25 મિનિટમાં પહોંચી શકાશે Mumbai To Pune, જુઓ કઈ રીતે…

નવી દિલ્હીઃ દેશમાં ટ્રાન્સપોર્ટને વધારે સુવિધાજનક અને આરામદાયક બનાવવા માટે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ લોન્ચ કરે છે. સરકાર દ્વારા હાઈ સ્પીડવાળા એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ પર તો કામ ચાલી રહ્યું છે. હવે સરકાર આગળ હાઈપરલૂપ ટ્રેન દોડાવવાનું વિચારી રહી છે.
મહારાષ્ટ્રના પુણે સ્થિત એક સ્ટાર્ટઅપે જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી પુણે વચ્ચે હાઈપરલૂપ ટ્રેન ચલાવશે, જેને કારણે મુંબઈ-પુણે વચ્ચેનું અંતર 25 મિનીટમાં કાપી શકાશે. અત્યારે આ અંતર કાપવામાં ભલે ટ્રેન કે રોડથી પ્રવાસ કરવા માટે ત્રણ-સાડાત્રણ કલાકનો સમય લાગ્યો છે. મહત્ત્વની વાત તો એ છે ફ્લાઈટમાં પણ પુણેથી મુંબઈ પહોંચવા માટે 45 મિનીટનો સમય લાગે છે.
મુંબઈ-પુણે વચ્ચેનું અંતર 148 કિલોમીટર છે અને જો તમે આ અંતર બાય એર કાપવા માંગો છો તો તમને 45 મિનીટનો સમય લાગે છે અને એરપોર્ટ પરના બે કલાક એટલે બાય રોડની જેમ જ ત્રણ-સાડાત્રણ કલાકનો સમય લાગે છે. પરંતુ હાઈપરલૂપ ટ્રેનની મદદથી આ અંતર માત્ર 25 મિનિટમાં કાપી શકાય છે અને એનું ભાડું પણ પોષાય એવું રાખવામાં આવ્યો છે.
પુણે સ્થિત એક સ્ટાર્ટઅપે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે પ્રવાસીઓને 2032-33 સુધી આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ દેશની સૌથી પહેલી હાઈપરલૂપ ટ્રેન હશે. મુંબઈ-પુણે બાદ દિલ્હી-ચંદીગઢ, ચેન્નઈ-બેંગ્લોર જેવા મોટા મોટા શહેરોમાં પણ આ સુવિધા શરૂ કરવાની યોજના છે.
દેશને હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે અને હાઈપરલૂપ ટેક્નોલોજી આ કમીને પૂરી કરી શકે છે. જેમાં લો પ્રેશર ટ્યૂબની મદદથી ફ્રિક્શન અને વાઈબ્રેશનને ઓછું કરે છે, જેને કારણે સ્પીડ એકદમ વધી જાય છે. ફ્લાઈટની સરખામણીએ આ ટ્રેનનું ભાડું પણ ઓછું હોય છે. આ પ્રકારના ટ્રાન્સપોર્ટેશનને સૌથી સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશનમાંથી એક માનવામાં આવે છે. મુંબઈ-પુણેની વચ્ચે દોડાવવામાં આવનારી હાઈપરલૂપ ટ્રેનનું ભાડું 1000થી 1500 રૂપિયાની વચ્ચે હશે.
હાલમાં આ પ્રોજેક્ટનું પરિક્ષણ પુણેમાં કરવામાં આવી રહ્યું છે અને એને માટે 100 મીટર લાંબી વેક્યુમ ટ્યૂબનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં એના પર ટ્રાયલ કરાઈ રહ્યું છે અને એવી આશા સેવાઈ રહી છે કે 2032-33 સુધી મુંબઈપ-પુણે વચ્ચે આ હાઈપરલૂપ ટ્રેનો દોડશે, જેની સ્પીડ પ્રતિ કલાક 700 કિમીની હશે.