ધર્મતેજ

માનવને જીવનબોધ અર્પતા દુહા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પ્રગટતી તો હોય જ છે. ‘સોરઠિયા’ નામછાપના ઘણાં દુહા પ્રચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે એ સોહામણાં અને ડહાપણથી સભર સોરઠ દેશનો કોઈ ઘરડેરો-પ્રૌઢ વ્યક્તિ હશે. એણે પોતાની જાતને સોરઠ દેશના વિસ્તારમાં ઘસી નાખી હશે. આ પ્રદેશનું ડહાપણ, આ પ્રદેશની સમજણ એણે દુહાના માધ્યમથી વહાવી અને સોરઠિયાના દુહા ગુજરાતીમાં કંઠસ્થ પરંપરામાં વહેતા રહ્યા. એમના નામથી પ્રચલિત થોડા દુહા આસ્વાદીએ.

અહીં કોઈની મદદના પોકારની વાતનો દુહો છે પણ એનો ભાવ અનેરો છે, જુઓ દુહાગીર ગાય છે કે,
‘પડકારે પીઠ નંઈ, હૈયે મરવાની હામ;
એ મરદુનાં કામ, સાચું સોરઠિયો ભણે.’
જે માણસ કોઈનો પડકારો સાંભળે અને પીઠ ન ફેરવે પણ સામી છાતીએ હૈયામાં ખમી જવાની-મરી ફિટવાની હોશ રાખીને નીકળી પડે એ મરદની ઓળખ છે. પડકારો એટલે પોકાર મદદ માટેનો, પછી એ કોઈ શિયળ ન લુંંટાવા દેનારી નારી હોય, કે ગાયને હરી ન જવા દેવા માટેની હોય કે દુશ્મનો-વેરી ગામમાં રંજાડ કરવા આવી પહોંચ્યા હોય આવા સમયે જે પોતાની જાતને સ્વને ભૂલી જાય છે એ મરદ છે. એમ સોરઠિયો કહે છે. અહીં માનવમાં રહેલો પરહિતાર્થે ખપી જવાની વૃત્તિનો મહિમા દુહામાં ગાયો છે અને આવા માણસને મરદાઈ-હિંમતથી સભર માણસનું બિરુદ મળેલું છે. આવા વ્યક્તિત્વના વખાણ થાય છે. બીજા દુહામાં પ્રગટતો બોધ જુઓ.

‘ભરજે ભડથી બાથ, રાંકને રંજાડીશ મા;
રાજી દીનોનાથ, સાચું સોરઠિયો ભણે.’

અહીં દુહા દ્વારા માનવીને એવી સૂચના એવો ઉપદેશ અહીં અપાયો છે કે તારે જો કોઈને ભેટવું હોય સંબંધ બાંધવો હોય તો જે કોઈ ભડવીર-વીર હોય એમને ભેટવું. જે કોઈ ગરીબ-રાંક છે એને પરેશાન-હેરાન ન કરવા. આવા વ્યવહારથી ઈશ્ર્વર રાજીપો અનુભવશે. સોરઠનો દુહાગીર સત્ય વાત જણાવી રહ્યો છે. મૂળભૂત વસ્તુ ભાઈબંધી મૈત્રી ભડ નિર્ભિક વ્યક્તિત્વ સાથે રાખવી અને ગરીબોને પરેશાન ન કરવાનું અહીં કહેવાયું છે. સાચુકલો માનવ ધર્મ એમાં નિહિત છે.

બીજા એક દુહામાં આતિથ્યભાવના અને મહેમાન અતિથિ પરત્વેના વ્યવહારનો નિર્દેશ છે. તે દુહો આસ્વાદીએ.

‘મે માનુંને માન, જેણે દિલ ભરી દીધાં નંઈ;
મંદિર નંઈ મસાણ, સાચું સોરઠિયો ભણે.’

આંગણે આવેલા અતિથિ મહેમાનને પૂરા ભાવથી, હૃદયથી માન-સન્માન આપવાનું હોય. જે નથી આપતા જે ઘરમાંથી આવું માન નથી આપી શકાતું એ ઘર મંદિર નહીં પણ સ્મશાન છે. સોરઠનો દુહાગીર સત્ય વાત, વ્યવહાર કરી રહ્યો છે. આતિથ્ય સત્કાર એ આપણી સંસ્કૃતિ છે એની જાળવણી થતી હોય એ ઘર મંદિર સમાન ગણાય એવો ભારતીય વ્યવહારભાવ અહીંથી પ્રગટે છે.
બીજા એક દુહામાં ભારતીય જન-વ્યક્તિની ઓળખ પ્રસ્તુત થઈ છે એ દુહો આસ્વાદીએ.

‘હાકલેથી હથિયાર પડે, થરથર જાંગું થાય;
ઈ કાયર નર કેવાય, સાચું સોરઠિયો ભણે.’

કોઈની હાક, પડકાર સાંભળતા જ જેમના હાથમાંથી હથિયાર પડી જાય અને થર-થર ધ્રુજારી થાય. કંપવા લાગે એ માણસ કાયર-બીકણ કહેવાય. સોરઠનો દુહાગીર ભારતીય નર-પુરુષ્ાની સાચી-ખરી ઓળખ આ રીતે આપે છે. શૌર્ય પ્રગટાવવું અને અભય
રહેવું. બીક, ડર ન રાખવાના હોય એ આપણી ભારતીય-સોરઠી ઓળખ છે.

સોરઠિયા નામથી દુહાગીરે કથેલા આલેખેલા દુહા ભારતીય વ્યક્તિમત્તા, ભારતીય જીવનમૂલ્યો અને ભારતીયતાની ઓળખ સમાન છે. આપણી આઈડેન્ટિટિ આપણે ન ગુમાવીએ એનું ભાન કરાવતા દુહાગીરો મોટા ઉપદેશક અને હિત પ્રબોધક છે. એમના દુહાનું મૂલ્ય આવા કારણથી કાયમ રહેવાનું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?