નેશનલ

ભારતીય સેનાનું મોટું નિવેદન, ઘૂસણખોરીમાં મદદ કરે છે પાકિસ્તાની સેના…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ કહ્યું હતું કે બારામુલ્લામાં ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, જે તમામ પાકિસ્તાની નાગરિક હતા. આતંકવાદીઓને બચાવવા માટે પાકિસ્તાની સૈનિકોએ પણ હુમલો કર્યો હતો. ત્યારે એ બાબત સ્પષ્ટ છે કે પાકિસ્તાન ઘૂસણખોરીમાં મદદ કરે છે. જો કે વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

અમને મળેલી ચોક્કસ માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ત્રણેય આતંકીઓને પાકિસ્તાને ઘૂસણખોરીમાં મદદ કરી હતી. કારણકે સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના સૈનિકોએ અમારી પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઉપરાંત આતંકવાદીઓના મૃતદેહોમાંથી ભારત અને સાથે સાથે પાકિસ્તાનની કરન્સી પણ મળી આવી છે. તેમની પાસેથી એક એકે-47 અને એકે-74 સાથે 7 મેગેઝિન, કેટલીક ગોળીઓ, ચાઈનીઝ પિસ્તોલ અને પાંચ કિલો આઈઈડી મળી આવ્યા છે.

સેનાએ આશંકા વ્યક્ત કરી હતી કે આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપવાના કાવતરાના ભાગરૂપે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ તેમની પાસેથી મળી આવેલ IED નો ઉપયોગ અમુક સંવેદનશીલ ટાર્ગેટ પર થવાનો હતો.

જો કે હજુ સુધી આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખ થઈ શકી નથી. ઘૂસણખોરીનો પ્રયાસ અને ત્યારપછીનું એન્કાઉન્ટર એવા સમયે થયું છે જ્યારે અનંતનાગ જિલ્લાના જંગલોમાં રહેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button