ધર્મતેજ

નિરાકારનો આકાર

મનન -હેમુ ભીખુ

અંધકાર નિમ્નતર માત્રામાં રહેલી પ્રકાશની સ્થિતિ છે. ઠંડી પણ ઉષ્ણતામાનની એક માત્રા નિર્ધારિત કરે છે. સ્વાદ ન હોવો તે પણ એક પ્રકારનો સ્વાદ છે. અનિયમિતતા પણ એક પ્રકારની નિયમિતતા સ્થાપિત કરે છે. અંધકાર પણ પ્રકાશની એક ચોક્કસ માત્રા છે. પ્રકાશના માપ માટે એકમ નિર્ધારિત થયો છે અંધકારના માપ માટે નહીં. જો અંધકારનું સ્વતંત્ર અસ્તિત્વ હોત તો તેના માપનો પણ એક એકમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

પ્રકાશનું અલ્પપણું એટલે અંધારું. જીવનની શૂન્યતા એટલે મૃત્યુ. ચૈતન્યની લગભગ ગેરહાજરી એટલે જડતા. ધર્મનો અભાવ એટલે અધર્મ અને વિવેકનો અભાવ એટલે વિવેક-હિનતા. આકારનો અભાવ એટલે નિરાકાર. નેતિ નેતિ જેવી જ પ્રક્રિયાથી બધા જ આકારનો જ્યારે છેદ ઉડાડી દેવામાં આવે ત્યારે જે વધે તે નિરાકાર.

અભાવ પણ એક રીતે ચોક્કસ પ્રકારના ભાવનું સમર્થન છે. નિરાશા એ આશાના અભાવની પ્રતીતિ છે. સવિકલ્પમાં વિકલ્પની હાજરી છે તો નિર્વિકલ્પમાં વિકલ્પની ગેરહાજરી છે – બંને ધારણા વિકલ્પ આધારિત જ છે. કેટલીક બાબતોની અસંભવિતતા હોઈ શકે – અર્થાત અસંભવિતતા પણ
સંભવ છે.

આંખ સામે ન હોવું – પ્રત્યક્ષ ન હોવું તે પણ આંખની જ પ્રતીતિ છે. કોઈપણ બાબતનું ન હોવું તે તેનાથી વિપરીત હોવા પણાનો અભાવ માત્ર છે. આ બધી મનની સૃષ્ટિ છે. નિરાકાર પણ નિર્ધારિત ન થઈ શકે તેવા આકારની સમજ છે.

નિરાકાર પાછળ આકારનું નિષેધ છે. નિરાકાર એટલે જે નિર્ધારિત ન થઈ શકે એવો આકાર. કોઈપણ અન્ય આકાર પર આંગળી મૂકી તેને નિરાકાર સાથે સરખાવી ના શકાય. નિરાકારનો નિર્ધારિત આકાર ન હોવાથી તેમાં વિકૃતિ સંભવ નથી. નિરાકારની ધારણા પ્રમાણે તેમાં વધઘટ પણ સંભવ નથી. નિરાકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કે અલગાવ પણ શક્ય ન બને. નિરાકાર અમાપ રહે, અખંડ રહે, નિર્વિકાર રહે, નિર્વિકલ્પ રહે – જેને કારણે તે નિત્ય બની રહે. અન્ય દરેક પ્રકારના આકાર પર સમય અને પરિસ્થિતિનો માર પડી શકે; નિરાકાર તેનાથી પર હોય. અને તેથી જ ઈશ્ર્વરને નિરાકાર કહેવાય છે.

હવાનો આકાર નથી પણ જ્યારે તે કોઈ પાત્રની અંદર હોય ત્યારે તેટલી હવા તે આકાર ધારણ કરી લે છે. પણ તેનાથી કંઈ સમગ્ર હોવાનો આકાર સૂચિત ન થઈ શકે. ઈશ્ર્વરના નિરાકાર અને સાકાર સ્વરૂપ વચ્ચેનો સંબંધ કંઈક આ પ્રકારનો છે. ગીતામાં જ જણાવ્યા, વ્યક્તિ જે કોઈ સ્વરૂપે ઈશ્ર્વરની આરાધના કરે
તે સ્વરૂપ માટેની શ્રદ્ધાને ઈશ્ર્વર દ્રઢ કરે. અર્થાત સાકારની આરાધનામાં આકાર ઘણા હોઈ શકે. જેવું પાત્ર, હવા તેઓ આકાર ધારણ કરે. જેવી શ્રદ્ધા ઈશ્ર્વર તેવો સાકાર ધારણ કરે – પણ અંતે તો તે અચિંત્ય નિરાકાર હોય – સમગ્ર હવા સમાન, સર્વત્ર હયાત હોય. નિરાકારનો આકાર શ્રદ્ધા મુજબ સ્થાપિત થાય. આવો આકાર પ્રાપ્ત થતાં નામ-રંગ-રૂપ પણ જોડાઈ
જાય, પણ અંતે તો હેમનું હેમ હોયે – અંતે તો નિરાકારતા જ સ્થાપિત રહે.

