ઓડિશાના તમામ જિલ્લાનું નામ કહી આપો…. જ્યારે પીએમ મોદીએ મિત્ર નવીન પટનાયકને આપી આ ચેલેન્જ
ભુવનેશ્વરઃ ઓડિશામાં લોકસભાની ચૂંટણીઓની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં ભાજપે બે દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલી રહેલા બીજેડી પક્ષના ચીફ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયક પર જોરદાર હુમલો કર્યો છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદી પણ વધુ આક્રમક જણાઈ રહ્યા છે. એક ચૂંટણી રેલી દરમિયાન લોકોને સંબંધિત સંબોધિત કરતી વખતે તેમણે મુખ્યપ્રધાન નવીન પટનાયકને ઓડિશાના તમામ જિલ્લાઓના નામ જણાવવાનો પડકાર ફેંક્યો હતો.
ઓડિશાના કંધમાલમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ સીએમ નવીન પટનાયક અને તેમની સરકાર પર આક્રમક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ઓડિશા પાસે કુદરતી સંસાધનોનો ભંડાર છે તેમ છતાં ઓડિશાનો જોઈએ તેટલો વિકાસ થયો નથી.
પોતાના જૂના મિત્ર અને રાજ્યના સીએમ નવીન પટનાયક પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવીનબાબુ આટલા વર્ષોથી રાજ્યના મુખ્ય પ્રધાન છે છતાં ઓડિશાના લોકો તમારાથી નારાજ છે કારણ કે નવીન બાબુ રાજ્યના મુખ્યપ્રધાન હોવા છતાં પણ ઓડિશાના જિલ્લાના કે જીલ્લા મુખ્યાલયના નામ બોલી શકતા નથી. જે મુખ્યપ્રધાન પેપર ખોલ્યા વગર પોતાના રાજ્યના જિલ્લાઓ કે મુખ્યાલયોના નામ નથી બોલી શકતા તે મુખ્યપ્રધાન તમારી પીડા અને વેદના કેવી રીતે સમજશે એવો સવાલ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. તેમણે જનતાને વચન આપ્યું હતું કે જો ઓડિશા રાજ્યના લોકો ભાજપને પાંચ વર્ષ માટે તક આપશે તો તેઓ રાજ્યને નંબર વન રાજ્ય બનાવી દેશે.