મુંબઈના 130 વર્ષ જૂના બ્રિજ પર આ કારણે ભારે વાહનોને નો એન્ટ્રી, Bestની Busના રૂટમાં કરાયો મહત્વનો ફેરફાર…
મુંબઈઃ મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે રહેલો બ્રિટીશકાલીન 130 વર્ષ જૂનો બેલાસિસ પૂલ ટૂંક સમયમાં જ તોડીને નવેસરથી બનાવવામાં આવશે. ચૂંટણી બાદ આ પૂલ તોડવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે. દરમિયાન પૂલના બંને બાજુના રસ્તાનું કામ થવાનું હોઈ પૂલ શનિવાર મધરાતથી જ ભારે વાહનો માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજના કામ માટે પાલિકા 72,21,93,000 રૂપિયાનો ખર્ચ કરશે. પાલિકા અને પશ્ચિમ રેલવે દ્વારા આ બ્રિજનું કામ હાથ ધરવામાં આવશે.
જુલાઈ, 2018માં અંધેરી પૂર્વ અને પશ્ચિમ જોડતો ગોખલે બ્રિજ પડી જતાં થયેલી દુર્ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ 14મી માર્ચ, 2019માં સીએસએમટી નજીક હિમાલય બ્રિજ પડી જતાં સાત જણના મૃત્યુ થયા હતા અને 31 જણને ઈજા પહોંચી હતી. આ બંને દુર્ઘટના બાદ મુંબઈમાં આવેલા તમામ પુલનું ઓડિટ કરવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો.
આઈઆઈટી મુંબઈએ આ પુલનું ઓડિટ કર્યું હોઈ મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે આવેલો બેલાસિસ પુલ જોથમી હોવાનને કારણે તરત જ તેનું સમારકામ કરવાની કે નવેસરથી બાંધવાની ભલામણ કરવામાં આવી હતી. ભલામણ અનુસાર આ પુલ પાડીને નવેસરથી પુલ બાંધવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે આ પુલ માટે 24 કરોડ રૂપિયા ખર્ચ કરવાની હોઈ સૌથી વધુ કામનો ભાર પાલિકા દ્વારા ઉઠાવવામાં આવશે.
પુલનો રેલવે ટ્રેક પર આવેલો ભાગ પાડીને તેના બાંધકામ માટે પશ્ચિમ રેલવે દ્વારા કોન્ટ્રાક્ટરની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે પાલિકાએ પોતાના હદમાં આવેલા કામ માટે કોન્ટ્રાક્ટરની પસંદગી કરી છે. 1893માં આ પુલ બાંધવામાં આવ્યો હતો અને તેની લંબાઈ 380 મીટર જ્યારે પહોળાઈ 22.20 મીટર જેટલી છે.
પહેલાં પશ્ચિમ રેલવે દ્વારા આ બ્રિજ બંધ કરવા માટે પહેલી ડિસેમ્બર, 2023ની તારીખ આપવામાં આવી હતી પરંતુ પુલ પરથી વાહનવ્યવહાર બંધ કરવા માટે પોલીસ પાસેથી પરવાનગી નહોતી મળી. નવેસરથી ઊભા કરવામાં આવી રહેલા પૂલની ઊંચાઈ વધારવામાં આવશે. હાલમાં પૂલ રેલવે ટ્રેકથી પાંચ મીટરની ઉંચાઈ પર હોઈ હવે નવેસરથી બાંધવામાં આવનાર બ્રિજની ઊંચાઈ સાડાછ મીટર જેટલી હશે.
બેસ્ટના મુંબઈ સેન્ટ્રલ ડેપોના અંડર આવતા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પુલ સમારકામ માટે શનિવાર 11મી મેની મધરાતથી ભારે વાહનો તેમ જ બસ માટે બંને દિશામાં અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે કેટલીક બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ડાઉન દિશામાં તાડદેવથી આવતી બસ નં. 63,67, 124, 125, 136, 132, 357 મુંબઈ સેન્ટ્રલ બ્રિજથી જહાંગીર બોમન માર્ગ (બેલાસીસ માર્ગ) પર ન જતાં લોકશાહીર પઠ્ઠે બાપુરાવ માર્ગ પર (ડાયના બ્રિજ) સીધું નવજીવન સોસાયટી સિગ્નલ ખાતે ડાબી બાજુએ વળીને દાદાસાહેબા ભડકમકર માર્ગ (લેમિંગ્ટન રોડ) વ્હાયા બસ નંબ, 66, 82 માર્ગે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સિગ્નલથી જમણે વળીને નિયમીત રૂટ પર દોડશે.
અપ દિશાની તમામ બસ પણ આ જ પ્રમાણે ડો. હમીદ ચોકથી ડાબી બાજુએ નવજીવન સોસાયટથી જમણે વળીને ડાયના બ્રિજ માર્ગે તાડદેવથી આગળ પોતાના રૂટિન રૂટ પર દોડાવવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને પેરેલલ બસ સ્ટોપ ડાયના બ્રિજ પર આપવામાં આવ્યા છે એવી માહિતી બેસ્ટ દ્વારા આપવામાં આવી છે.