કેજરીવાલ સામેના વધુ એક કેસની આજે સુનાવણી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી સોમવારે કરવામાં આવે એવી શક્યતા છે. મે-2018 પછી યુટ્યુબર ધ્રુવ રાઠી દ્વારા સરક્યુલેટ કરવામાં આવેલા કથિત રીતે બદનક્ષીપૂર્ણ વીડિયોને રિટ્વિટ કરવા બદલ દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીના કેસમાં જે સમન્સ પાઠવવામાં આવ્યા હતા તેને દિલ્હી હાઈ કોર્ટે માન્ય રાખ્યા હતા.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની ખંડપીઠ સમક્ષ આ કેસ સુનાવણી માટે આવશે, જેમાં કેજરીવાલે એવો દાવો કર્યો છે કે તેણે કથિત રીતે બદનક્ષીપૂર્ણ વીડિયો રિટ્વિટ કરીને ‘ભૂલ કરી’ હતી.
આ પહેલાં 11 માર્ચે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને એવો સવાલ કર્યો હતો કે શું તેઓ આ કેસના ફરિયાદીની માફી માગવા તૈયાર છે.
કેજરીવાલે 26 ફેબ્રુઆરીએ કોર્ટને જણાવ્યું હતું કે યુટ્યૂબર રાઠી દ્વારા ભાજપના આઈટી સેલ સંબંધિત કથિત રીતે બદનક્ષીપુર્ણ વીડિયોને રિટ્વિટ કરીને ભૂલ કરી હતી.
ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર માફી માગી શકે છે.
કેજરીવાલ વતી હાજર રહેલા અભિષેક સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે ‘હું એટલું કહી શકું છું કે રિટ્વિટિંગ કરીને ભૂલ કરી હતી.’
અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને જ્યાં સુધી આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કેસની સુનાવણી ન કરવા જણાવ્યું છે.
પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી હાઈ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કથિત રીતે અપમાનજનક સામગ્રીને રિપોસ્ટ કરવાથી બદનક્ષી કાયદો લાગુ પડી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રિપોસ્ટ કરતી વખતે જવાબદારીની ભાવના સંકળાયેલી છે. જે વસ્તુની માહિતી ન હોય છતાં બદનક્ષીપૂર્ણ સામગ્રી રિટ્વિટ કરવામાં આવે ત્યારે તેને સજાપાત્ર ગુનો માનવામાં આવી શકે છે.
હાઈ કોર્ટે 2019ના નીચલી અદાલતના કેજરીવાલને સમન્સ મોકલવાના નિર્ણયને રદ કરવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે જ્યારે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ દ્વારા કોઈ બદનક્ષીપૂર્ણ સામગ્રી રિટ્વિટ કરવામાં આવે ત્યારે તેની અસરો કોઈના કાનમાં કહેવા કરતાં અનેકગણી વધી જાય છે. (એજન્સી)