વિચારધારા સમાન હોય તો અલગ કેમ રહેવું? શશી થરૂર
કૉંગ્રેસમાં નાની પાર્ટીના વિલીનીકરણની તરફેણ કરી
મુંબઈ: સિનિયર કૉંગ્રેસી નેતા શશી થરૂર રવિવારે કેટલાક માધ્યમોમાં દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં નાની પાર્ટીઓના વિલીનીકણ અંગે જે મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા તે માટે અનુકૂળતા દર્શાવી છે.
જ્યાં સુધી નાની પાર્ટીઓના કૉંગ્રેસની સાથે ધરી બનાવવાનો કે તેમાં વિલીન થવાનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે કે જો વિચારધારા સમાન હોય તો પછી અલગ રહેવાની આવશ્યકતા શું છે? હવે જોઈએ કે આગળ શું થાય છે, એમ થરૂરે મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું.
અહીં નોંધનીય છે કે સિનિયર રાજકારણી શરદ પવારે એવી ભવિષ્યવાણી કરી હતી કે આગામી બે-એક વર્ષમાં કેટલીક પ્રાદેશિક પાર્ટીઓ કૉંગ્રેસ પાર્ટી સાથે વધુ નજીકથી સંકળાશે અથવા તો તેમાં વિલીન થઈ જશે. તેમણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ભાવિ રાજકીય સ્થિતિ વિશે વાતો કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પવાર અને ઉદ્ધવ ઠાકરેને કરેલી અજિત પવાર અને એકનાથ શિંદે સાથે જોડાઈ જવાની અપીલને અર્થહીન ગણાવી હતી.
તેમણે એવો પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જે પાર્ટીઓ હજી સુધી વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ નથી તે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જોડાઈ જશે. (એજન્સી)