ટોપ ન્યૂઝનેશનલ

NIAના રડાર પર છે આ પાંચ ખાલિસ્તાની, વિદેશમાં બેસીને ઘડી રહ્યા છે કાવતરું

દુનિયાના 5 દેશોમાં બેઠેલા ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)ના 5 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે ગૃહ મંત્રાલયે NIA દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ પછી તરત જ NIAએ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએઈમાં રહેતો બલજીત સિંહ ઉર્ફે બલજીત મૌર, ઓસ્ટ્રેલિયામાં રહેતો ગુરજંત સિંહ, કેનેડામાં રહેતો પ્રિન્સ ચૌહાણ, અમેરિકામાં રહેતો અમન પુરેવાલ અને પાકિસ્તાનનો બિલાલ મંશેર આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે. આ પાંચ આરોપીઓ ગેરકાયદેસર સંગઠન ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF) સાથે સંકળાયેલા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાંચેય ખાલિસ્તાની આતંકવાદી કમલજીત શર્માના સંપર્કમાં હતા, જે પંજાબની પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. કમલજીત શર્મા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના ઈરાદાથી KTF માટે જેલમાં બંધ કેદીઓને ભરતી કરવાનું કામ કરે છે. NIAના અન્ય 3 કેસમાં કમલજીત વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે.

આ બધા મળીને પંજાબમાં ખાલિસ્તાની નેટવર્કને મજબૂત કરવા, હથિયારો અને ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પડાવવા અને ટાર્ગેટ કિલિંગ દ્વારા પંજાબમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા.
ગુપ્તચર એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ નેટવર્ક ‘બંબીહા ગેંગ’ સાથે પણ જોડાયેલું છે જે પંજાબમાં KTFના નવા સભ્યોને પૈસા અને હથિયારો આપી રહી છે. હવાલા નેટવર્ક અને અન્ય પ્લેટફોર્મ દ્વારા ખંડણીના નાણાં દેશની બહાર મોકલવામાં આવતા હતા અને પછી ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

તપાસ એજન્સીઓને જાણવા મળ્યું હતું કે હવાલા માર્ગ દ્વારા પંજાબથી 5 દેશો યુએઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પાકિસ્તાનમાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે અને આ પૈસા એક જ આતંકવાદી સંગઠન KTFના અલગ-અલગ આતંકવાદીઓ સુધી પહોંચી રહ્યા છે. હાલ NIA સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button