ગણિતની ભાષામાં અનંત એ એક કલ્પના છે, હકીકત નથી. અનંતનો આંકડો ક્યારેય લખી ન શકાય. અનંતની માત્રા માત્ર વૈચારિક છે, તે અસ્તિત્વમાં ન આવે એવી ઘટના છે. ગણિતની જ પરિભાષા પ્રમાણે જેનું અસ્તિત્વ શક્ય ન હોય તેને “શૂન્ય કહેવાય. તે સમજ પ્રમાણે અનંત શૂન્ય છે પણ શૂન્ય અનંત નથી. આજ તર્કને શ્રદ્ધાપૂર્વક નિરાકાર-સાકારના સમીકરણ સાથે જોડવામાં આવે તો તેમ કહી શકાય કે નિરાકાર સાકાર છે, પરંતુ સાકાર તે અર્થમાં નિરાકાર નથી. પરિસ્થિતિ રસપ્રદ છે, જટિલ નથી.

ગીતામાં કહેવામાં આવ્યું છે કે દેહધારી દ્વારા અવ્યક્ત, નિર્ગુણ, નિરાકાર સ્વરૂપની સાધના વધુ કષ્ટદાયક રહે છે – માનવી માટે અવ્યક્તની ગતિ મુશ્કેલ છે. અવ્યક્ત પર ચિત્તનું સંધાન મુશ્કેલ છે.

અવ્યક્તની પ્રકૃતિ પણ અવ્યક્ત રહેતી હોવાથી ધ્યાન ટેકવવા માટે કોઈ આધાર નથી મળતો. અવ્યક્તની ઓળખ બંધાતી ન હોવાથી, એકવાર અવ્યક્તની પ્રતીતિ થાય તો પણ તે પ્રતીતિ અવ્યક્તની જ છે, તેવો વિશ્ર્વાસ બેસતા વાર લાગે છે. માનવી જ્યારે સામે દેખાય તેને જ સત્ય તરીકે સ્વીકારવા તૈયાર હોય ત્યારે અવ્યક્તની ગતિ મુશ્કેલ તો બને જ.

નિરાકારમાં – અવ્યક્તમાં તો એક રીતે જોતા સત્યનો પણ છેદ ઊડી જાય છે, કારણ કે સત્ય સમજી શકાય તેવી ઘટના છે. અને તેટલા જ માટે ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયું હશે કે હું સત્ય છું અને અસત્ય પણ છું.

વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોતાં જણાશે કે નિરાકારને કોઈપણ પ્રકારનું શીર્ષક આપી શકાતું નથી. જેમ તે આકારથી પર છે તેમ દરેક શબ્દ અને તેના અર્થથી પણ પર છે. એટલા જ માટે નિરાકારની સમજ સ્થાપવા માટે અસંખ્ય શબ્દો પ્રયોજાય છે – કોઈ એક શબ્દ કે શબ્દ-સમૂહથી તેની ઓળખ બાંધવી અશક્ય છે – અસંભવ છે.

નિરાકાર છે તેથી તેના વિવિધ સાકાર સ્વરૂપ સંભવી શકે છે. નિરાકાર છે તેથી તે બાધિત નથી. નિરાકાર છે તેથી
તે સ્વતંત્ર છે – કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સાથે તેની તાદાત્મયતા નથી. નિરાકાર હોવાને કારણે તે અપાર સંભાવનાઓથી ભરપૂર છે. તેને હજાર નામ આપી શકાય છે. દ્રશ્ય જગતમાં તે સૂક્ષ્મ સ્વરૂપે સર્વત્ર હાજર હોવા છતાં તે દ્રશ્યમાન નથી.

સૃષ્ટિના દરેક કણમાં તેની હાજરીની સાક્ષી હોવા છતાં તે બધાથી પર છે. કોઈપણ પ્રકારની ભૌતિક, સૂક્ષ્મ કે કારણ સૃષ્ટિમાં તેનું નિર્ધારણ થઈ શકતું નથી. સાચા જ અર્થમાં નિરાકારતા તેનો આકાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button