ધર્મતેજ

યોગનું સાતમું અંગ ધ્યેય અને ધ્યાન

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

ધ્યાન એટલે કે મેડિટેશન ઓછેવત્તે અંશે અને અલગઅલગ સ્વરૂપે દુનિયામાં મોટા ભાગના દેશોમાં સ્વીકાર્ય બન્યું છે તે તેના ઇન્સ્ટન્ટ શારીરિક અને માનસિક ફાયદાને લીધે, પરંતુ ભારતના મહર્ષિ પતંજલિના યોગમાં જે ધ્યાન આવે છે તે પરમાત્માનો યોગ કરવા માટે છે. માટે જે લોકો નાસ્તિક છે અથવા તો જે લોકો આત્માપરમાત્માની થિયરીમાં માનતા નથી તેમને શારીરિક તથા માનસિક ફાયદા કેવી રીતે થાય છે તે આપણે ગયા પ્રકરણમાં જોઇ ગયા. બીજી બાજુ અન્ય લાભોને ગૌણ ગણી જે આસ્તિક ફક્ત પ્રભુદર્શન કરવા માગે છે, તે તેને જે પ્રભુમાં શ્રદ્ધા હોય તે પ્રભુનું ધ્યાન કરી શકે છે. તેમને આ કાર્યમાં સહાય થાય તેવી મહત્ત્વની વાત જાણી લઇએ.

પિતૃદેવો સૌથી વધુ નજીક હોય છે. એમનું ધ્યાન ધરતાં એ જલદી પ્રસન્ન થાય છે. તેમના પછી કુળદેવ કે કુળદેવી નજીકના દેવમાં બીજે નંબરે આવે. આનાથી આગળ વધીએ તો ગણપતિ પૃથ્વીની નજીકના દેવ હોઇ તે જલદી પ્રસન્ન થાય છે ત્યાર બાદ આખી દુનિયા જેના ગર્ભમાં ઊછરી રહી છે તે શક્તિ સ્વરૂપ જગતજનની અંબામાતા કે દુર્ગામાતાને તમે ધ્યાન કરી રીઝવી શકો છો અને અંતમાં સમગ્ર સૃષ્ટિના કર્તા-ધર્તા અને હર્તા એવા શ્રી બ્રહ્યા, વિષ્ણુ અને શિવ જે તમારાથી જોજનો દૂર છે તેનો સાક્ષાત્કાર કરી શકો છો. આમ મુંબઇથી અમદાવાદ પહોંચવું હોય તો પાલઘર એ પિતૃદેવનું સ્ટેશન ગણાય, વલસાડ-કુળદેવી કે કુળદેવનું સ્ટેશન ગણાય, સુરત-ગણપતિનું, વડોદરા-શક્તિ સ્વરૂપનું, જ્યારે અમદાવાદ ત્રિદેવનું સ્થાન ગણાય, આ રીતે આસ્તિક લોકો પ્રભુ છે, એમ માનીને યમ-નિયમ પાળે છે, યોગ-પ્રાણાયામ કરે છે. પ્રત્યાહાર દ્વારા પ્રભુ તરફ પાછા વળે છે, ઇશ્ર્વરની જ ધારણા અને ધ્યાન કરે છે, તેથી તેમને વહેલા મોડા પ્રભુનો સાક્ષાત્કાર થવાનો જ. જ્યારે નાસ્તિક પ્રભુને નથી માનતો એટલે તે તેમને પામવા ક્રિયાઓ કરતો નથી અને તેમનાં દર્શનથી પણ વંચિત રહી જાય છે, પરંતુ પ્રભુ તો વિશ્ર્વપાલક અને દયાવાન છે, તેથી આસ્તિક હોય કે નાસ્તિક, દરેકની પ્રાથમિક જરૂરિયાત જેમ કે હવા, પાણી, ખોરાક બધું તે પૂરું પાડે જ છે. બેઉમાં ફરક હોય તો એટલો જ કે આસ્તિક વર્ગ પ્રભુની નજીક તેમના શરણમાં હોય છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને કહે છે કે તારા જેવા બુદ્ધિશાળી લોકો વધુ સંશય કરીને મારાથી દૂર થાય છે. એના કરતાં અજ્ઞાની અને અબુધ લોકો ફક્ત મારું (એટલે કે વિરાટ શક્તિનું) શરણ લઇ લે છે તેથી મારી વધુ નજીક થઇ જાય છે.

