ચિંતિત થયેલા ભાઇ હિરણ્યકશિપુને જોઈ હોલિકા કહે છે
હોલિકા: ‘મને એક યુક્તિ સૂઝી છે. તમને તો ખબર જ છે કે મેં બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે અગ્નિ મને બાળી નહીં શકે. હું પ્રહ્લાદને પ્રેમથી જમાડીશ, તે દરમિયાન સૈનિકો અમને બધી બાજુથી ઘેરી લાકડાઓ મૂકી સળગાવી દે, અને પ્રહ્લાદ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી તમારે લાકડાં ભરતાં રહેવું.’

હિરણ્યકશિપુ: ‘આ ઉત્તમ યુક્તિ છે. તુરંત અમલ કરવામાં આવે.’

હોલિકા: ‘નહીં તુરંત નહીં, આવનાર ફાલ્ગુન માસની પૂર્ણિમાને આગલે દિવસે આ યુક્તિ અમલમાં મૂકવામાં આવે.’

હોલિકા પોતાની સાથે જમવાનો થાળ ભરીને પ્રહ્લાદ પાસે પહોંચે છે અને પોતાના ખોળામાં બેસાડી જમાડે છે. એ દરમિયાન મોકો મળતાં જ સૈનિકો તેમને ઘેરી બધી બાજુથી લાકડાઓ મૂકી સળગાવી દે છે. લાકડાઓ ઊંચી ઊંચી અગ્નિમાં બળતાં જાય છે. એ અગ્નિમાંથી પ્રહ્લાદનો શ્રીહરિના રટણનો સ્વર સંભળાતો જ રહે છે. સંપૂર્ણ રાત્રિ દરમિયાન સૈનિકો લાકડાં મૂકતાં જ જાય છે પણ પ્રહ્લાદના શ્રીહરિ રટણનો સ્વર સંભળાતો જ રહે છે. નગરજનો લાચારીવશ રાતભર આ દમન જોતા રહે છે, થાકી હારી હિરણ્યકશિપુ ત્યાંથી વિદાય લેતાં નગરજનો આગ પર પાણી છાંટે છે. તેઓ જુએ છે કે બળબળતી અગ્નિમાં બાળક પ્રહ્લાદ શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં લીન છે અને હોલિકાના અવશેષો અસ્થિ સ્વરૂપે ત્યાં વિદ્યમાન હોય છે.


ગભરાયેલો દુંદુભી રાજમહેલ પહોંચે છે
દુંદુભી: ‘મહારાજ, પ્રહ્લાદ હજી પણ જીવિત છે અને અગ્નિની વચ્ચે ભગવાન શ્રીહરિ વિષ્ણનું રટણ જ કરી રહ્યો છે.’

હિરણ્યકશિપુ: ‘તુરંત હોલિકાને બોલાવો.’

દુંદુભી: ‘મહારાજ ક્ષમા કરો તેઓ બળીને ખાખ થઈ ગયા છે, ફક્ત તેમની અસ્થિઓ વિદ્યમાન છે.’

હિરણ્યકશિપુ: ‘આ કઈ રીતે બની શકે? તેને તો બ્રહ્માજીનું વરદાન હતું કે અગ્નિ તેને બાળી નહીં શકે.’

દાસ દેવરાજ ઇન્દ્ર: ‘હિરણ્યકશિપુ, હું તમને હજી પણ કહું છું, તમે દમનનો માર્ગ છોડી દેવગણોને મુક્ત કરો અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણમાં જાઓ તમારું કલ્યાણ નિશ્ર્ચિત છે.’

હિરણ્યકશિપુ: ‘કદાપિ નહીં…’


ક્રોધિત હિરણ્યકશિપુ બ્રહ્મલોક પહોંચે છે.

હિરણ્યકશિપુ: ‘બ્રહ્મદેવ, શું તમારા વરદાનનો પ્રભાવ હવે રહ્યો નથી?’

બ્રહ્માજી: ‘હિરણ્યકશિપુ આ તમે શું કહી રહ્યા છો, મારા વરદાનનો પ્રભાવ ક્યારેય ઓછો નહી થઈ શકે.’

હિરણ્યકશિપુ: ‘બ્રહ્મદેવ તમે હોલિકાને વરદાન આપ્યું હતું કે અગ્નિ તેને બાળી નહીં શકે તો એ કઈ રીતે અગ્નિમાં બળી ગઈ.’

બ્રહ્માજી: ‘મેં વરદાન આપતી વખતે કહ્યું હતું કે વરદાનનો દુરુપયોગ કરશો તો વરદાન તમારા માટે અનિષ્ટકારી સિદ્ધ થશે. હોલિકાએ વરદાનનો દુરુપયોગ કર્યો તેનું આ પરિણામ છે, હું તમને પણ ચેતવણી આપું છું કે જો તમે વરદાનનો દુરુપયોગ કરશો તો વરદાન તમારા માટે પણ અનિષ્ટકારી સિદ્ધ થશે, તમે ક્યારેય મારી સમક્ષ ઉપસ્થિત નહીં થઈ શકો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button