આમચી મુંબઈ

મુંબઈ, થાણે સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ સહિત કોંકણમાં આગામી ૨૪ કલાક દરમિયાન વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે ત્યારે રવિવારે મુંબઈમાં સવારના વાદળિયું વાતાવરણ રહ્યું હતું. શનિવારે મોડી રાતે પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટાં પડી ગયાં હતાં.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રાજ્યમાં વિદર્ભ, મરાઠવાડા રિજનના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વિદર્ભના બુલઢાણા, અકોલા, અમરાવતી, નાગપૂર, વર્ધા અને યવતમાળ, નાશિકમાં તોફાની વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે હવામાન ખાતાએ મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં આગામી પાંચ દિવસ સુધી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. એ સાથે જ કોંકણ સહિત મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને પુણેમાં પણ મુશળધાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
એક તરફ રાજ્યમાં ચોમાસા પહેલા જ વરસાદના ઝાપટાં પડી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લામાં હજી પણ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો ૪૦ને પાર કરી ગયો છે. સમગ્ર રાજ્યમાં રવિવારે સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના અમરાવતીમાં ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button