મીરાંબાઇ કે નરસિંહ મહેતા બી.એ. કે એમ.બી.એ નહોતાં થયાં, પરંતુ તેમને હરિદર્શન થયાં હતાં, એ હજુ ચારસો-પાંચસો વર્ષ પહેલાંની જ વાત છે. તુકારામ, જ્ઞાનેશ્ર્વર, એકનાથ, સાંઇબાબા, જલારામ, તેમનો તો હજી દોઢસો-બસો વર્ષ પહેલાંનો જ ઇતિહાસ છે. આજેપણ કેટલાય લોકો પ્રભુદર્શન કરી શક્તા હશે, પરંતુ જાહેરમાં નહિ આવતા હોય અને જાહેરમાં ખ્યાતિ, પ્રખ્યાતિ કે સમૃદ્ધિ મેળવવાની લાલચમાં જે આવતા હશે તેને પ્રભુદર્શન થયાં હશે કે કેમ તે પ્રશ્ર્ન છે. આવો ઢોંગી-પાખંડી વર્ગ તો દરેક ક્ષેત્રમાં હોય છે. બનાવટી ડૉક્ટર, બનાવટી ડિગ્રીહોલ્ડરો કે બનાવટી માલ બનાવનારા કે વેચનારા વેપારીઓ સમાજમાં નથી હોતા? બનાવટી સાધુ-સંતોને કારણે પૂરા ધર્મક્ષેત્ર કે યોગક્ષેત્રને બદનામ કરી શકાય નહિ, કે પ્રભુ જેવું કંઇ નથી કહી શકાય નહિ. માટે તમને જે પ્રભુમાં શ્રદ્ધા હોય કે જે પ્રભુ આગળ જણાવ્યા પ્રમાણે તમારી નજીક હોય ત્યાં પહોંચવા પતંજલિના યોગનાંં આઠેય અંગોનો અમલ ચાલુ કરશો તો એક દિવસ જરૂર તમને તે પ્રભુનાં દર્શન થશે. જે તે પ્રભુનાં ધ્યાન સાથે સાથે તે પ્રભુના મંત્રનું વારંવાર રટણ કરવાથી તમને વધુ સહાય મળશે.

ધ્યાન અને મંત્ર, વાણી અને મૌન
સામાન્ય રીતે આપણે વાણીનાં ત્રણ રૂપનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને તેનાથી સુપરિચિત પણ છીએ. જેમ કે બીજાને સંભળાય તેવી રીતે બોલીએ તેને વૈખરી વાણી કહેવાય. હોઠ અને જીભ હલાવી માત્ર આપણે જ સાંભળી શકીએ તેને ઉપાંશુ વાણી કહેવાય અને હોઠ કે જીભ હલાવ્યાં સિવાય બોલીયે તેને માનસિક વાણી કહેવાય એટલે કે વિચારો કરીએ કે પછી પોતાની સાથે સંવાદ કરીએ તે. આમ મોટેથી બોલીએ તે સ્થૂળ વાણી ગણાય અને વિચાર એ વાણીનું સૂક્ષ્મરૂપ ગણાય.

બાહ્યજગતમાં વાણીને બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા વૈખરી વાણી બોલીએ છીએ. થોડે દૂરની વ્યક્તિ સુધી પહોંચાડવા વધુ જોરથી બોલીએ છીએ અને એથી વધુ દૂરની વ્યક્તિને માઇક દ્વારા વાણી પહોંચાડીએ છીએ. એથી પણ દૂરદૂરના સ્થળે વાણી પહોંચાડવા રેડિયો, ટેલિફોન, ટીવી, મોબાઇલ જેવાં યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે આંતરજગતમાં ઇશ્ર્વર સાથે સંબંધ બાંધવા સૂક્ષ્મ વાણીનો ઉપયોગ કરવો પડે છે.

