એમસીઓસીએ હેઠળના કેસમાં નિર્દોષ,છૂટેલા આરોપીનું સરઘસ: 36 સામે ગુનો
થાણે: મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસમાં નિર્દોષ છુટકારો થતાં તેની ઉજવણીના ભાગ રૂપે ભિવંડીમાં સરઘસ કાઢવા બદલ પોલીસે પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરવાના આરોપસર 36 જણ સામે ગુનો નોંધ્યો હતો.
એમસીઓસીએ હેઠલના કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે પૂરતા પુરાવાને અભાવે 7 મેના રોજ આરોપીને નિર્દોષ છોડ્યો હતો.
ભિવંડી શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 8મી મેના રોજ આરોપી જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના સમર્થકોએ ભિવંડી વિસ્તારના નવી વસતિ ખાતે ઉજવણી રૂપે સરઘસ કાઢ્યું હતું.
પ્રતિબંધાત્મક આદેશ હોવાથી દેખીતી રીતે જ પાંચથી વધુ લોકોને એકઠા થવા પર મનાઈ હતી. આમ છતાં આરોપી અને તેના સમર્થકોએ આદેશની ઐસીતૈસી કરી સરઘસ કાઢ્યું હતું. ઉપરાંત, ધમકીભર્યા સૂત્રોચ્ચાર સાથે સરઘસના અમુક વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યા હતા.
આ પ્રકરણે પોલીસ દ્વારા જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભિવંડી પોલીસે આરોપી અને તેના 35 સમર્થક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 143, 149 તેમ જ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ અને ક્રિમિનલ લૉ (અમેન્ડમેન્ટ) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)