પ્રત્યાહારમાં આપણે જોયું કે દરેક ઇન્દ્રિયોને બાહ્યજગત તરફથી વિમુક્ત કરી આંતરજગત તરફ વાળવામાં આવે છે. આ જ રીતે વાણીને પણ આંતરજગત તરફ વાળવામાં આવે છે. આમાં મૌનનો અભ્યાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણકે મૌન દ્વારા જ વૈખરી વાણીને માનસિક વાણીમાં પરિવર્તિત કરી શકાય છે. જેથી વાણીનો પ્રવાહ આંતરજગત તરફ વહેવા લાગે છે. આમ વાણીનું આ સૂક્ષ્મરૂપ આંતરજગત સાથે સંબંધ બાંધી આપે છે. સાધકનો જ્યારે પ્રત્યાહારનો અભ્યાસ પરિપક્વ થાય ત્યારે તે ધારણાના સ્ટેજ પર પહોંચે છે. ધારણામાં વાણીનું સ્વરૂપ વધુ સૂક્ષ્મ બનેલું હોય છે.

મૌન – આંતરજગત – મન – બાહ્યજગત – વેખરી વાણી
માનસિક વાણી
ધારણા મધ્યમા વાણી
ધ્યાન પશ્યંતિ વાણી
સમાધિ
પરાવાણી

લાઉડ સ્પીકર
રેલિફોન
મોબાઇલ
રેડિયો
ટેલિવિઝન
માનમ્ શરણમ્ ગચ્છામિ

જેને મધ્યમા વાણી કહેવાય છે. જે રીતે ગળામાંથી બોલાતી વૈખરી, ઉપાંશુ અને માનસિક વાણીનું ઉદ્ભવસ્થાન આ ભાગમાં આવેલું વિશુદ્ધચક્ર છે. એ જ રીત મધ્યમા વાણીનું ઉદ્ભવસ્થાન હદયના ભાગમાં આવેલ અનાહતચક્ર છે.

ઘણાં સંતો કહેતા હોય છે કે ખરા હ્રદયથી કરેલી પ્રાર્થના જરૂર ફળે છે. તે કદી નિષ્ફળ જતી નથી. આનો અર્થ એ જ થાય છે કે જ્યારે પૂર્ણ તન્મયતા સાથે અંતરનાં ઊંડાણોથી જે વાણી નીકળે છે તે હ્રદયમાંથી આવે છે એટલે કે મધ્યમા સ્વરૂપ વાણી હોય છે. જે આંતરજગતની દેવસૃષ્ટિ સુધી પહોંચે છે અને આ દેવશક્તિ તમારી ઇચ્છા પૂર્ણ કરવામાં સાથ આપે છે. જ્યારે સાધકની ધારણાનો અભ્યાસ પરિપક્વ બને છે ત્યારે તે ધ્યાનના સ્ટેજ પર પહોંચે છે. ધ્યાનમાં વાણીનું સ્વરૂપ હવે પહેલાં કરતાં પણ વધુ સૂક્ષ્મ બને છે તેને પ્રાયશ્ર્ચિત્ત વાણી કહેવાય છે. આ વાણીનું ઉદ્ભવસ્થાન નાભિના ભાગમાં આવેલું મણીપુરચક્ર છે. વૈખરી, ઉપાંશુ, માનસિક, મધ્યમા વાણીમાં ક્રમશ: દેવની કૃપા પણ વધતી જાય છે. આ જ રીતે જ્યારે પશ્યાંતિ વાણીમાં મંત્ર જપાય ત્યારે મંત્રદેવની પૂર્ણ કૃપા સાધક પર થાય છે.

ઉપર્યુક્ત બાબતમાં વિજ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે તે હવે આપણે જોઇએ. કોઇ વ્યક્તિ હાથમાં વજનદાર બેગ લઇને ચાલતી હોય તો તેની ગતિ ઓછી થઇ જાય તે સ્વાભાવિક છે. હવે તે બેગ મૂકીને માત્ર બ્રિફકેસ પકડે તો તેની ગતિમાં વધારો થઇ શકે અને એથી આગળ વધીને તેના હાથમાં કોઇ સામાન જ ન હોય તો તે વધુ ઝડપી અને સ્વસ્થતાથી પ્રવાસ કરી શકે છે. બસ આ જ રીતે તમે બોલો છો ત્યારે અવાજનું વજન તમારા વિચારોને વેંઢારવું પડે છે. આંતરજગતમાં પહોંચવા તમે શબ્દોનો પ્રયોગ ઓછો કરો તેમ વિચારોની ગતિ વધે. કોઇ અન્ય વ્યક્તિ સાથે વાતો કરવા શબ્દોની જરૂર પડે, પણ પોતાના મન સાથે વાતો કરવી તેનું નામ જ મૌન.

આપણાં શાસ્ત્રોમાં મૌનને પણ એક વ્રત તરીકે જોવામાં આવે છે. ઘણા સાધુસંતો અમુક સમયે મૌન પાળતા હોય છે. ગાંધીજી નિયમિત મૌન પાળતાં. ઘણા લોકો અગિયારશ, પૂનમ કે અમાસે મૌન પાળતા હોય છે. સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, પતિ-પત્ની કે ભાગીદારો વચ્ચે ઝઘડો થાય તો બેમાંથી એક જણ મૌન ધારણ કરી લે તો ઘણી દુ:ખદ કે અનિચ્છિત ઘટનાઓથી બચી શકાય છે. મૌન પાળતાની સાથે જ તમે વાણી દ્વારા જે શક્તિનો વેડફાટ કરો છે તેનો સંચય થાય છે. આ શક્તિ તમને મનની અંદર ઊંડા ઊતરવા માટે કામ લાગે છે. જેમ પાણીને ગાળીએ તો શુદ્ધ પાણી મળે તેમ મૌનથી તમારા અશુદ્ધ વિચારો ગળાય છે અને વાણી શુદ્ધ બને છે. તમને ક્રોધ આવે ત્યારે પણ મૌન ધારણા કરી લ્યો તો ઘણી આપત્તિઓમાંથી બચી શકાય છે.

બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ એ બન્ને કહેવતો વિરોધાભાસી લાગે, પરંતુ બેઉની જરૂર છે. બાહ્યજગતમાં સંબંધો જાળવવા, માલ વેચવા બોલવું પડે, પરંતુ આંતરજગતમાં જેટલું ઓછું બોલો કે ન બોલો એમ અંતરાત્માને ઓળખવાના ગુણો પ્રાપ્ત થતા જાય છે અને અગાઉ કહ્યું તેમ વાણી જેટલી સૂક્ષ્મ થતી જાય તેમતેમ શરીરની અંદર રહેલાં ચક્રો સાથે સંવાદ સધાય અને પ્રભુદર્શનનો માર્ગ પ્રશસ્ત થાય.

કોઇ મૃત સ્વજનની પ્રાર્થનાસભામાં બે મિનિટનું મૌન પાળવાનું કહેવામાં આવે છે તે પહેલાં સમજાતું ન હતું, પરંતુ હવે સમજાય છે. વાણીથી બાહ્યજગતના લૌકિક વ્યવહાર સચવાય છે, પરંતુ હવે બાહ્યજગત ભૂલી આંતરજગતમાં અલૌકિક વાતાવરણમાં પ્રવેશ કરવાનો છે. ત્યાં શબ્દો કરતાં મૌન વધુ કામ લાગે છે.

આમ ધ્યાન, મંત્ર અને મૌન વ્યવહારિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્રિયાઓમાં દરેક જાતના ફાયદા ઉપલબ્ધ કરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button